ગઢની રાંગની ઘટના બન્યા બાદ પણ તંત્રએ કાર્યવાહી ન કરતા ફરી દુર્ઘટના ઘટી
જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાં કાચી માટીની ઈંટોનું જર્જરીત મકાન ધરાશયી થયું હતું. મકાનના કાટમાળ હેઠળ છ જેટલા પરપ્રાંતિય મજૂરો દબાઈ જતા તેઓને સ્થાનિકોએ કાટમાળ હટાવી બહાર કાઢી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવારમાં મોકલી દીધા બાદ નગરપાલિકા તંત્ર પહોંચતા ઘોર બેદરકારી છતી થઈ હતી.
શહેરના ભોજાધાર વિસ્તારમાં પંદરેક દિવસ પૂર્વે એક જૂનું જર્જરીત કાચી માટીની ઈંટોનું બનેલ મકાન ધરાશયી થયું હતું. સદનસીબે કોઈને ઇજા પહોંચી ન હતી. આ મકાનને અડીને જ આવા બીજા બે મકાનો આવેલ છે તે મકાનો પણ ગમે ત્યારે ધરાશયી થશે તેવી સ્થાનિકોએ તત્કાલીન સમયે મીડિયા સમક્ષ દહેશત વ્યક્ત કરી હતી. અને આ દહેશત આજે સાચી પડી પંદર દિવસ પૂર્વે મકાન ધરાશયી થયેલ તે મકાનને અડીને જ આવેલ મકાન ધડામ દઈને ધરાશયી થયું.
સ્થાનિક યુવાન તરત જ પહોંચીને જોતા જે મકાન ધરાશયી થયું તેમાં સાતથી આઠ જેટલા પરપ્રાંતિય મજૂરો ભાડે રહેતા તે કાટમાળ હેઠળ દબાઈ ગયેલ હતાં. સ્થાનિકોએ સરકારી તંત્રની રાહ જોયા વગર પલનો પણ વિલંબ કર્યા વગર તરત જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી. અને એક પછી એકને દબાઈ ગયેલ લોકોને બહાર કાઢવા લાગેલ પાંચને બહાર કાઢી લીધા અને હજુ કેટલા દબાયેલ છે તે કોઈ જણાતું ન હતું. અને જેને બહાર કાઢ્યા તે બોલી શકે તેવી હાલતમાં ન હતાં. જેથી સ્થાનિકોએ કાટમાળ ધીમેધીમે હટાવતા તેની અંદરથી વધુ એક યુવાન જીવતો પણ ગંભીર હાલતમાં મળી આવ્યો. અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા બાદ નગરપાલિકા તંત્ર સ્થળ પર પહોંચ્યું.
ઇજાગ્રસ્તોમાં રાહુલ બધિયા,મહેશલાલ પદલાલ ઈતવારીભાઈ, રવિન્દ્ર ભુતારામ, રસ્કાભાઈ મુંડાભાઈ અને સુનિલ મુરમુ રહે તમામ ઝારખંડ વાળાઓને સરકારી હોસ્પિટલમાં સારવાર આપી ગંભીર ઇજાગ્રસ્તોને ચાર યુવાનોને રીફર કરવામાં આવ્યા હતાં.
નગરપાલિકા કુંભકર્ણ નિંદ્રામાં
જેતપુર શહેરમાં અનેક મકાનો જર્જરીત હાલતમાં ઉભા છે નગરપાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે. શહેરમાં છેલ્લા પંદર દિવસમાં ત્રણ જગ્યાએ મકાનો ધરાશયી થઈ ગયા ત્યાં નગરપાલિકા મકાન પડ્યું તે જાણવા કે જોવા માટે હજુ સુધી ડોકાયું પણ નથી કર્યું. તો આવું નગરપાલિકા તંત્ર લોકોની શું મદદ કરશે.