યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન ક્રેડીટ ફ્રેમવર્ક પ્રોગ્રામની જાહેરાત કરી દીધી છે. જાહેર કરાયેલા ડ્રાફ્ટ પ્રમાણે હવે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષામાં મેજર કે માઇનોર વિષય રાખ્યા હોય તે બન્ને પૈકી કોઇપણ વિષયમાં અનુસ્નાતક એટલે કે પી.જી.નો અભ્યાસ કરી શકશે. ઓનલાઇન-ઓફલાઇન ઉપરાંત હાઇબીડ મોડ, ઓપન ડીસ્ટન્સ લર્નિગ સહિતના કુલ ચાર મોડમાં પી.જી. અભ્યાસક્રમને પણ મંજુરી આપવામાં આવી છે.
યુજીસીએ પીજી કોર્સીસ માટે કરીક્યુલમ એન્ડ ક્રેડિટ ફ્રેમવર્ક જાહેર કર્યું: વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષામાં મેજર કે માઇનોર વિષય રાખ્યા હોય તે બન્ને પૈકી કોઇપણ વિષયમાં અનુસ્નાતક એટલે કે પી.જી.નો અભ્યાસ કરી શકશે
અત્યાર સુધી પી.જી. માટે કોઇ ગાઇડલાઇન જાહેર કરવામાં ન આવતાં યુનિવર્સિટી અને કોલેજોમાં ભારે મુશ્કેલી ઉભી થઇ હતી. જોકે, હવે યુજીસીએ પી.જી. કોર્સ માટે પણ ક્રેડીટ ફ્રેમવર્ક જાહેર કરી દીધું છે. જેમાં વિદ્યાર્થીઓએ હવે યુ.જી.માં માઇનોર અને મેજર બે વિષયો રાખ્યા હોય તે પૈકી ઇચ્છે તે વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શકશે.આ સિવાય ઓનલાઇન મોડ, ઓફલાઇન મોડ અને હાઇબીડ મોડ ઉપરાંત ઓપન ડીસ્ટન્સ લર્નિગ મોડ પૈકી કોઇપણ મોડમાં અભ્યાસ કરે તેને માન્યતાં આપવામાં આવી છે. બે વર્ષના પી.જી. કોર્સમાં એક વર્ષ કર્યા પછી ડિપ્લોમાની ડિગ્રી મળશે.
આ સિવાય વિદ્યાર્થીઓ બે વર્ષમાં કુલ ચાર સેમેસ્ટર પૈકી એક વર્ષ અભ્યાસ અને એક વર્ષ રીસર્ચ કરે તો તેને પણ માન્ય ગણવામાં આવશે. કોઇ વિદ્યાર્થીઓ ત્રણ સેમેસ્ટર અભ્યાસ કર્યા પછી ચોથા સેમેસ્ટરમાં રીસર્ચ કરવા ઇચ્છે તો પણ તે માન્ય ગણાશે. કોઇ વિદ્યાર્થીઓ યુ.જી.માં એક વિષય સાયન્સનો રાખ્યો હોય અને તે સાયન્સમાં માસ્ટર ડિગ્રી કરવા ઇચ્છે તો તેને મંજુરી આપવામાં આવશે. એટલે કે કોમર્સમાં એક વિષય સાયન્સનો હોય તો પણ એમએસસીની મંજુરી મળી શકશે. આજ રીતે કોમર્સ અને આર્ટસમાં પણ એક વિષયનો અભ્યાસ કર્યો હોય તેમાં માસ્ટર ડિગ્રીનો વિકલ્પ આપવામાં આવશે. જુદી જુદી યુનિવર્સિટીઓ ઇચ્છે તો પી.જી.માં મશીન લર્નિગ, આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સી સહિતના કોર્સ દાખલ કરી શકશે. ઇન્ટીગ્રેટેડ એટલે કે પાંચ વર્ષના કોર્સને પણ પી.જી. કોર્સ તરીકે માન્યતાં આપવામાં આવી છે. આ સિવાય ત્રણ વર્ષ પછી બે વર્ષ કરે તો કેટલી ક્રેડીટ મળશે, ચાર વર્ષના કોર્સ પછી બે વર્ષ કરે તો કેટલી ક્રેડીટ મળશે અને ટેકનિકલ કોર્સ કર્યા પછી કેટલી ક્રેડીટ મળશે તેની વિગતો પણ જાહેર કરી દેવામાં આવી છે.
નેશનલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક મુજબ વિધાર્થીઓનું લેવલ નક્કી થશે
કવોલીફીકેશન | લેવલ | ક્રેડીટ | પોઇન્ટ |
પી.જી. ડિપ્લોમા | 6 | 40 | 240 |
4 વર્ષ પછી 1 વર્ષ | 6.5 | 40 | 260 |
3 વર્ષ પછી 2 વર્ષ | 6.5 | 40 | 260 |
4 વર્ષ પછી 2 વર્ષ (ટેક.) | 7 | 40 | 280 |