કેમ્પસમાં દર્દીઓના પરિવારજનો દ્વારા આડેધડ પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા: સિક્યુરિટી ગાર્ડ સાથે વાહન પાર્કિગ બાબતે થતા ઝઘડા ઘટાડવા બસ સુવિધા શરૂ કરાઇ

ઓવરબ્રિજના નિર્માણના પગલે જામનગર રોડ પરનો ગેટ બંધ થવાથી ટ્રાફિક સમસ્યા વકરી

રાજકોટ પીડીયું મેડિકલ કોલેજમાં એઇમ્સના પ્રથમ બેચના ૫૦ જેટલા છાત્રોને ખઇઇજ માં પ્રવેશ આપી ૧૭ અધ્યાપકોની નિમણુંક કરવામાં આવી છે. પરંતુ આ અધ્યાપકો -છાત્રો માટે  કાર- ટુ વહીલના પાર્કિંગની સુવિધા અભાવે અવાર નવાર સિકીયુરિટી ગાર્ડ સાથે ઝગડાઓ થતા હોવાનું સામે આવતા સિવિલ સુપ્રીડન્ટ સુધી રજુઆત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ પીડિયું મેડિકલ કોલેજના બિલ્ડિંગમાં ૫૦ વિદ્યાર્થી સાથે શૈક્ષણિક  સત્ર શરૂ કરવામાં આવ્યું છે.નવું બિલ્ડીંગ  સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ ૧૨૫ બેઠકો ભરવામાં આવશે.હાલ આ ૫૦ વિદ્યાર્થીને હોસ્ટેલમાં રહેવા જમવાની સુવિધા આપવામાં આવી છે. હાલ દરરોજ ૧૭ જેટલા અધ્યાપકો હેઠળ આ ૫૦ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ અધ્યાપકો અને છાત્રોના વાહન પાર્કિગ માટે કોઈ ચોક્કસ જગ્યાએ સુવિધા ન હોવાથી ભારે કચવાટ જાગ્યો છે. સિવિલમાં આવતા દર્દીના સગાઓના આડેધડ પાર્કિગના કારણે પોતાના વાહન સાચા સ્થાને મૂકી શકતા નથી, કા તો વાહન હટાવવા બાબતે સિક્યુરિટી ટીમ સાથે અવાર નવાર ઝગડા થતા હોવાનું હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સિમી મહેરા, ડેપ્યુટી ડાયરેકટર શરમદીપ સિન્હાને  ધ્યાને આવતા તાકીદે સિવિલ અધિક્ષક પંકજ બુચને રજુઆત કરવામાં આવી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ સારવાર મેળવવા માટે આવતા હોય છે, આ દર્દીઓ તેમના પરિવારજનો માટે વાહન પાર્કિગની સુવિધા ન હોવાથી આડેધડ પાર્કિગ કરતા હોય છે, ઘણી વખત ડોક્ટરો અને સિવિલ હોસ્પિટલના સ્ટાફને પણ મુશ્કેલી સર્જાતી હોય છે. હાલ આ સમસ્યા એઇમ્સના છાત્રોને પણ સતાવી રહી છે. હાલ આ વાહન પાર્કિગની સમસ્યામાથી મુક્તિ મેળવવા ખાનગી બસની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  રાજકોટના હાર્દ સમાન ચોવીસેય કલાક ટ્રાફિક ધમધમતો રહે છે એવા સિવિલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યુ છે. હાલ રોડની બન્ને બાજુ મસમોટા ખાડા ખોદી નાખવામાં આવતા ટ્રાફિક  સમસ્યા સર્જાય રહી છે,તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુખ્ય બે ગેટમાંથી જામનગર રોડ પરનો ગેટ બંધ કરી દેવામાં આવતા સિવિલ કેમ્પસમાં પણ ટ્રાફિક સમસ્યા જોવા મળે છે.હવે સિવિલના મુખ્ય ગેટમાંથી જ ટ્રાફિકની અવર જવર હોવાથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. કારણ કે  સિવિલ કેમ્પસમાં આડેધડ પાર્કિગ કરેલા વાહનોના થપ્પા જોવા મળે છે. તો ઘણી વખત ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સના દ્રાઈવરને પણ આડેધડ પાર્ક કરેલા વાહનો મુસીબતરૂપ બનતા હોય છે. તો બીજી બાજુ સિવિલ કોન્ટ્રાકટ આધારિત સિકીયુરિટી ગાર્ડની ટિમને પણ ઉચ્ચ કક્ષાએથી વાહન પાર્કિગ બાબતે ધ્યાન રાખવા ટકોર કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.