વિપક્ષો ફરી એક વખત નિષ્ફળતાનું ઠીકરૂ ઈવીએમ પર ભાંગશે!
તાજેતરમાં યોજાયેલી ૧૭મી લોકસભાની ચૂંટણીના પરિણામો પૂર્વે આવેલા એકઝીટ પોલમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ ફરીથી સત્તા મેળવે તેવી સંભાવના છે. ત્યારે એકઝીટ પોલના આ આગાહીથી ભાજપ અને એનડીએ દેશની રાજકીય તવારીખમાં અગાઉ સત્તાધારી કોંગ્રેસ સત્તામાં રહીને બીજીવાર સરકાર રચવાના રેકોર્ડની બરાબરી કરવા તરફ આગળ વધી રહી છે. એનડીએ તરફના જનાધારના સંકેતોને લઈને દેશની રાજધાનીમાં રાજકીય ગતિવિધીઓનો ધમધમાટ શરૂ થયો છે.
વડાપ્રધાન મોદી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રીઓ આજે એનડીએના સહયોગી દળના નેતાઓને રાત્રી ભોજન માટે નોતરૂ આપ્યું છે.એકઝીટ પોલમાં કેસરીયા માહોલને પગલે ભાજપે સરકાર રચવાની કવાયતને તેજ કરી દીધી છે. નરેન્દ્ર મોદી અને અમિતશાહ ભાજપના ૩૦૦ના આંકડાના પારનો આત્મ વિશ્વાસ ધરાવે છે. તેમ છતા એનડીએના નેજા હેઠળ જ મોદી સરકાર રચાશે તેમ જાણવા મળ્યું છે.
૩૯ સભ્યોના એનડીએની કેન્દ્ર સરકાર રચવા માટે નરેન્દ્ર મોદી અને અમિતશાહે પ્રયાસો તેજ કરી દીધા છે. જોકે ગઠબંધનના ચાવીરૂપ નેતા બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે મહાત્મા ગાંધી અંગેની ટિપ્પણી કરનાર પ્રજ્ઞા ઠાકૂર સામે આકરા પગલાની માંગ કરીને ચૂંટણી પહેલા જ એનડીએનું તાપમાન વધારી દીધું છે.જયારે અમિતશાહ અને વડાપ્રધાન મોદી એનડીએના નેતાઓનાં સંકલનને મજબુત કરવા માટે કામે લાગી ગયા છે.
એકઝીટપોલમાં કેસરી રૂઝાન આવતાની સાથે જ ભાજપે વિજયોત્સવની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને ૨૪મી મેએ તમામ ઉમેદવારોને રાજધાની પહોચી જવા આદેશ કરાયો છે. પરિણામ પહેલા જ અમિત શાહના ડિનર ડિપ્લોમસીએ વાતનો સંકેત આપે છે કે ભાજપ બહુમતી મેળવીને પણ એનડીએના ગઠબંધન અંગે વિશ્વાસજારી રાખવામાં માને છે અને નવી સરકાર એનડીએનાં સહયોગથી જ ચાલશે.
સોમવારે આખો દિવસ પક્ષના કાર્યાલય ખાતે એકઝીટપોલના તારણબાદ નેતાઓ કાર્યકરોમાં આત્મવિશ્વાસના ઘોડાપૂર સર્જાયા છે.૨૩મી એ ભાજપના રાજયાભિષેક અંગે કાર્યકરો ભારે આત્મવિશ્વાથી છલકાઈ રહ્યા છે. પરિણામના દિવસ અંગે ભાજપના કાર્યકરો સતત તૈયારીઓમાં લાગી ગયા છે. ભાજપના પ્રવકતા જીતેન્દ્ર રાવતે જણાવ્યું હતુ કે એકઝીટપોલના તારણ બાદ અમે અમારી રજા કેન્સલ કરીને ૨૪ કલાક કામે લાગી ગયા છીએ.
