સોમનાથ મહાદેવના સાંનિધ્યે ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ નો પ્રારંભ
30 એપ્રિલ સુધી ગીર સોમનાથ-અને દ્વારકામાં વિવિધ કાર્યક્રમોની વણઝાર
પ્રથમ જયોતિલિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં સોમનાથ મંદિર નિકટ આવેલા સમુદ્ર દર્શન પથ પાસેના મેદાન ખાતે ગઈકાલથી તા.30 એપ્રીલ સુધી ચાલનારા સૌરાષ્ટ્ર તામિલ સંગમના પ્રારંભ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રંગેચંગે શુભારંભ થયો હતો. આ ઉપરાંત ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગના સંયુકત ઉપક્રમે સંપૂર્ણ સૌરાષ્ટ્ર તમિલ સંગમના 1000 વર્ષના ઈતિહાસને ચિત્રોમાં કંડારી પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી , રાજ્યપાલ , મંત્રીઓ સહિતના મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સોમનાથ મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે કલાકારો દ્વારા બંને રાજ્યોના સંગીત અને નૃત્યની ફ્યુઝન પ્રસ્તુતિ ’વંદનમ્ અભિવંદનમ્, સૌરાષ્ટ્ર તમિલ સંગમમ’ રજૂ કરવામાં આવી હતી, જેને મંચસ્થ મહાનુભાવોએ રસપૂર્વક નિહાળી હતી.
આ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર ના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તૈયાર થયેલ વિખ્યાત તમિલ કવિશ્રીની તમિલમાંથી ગુજરાતીમાં ભાષાંતરિત 200 રચનાઓનો ભજન સંગ્રહ ’અ હોલી કનફ્લુઝન ઓફ હરી એન્ડ હર’ તેમજ શિક્ષણ વિભાગના તભજ્ઞાય, અમદાવાદ તમિલ સંગમ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલ દૈનિક વાતચીતનાં વાક્યોની તમિલ-ગુજરાતી ભાષાંતર બુકલેટ, ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે સંપૂર્ણ સૌરાષ્ટ્ર તમિલ સંગમના 1000 વર્ષના ઈતિહાસ ને ચિત્રોમાં ’સૌરાષ્ટ્ર તમિલ સંગમમ’ ચિત્રાત્મક પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
આ અગાઉ મહાનુભાવો તમિલ – ગુજરાતી કલાકારો દ્વારા બંને રાજ્યોના લોકનૃત્ય અને લોકસંગીતની અદભુત ફયુઝન પ્રસ્તુતિ ’ સૌરાષ્ટ્ર તમિલ સંગમમ ’ નિહાળી અભિભૂત થયા હતા.
આ પ્રસંગે નવસારીના સાંસદ સી. આર. પાટિલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, સાંસદ સર્વ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
એજયુકેશન એક્ઝિબિશનનો પ્રારંભ
સોમનાથ ખાતે ’સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અંતર્ગત એજ્યુકેશન એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં યુનિવર્સિટીના વિવિધ પ્રોજેક્ટ સહિતની માહિતી આપતા પ્રદર્શન ગોઠવવામાં આવ્યાં છે.
ઉપરાંત, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ihub, ssip, gks અંતર્ગત વિવિધ સ્ટાર્ટઅપને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે 8 બુથ ઉભા કરવામાં આવ્યા છે, જે અંતર્ગત દર 3 દિવસે અલગ-અલગ સ્ટાર્ટઅપ્સની પ્રોડક્ટનું નિદર્શન અને વેચાણ હાથ ધરાશે. એમ કુલ 20થી વધુ સ્ટાર્ટ અપ અહી પ્રદર્શન અને વેચાણ માટે આવશે. આ તમામ સ્ટાર્ટ અપ શિક્ષણ વિભાગની સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત વિવિધ સહાય મેળવેલ સફળ સ્ટાર્ટઅપ છે. આ ઉપરાંત એજ્યુકેશન એક્સ્પોમાં આવેલ તમિલ અને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી, આઇ હબ અને ગુજરાત નોલેજ સોસાયટી અંતર્ગત મળતી સહાય અંગે માર્ગદર્શન પુરૂ પાડતો સ્ટોલ પણ આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ માહિતગાર થઈ સ્ટાર્ટ અપ માટે પ્રેરણા મેળવશે.
