ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ અને સેનિટેશન ચેરમેન અશ્વિન પાંભરે પરિપત્ર પ્રસિદ્ધ કરવા અધિકારીઓને આપી સુચના
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મહાપાલિકા દ્વારા વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપનારા મહાનુભાવની પ્રતિમા મુકવામાં આવી છે.પરંતુ આ પ્રતિમાઓની નિયમિત સાફ સફાઈ થતી ન હોવાના કારણે પૂરતી ગરીમાં જળવાતી ન હતી.દરમિયાન ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ અને સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પાંભરે અંગત રસ લઈ મહાનુભાવોની પ્રતિમાની ગરિમા જળવાય તે માટે દર શનિવારે બપોર પછી નિયમિત રીતે પ્રતિમાઓની સફાઈ કરવા અધિકારીઓને પરિપત્ર પ્રસિદ્ધ કરવા માટે તાકીદ કરી છે.આ માટે જે-તે વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા ડે મેયર ડો.દર્શીતાબેન શાહ અને સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પાંભરે જણાવ્યું હતું કે લ,કોર્પોરેશન દ્વારા શહેરના કોટેચા ચોકમાં સ્વામી વિવેકાનંદજી,પારેવડી ચોકમાં સુભાષચંદ્ર બોઝની, હરેસકોર્સમાં શિવાજી મહારાજની, શેઠ હાઈસ્કુલ સામે રવિશંકર મહારાજની, જ્યૂબીલી ગાર્ડનમાં મહાત્મા જ્યોતિરાવ ફુલેની, સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો.ભીમરાવ આંબેડકરજીની, મવડી ચોકમાં આહિર સમાજના વીર સપૂત દેવાયત બોદરની, સોરઠીયાવાડી ચોકમાં મહારાણા પ્રતાપની, રામકૃષ્ણનગર રોડ પર આવેલા ગાર્ડનમાં નરસિંહ મહેતાની, ઇન્ડોર સ્ટેડિયમ સામે વીર સાવરકરની, રેસકોર્સ આર્ટ ગેલેરીમાં શ્યામાપ્રસાદ મુખર્જી, બ્રહ્મકુંજ સોસાયટી પાસે ક્રાંતિવીર મંગલ પાંડેની બિશપ હાઉસ સામે ચંદ્રશેખર આઝાદની, એરપોર્ટ રોડ પર રાજીવ ગાંધીની, ત્રિકોણ બાગ ખાતે ઉછરંગરાય ઢેબરની, આજી ડેમ ખાતે પંડિત દિન દયાલ ઉપાધ્યાયની ,યુનિવર્સિટી રોડ પર શહીદ ભગતસિંહની, જ્યૂબીલી બાગ ખાતે મહાત્મા ગાંધીજીની, અમરનાથ મહાદેવ મંદિર પાસે લાલ બહાદુર શાસ્ત્રીની, શારદાબાગ ખાતે મહર્ષિ વાલ્મીકિ ઋષિ,માર્કેટિંગ યાર્ડ સામે ગાર્ડનમાં શ્યામજી કૃષ્ણ વર્માની, બહુમાળી ભવન ચોક ખાતે વલ્લભભાઈ પટેલની, કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જવાહરલાલ નેહરુની, મહિલા કોલેજ ચોકમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની,અને ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ઇન્દિરા ગાંધીજીની એમ કુલ ૨૫ મહાનુભાવોની પ્રતિમાઓ મુકવામાં આવી છે.જેની મહાપાલિકા દ્વારા સફાઈ તો કરવામાં આવે છે પરંતુ નિયમિત સફાઈના અભાવે મહાનુભાવની ગરીમા જળવાતી ન હતી. જે વાત ધ્યાને આવતા હવે તે દર શનિવારે બપોર બાદ મહાનુભાવોની પ્રતિમા નિયમિતપણે સાફ કરવા માટે પરિપત્ર પ્રસિદ્ધ કરવા ડીએમસી એ.આર સિંહ અને પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારને તાકીદ કરવામાં આવી છે. પ્રતિમા સફાઈ ની કામગીરી માટે જે તે વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવશે.પ્રતિમાની સફાઈ સાથે તેની આજુબાજુ પણ સ્વચ્છતા જળવાય રહે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે.દેશમા અલગ અલગ ક્ષેત્રેમાં પોતાનું અનન્ય યોગદાન આપનાર મહાનુભાવોની યોગ્ય ગરીમાં જળવાઇ રહે તે દિશામાં મહાપાલિકા દ્વારા પગલું ભરવામાં આવ્યું છે.