પંજાબના સમીર છાબરાએ જણાવ્યુંં હતુ કે અમે ૨૩મી મેની તૈયારીઓ કરી રહ્યા છીએ. જનસંઘ કાળથી પાંચ દાયકાથી પક્ષ સાથે જોડાયેલા છાબરાએ કહ્યું હતુ કે મારા દાદા જનસંઘમાં હતા અને મારી ફશેઈ અત્યારે રાષ્ટ્રીય સેવીકા સમિતિ માટે કામ કરે છે. ભાજપ બીજીવાર સતા પર આવે તે નિશ્ચિત હતુ તેમ તેમણે જણાવ્યુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહએ પરિણામ પહેલા એનડીએના સહયોગીઓને રાત્રી ભોજન માટે નિમંત્રીત કરીને નવી સરકાર ગઠબંધન દ્વારા જ રચાશે અને તમામ સહયોગીઓનું સન્માન જળવાશે તેવા સંકેતો આપીને ભાજપ વિરોધી જૂથની એનડીએમા ભાંગફોડની મધલાળ ટપકતા પહેલા જ વચ્ચેથી અટકાવી દીધી છે. એનડીએના સહયોગીઓ પણ એકઝીટપોલના રૂઝાનથી ચહેરા ખીલી ઉઠ્યા છે.
ચૂંટણી પંચ ઈવીએમની વિશ્વસનીયતાની ચકાસણી માટે વીવીપેટની વ્યવસ્થા કરીને કેટલીક નિશ્ર્ચિત ટકાવારીના વીવીપેટના મતોની સરખામણરી કરવાની વ્યવસ્થા કરી હોવાથી વિધાનસભાદીઠ એક વીવીપેટની વ્યવસ્થા સામે વિપક્ષો ટકાવારી વધારવાની માંગણી કરી રંહ્યા હતા હવે વિપક્ષના નેતાઓએ ચૂંટણી પંચ સમક્ષ ઈવીએમ સાથે વીવીપેટની ૫૦ ટકા ચકાસણીઓની ગણતરીની માંગ કરી છે. એકઝીટપોલમાં એનડીએની ૩૦૦ બેઠક મળવાના આગાહીથી વિપક્ષો ખળભળી ઉઠ્યા છે. આજે અહેમદ પટેલ, ગુલામનબી આઝાદ, શરદપવાર, ચંદ્રાબાબુ નાયડુ,સતીષ મિશ્રા, સીતારામ યેચ્ચુરી, ડી. રાજા, સહિતના નેતાઓ ચૂંટણી પંચને ઈવીએમ સાથે રાખેલા તમામ વીવીપેટની ચબરખીઓની ગણતરીની માંગ કરશે.
નાણામંત્રીનો ‘કાંટાળા’ તાજ કોના શિરે!
દેશમાંફરી મોદી સરકાર બની રહી હોવાની તમામ એકઝીટ પોલોએ સંભાવના વ્યકત કરી છે. ત્યારે આગામી સરકારમાં આર્થિક પાસુ અતિ મહત્વનું પૂરવાર થનારૂ છે. કારણ કે, પેટ્રોલિયમ પેદાશોમા થયેલો ૬.૬ ટકાના વધારાના કારણે મોંઘવારી વધવાની સંભાવના છે. જેથી નવી સરકારમાં નાણાંમંત્રી બનનારા નેતા માટે આ વિભાગ અગ્નિપરીક્ષા પૂરવાર સમાન થના છે. અગાઉ અરૂણ જેટલી નાણામંત્રી પદે અસરકારક કામગીરી કરી ચૂકયા છે. પરંતુ ૬૬ વર્ષિય જેટલીને ડાયાબીટીસ અને કેન્સરના કારણે તબીયત બરાબર રહેતી નથી.
જેથી તેમને સારવાર અમેરિકા લઈ જવાયા ત્યારે રેલવે મંત્રી પિયુષ ગોયલને નાણામંત્રીનો વદારનો કાર્યભાર સોપાયો હતો. તેમને ફેબ્રુઆરીમાં વચગાળાનું લોકપ્રિય બજેટ રજૂ કરીને તમામ વર્ગોને ખૂશ કરી દીધા હતા જેથી નવી મોદી સરકારમાં આ બંને અનુભવી નેતાઓ અરૂણ જેટલી કે પિયુષ ગોયલને નાણામંત્રી બનાવાય તેવી સંભાવના એનડીએના નેતાઓ જોઈ રહ્યા છે. પરંતુ જે પણ નવા નાણામંત્રી બનશે તેના માથે આ વિભાગ ‘કાંટાળો તાજ’ સમાન બનવાની સંભાવના છે.