ગુજરાતી-તમિલ વિદ્યાર્થીઓ વચ્ચે ભાષા-સંસ્કૃતિના આદાન પ્રદાન માટે વ્યાખ્યાન યોજાયું
સોમનાથ મંદિરના પ્રાંગણમાં ઓડિટોરિયમ ખાતે ગુજરાતી અને તમિલ વિદ્યાર્થીઓ વચ્ચે ભાષા અને સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે વક્તા શ્રી સાંઈરામ દવેએ પરંપરાઓ, જીવન પદ્ધતિ, ખાનપાન વગેરેના આદાન-પ્રદાન થકી સૌરાષ્ટ્ર અને તમિલનાડુના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સૌરાષ્ટ્ર અને તમિલનાડુના આ સંગમ કાર્યક્રમને રામેશ્વર અને સોમનાથ જાણે એકબીજાને મળ્યા હોય તેમ લાગે છે તેવી ભાવના વ્યક્ત કરી હતી. ભાષા અને સંસ્કૃતિની આપ-લે સાથે શૈલી વિશે સમજાવતા સાંઈરામ દવેએ ગુજરાતી અને તમિલ ભાષામાં ગીત રજૂ કર્યું હતું.
દ્વિતીય વક્તા પ્રેમકુમાર રાવે હજાર વર્ષ પહેલા બોલાતી સૌરાષ્ટ્રની ભાષા, સૌરાષ્ટ્રી કે જે હાલ પણ સૌરાષ્ટ્ર તમિલ પરિવારોમાં બોલાય છે તેના વિશે એક સંશોધન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભાષાકીય ઓળખ, તેના મૂલ્યો તે દરેક સમુદાયમા જુદા પડતા હોય છે, અનેક ભાષાઓ માત્ર જ્ઞાતિ કે સમુદાયમાં બોલાતી હોવાથી એ લુપ્ત થતી ભાષાઓ તરીકે જોવા મળે છે. સૌરાષ્ટ્રી પણ માત્ર સૌરાષ્ટ્ર તમિલોના પરિવારમાં બોલાતી ભાષા છે તે કોઈ રાજ્યભાષા ન હોવાના કારણે અને તેના પર તમિલની અસર હોવા સાથે આ ભાષા હવે લુપ્ત થતી જાય છે.
હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ પ્રદર્શનનો પ્રારંભ
તમિલ સંગમ કાર્યક્રમ’ અંતર્ગત હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં ભારત સરકારના કપડા મંત્રાલય અંતર્ગતના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કમિશનર અને નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા હાથશાળ અને વણાટના વિવિધ યંત્રો સાથે પ્રદર્શન અને વિવિધ કારીગરો માટે વેચાણ માટેના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં હેન્ડીક્રાફટ અંતર્ગત કચ્છ એમ્બ્રોડરી, તમિલ કલમકારી, એપ્લિક વર્ક, વુડન આર્ટ વગેરેનું પ્રદર્શન તેમજ હેન્ડલૂમ અંતર્ગત પટોળા વણાટ, હાથ વણાટની નાની અને મોટી લૂમ સાથે લાઈવ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ એક્સપોમાં તમિલ અને ગુજરાતી હસ્તકલાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. લગભગ 60 જેટલા વિવિધ સ્ટોલમાંથી કારીગરો પાસેથી વસ્ત્રો અને અન્ય ઉત્પાદનોની ખરીદી પણ કરી શકશે. મુળ સૌરાષ્ટ્રના તમિલ બાંધવો આ સ્ટોલની મુલાકાત લઈને રસપૂર્વક માહિતી મેળવી રહ્યા છે.
રેતી શિલ્પ મહોત્સવમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમનો લોગો, નટરાજનું શિલ્પ બન્યું આકર્ષણનું કેન્દ્ર
તા. 30 એપ્રિલ સુધી ચાલનારા મહોત્સવમાં બીચ સ્પોર્ટસ, હસ્તકલા, લાઈટ એન્ડ સાઉન્ડ શો જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રેતી શિલ્પ મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રેતી શિલ્પ મહા મહોત્સવના આયોજન અંગેની જાણકારી આપતા ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવશ્રી ટી.આર દેસાઈએ જણાવ્યું હતું કે, લલિતકલા અકાદમી દ્વારા ગુજરાતના કલાકારોને વિશેષ પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. રેતી શિલ્પ જે પૈકીની એક પ્રવૃત્તિ છે. સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આ પ્રવૃત્તિ કરવામાં આવે છે.
દરિયાઈ વિસ્તારના 34 જેટલા કલાકારોએ આ મહોત્સવમાં ભાગ લઈ ઉત્તમ કૃતિઓનું સર્જન કર્યું છે. જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમનું લોગો શિલ્પ, ભગવાન ગણેશ, જી-20, નટરાજ એવા અલગ અલગ 15 જેટલા શિલ્પો વિવિધ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. શિલ્પ બનાવવામાં 3 થી 4 દિવસ જેટલો સમયગાળો લાગ્યો હતો. આ ઉત્સવ શરૂ થયાના બે દિવસ અગાઉ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આવા શિલ્પ મહોત્સવના કાર્યક્રમો દરિયાઈ વિસ્તારોમાં થતા રહેવા જોઈએ, જેથી દરિયાઈ વિસ્તારના રેતી શિલ્પ કલાકારોને વિશેષ પ્રોત્સાહન મળે છે.