પોલીસની નિષ્ક્રિયતાના લીધે અરજદારે હાઈકોર્ટમાં જવું પડ્યું
ભાજપના પૂર્વ સાંસદ દીનુબોઘા સોલંકી અને તેના સાગરિતો દ્વારા મુસ્લિમ કુટુંબ પર હુમલો કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવાના હાઇકોર્ટના આદેશ સામે સોલંકીએ હાઇકોર્ટમાં ઘા કરી છે. જેમાં એવી માગ કરવામાં આવી છે કે હાઇકોર્ટના હુકમને પરત ખેંચીને યોગ્ય હુકમ કરવામાં આવે. હાઇકોર્ટે આદેશમાં એવી ટિપ્પણીઓ કરી હતી કે,સોલંકી રાજ્યના સત્તાધારી પક્ષ(ભાજપ) સાથે સંકળાયેલા હોવાથી પોલીસ તેમને છાવરે છે. સુપ્રીમ કોર્ટે તેમને આપેલી છૂટનો તેઓ દુરુપયોગ કરી રહ્યા છે અને રાજ્ય સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોરવું જોઇએ. આ પ્રકારની ટીકાઓને દૂર કરવાની માગ પણ કરી છે.
દીનુબોઘા સોલંકીએ આ રિટમાં એવી રજૂઆત કરી છે કે,આ કેસની સાચી હકીકતોને તોડીમરોડીને રજૂ કરવામાં આવી છે. કોર્ટ સમક્ષ જે કથિત સીડી રજૂ કરવામાં આવી છે તેની સાથે પણ ચેડાં થયાની શંકા છે. હકીકતમાં કોડિનારમાં બુટલેગિંગની પ્રવૃત્તિ ધમધમે છે. આ પ્રવૃત્તિ સામે સ્થાનિક લોકો અવાજ ઉઠાવે છે અને બુટલેગર્સને પાઠ ભણાવે છે. તેમની સામે જે મુસ્લિમ મહિલાએ અરજી કરી હતી તેમના ઘર તરફ જ્યારે ટોળું જઇ રહ્યું હતું ત્યારે પૂર્વ સાંસદ હોવાથી પોલીસે તેમને જાણ કરી હતી. તેથી તેઓ ત્યાંથી ટોળાને દૂર હટાવવા માટે પહોંચ્યા હતા અને ટોળાને સમજાવટથી દૂર પણ કર્યું હતું. જો આ ઘટનાની સીડીને ધ્યાનથી જોવામાં આવે તો તેઓ ક્યાંય પણ હાથમાં હથિયાર સાથે કે પછી મારામારી કરતા દેખાતા નથી. તેમ છતાંય આ સીડીનો ઉપયોગ બદઇરાદા પૂર્વક અને રાગદ્વેષ રાખીને તેમની વિરૂદ્ધ કરવામાં આવ્યો છે.
વધુમાં એવી રજૂઆત કરી છે કે,તેમની સામે ગમે તે રીતે ખોટા કેસ ઊભા કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે. જેથી સુપ્રીમ કોર્ટમાંથી તેમને મળેલા જામીન રદ કરાવી શકાય. તેમના જામીન રદ કરાવવા સુપ્રીમમાં અરજી પણ કરાઇ હતી પરંતુ તેમાં કોઇ દાદ મળી નહોતી. દીનુબોઘા સામે સીઆઇડી તપાસનો કેસ કરનાર એડવોકેટ આનંદ યાજ્ઞિક સામે પણ આ અરજીમાં કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજીમાં એવા આક્ષેપો કરાયા છે કે,એડવોકેટ આનંદ યાજ્ઞિક અમિત જેઠવા મર્ડર કેસમાં સાક્ષી છે, પરંતુ તેમણે એક સામાન્ય સાક્ષી કરતા વધુ રસ આ કેસમાં દાખવ્યો છે. તેઓ દીનુબોઘા પ્રત્યે પક્ષપાત રાખે છે અને દ્વેષ રાખી તેમની વિરૂદ્ધના કોઇ પણ કેસને જતા કરતા નથી. તેઓ માત્ર કોર્ટમાં દીનુબોઘા સામે કેસો કરતા નથી, પરંતુ જાહેર સ્થળોએ અને મીડિયા સમક્ષ પણ સોલંકી સામે નિવેદનો કરતા રહે છે. જે તેમનો પક્ષપાત સ્પષ્ટ રીતે દર્શાવે છે. આ પ્રકારની રજૂઆત સાથે સોલંકીએ ૮-૨-૧૭ના રોજ જસ્ટિસ જે.બી.પારડીવાલાએ કરેલા આદેશને પરત લેવાની માગ કરી છે.