વેરા વળતર યોજનાથી મહાપાલિકાની તિજોરી છલકાઈ: ૪ દિવસમાં ૭ કરોડની આવક
રાજકોટવાસીઓ સ્માર્ટ બની રહ્યા છે. વેરો ભરવા માટે લાઈનમાં ઉભા રહેવાને બદલે હવે ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યા છે. હાલ મહાપાલિકામાં વેરા વળતર યોજના ચાલી રહી છે. જેમાં ૪ દિવસમાં જ રૂ.૭ કરોડથી વધુની આવક થવા પામી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘર બેઠા ઓનલાઈન વેરો ભરનાર કરદાતાઓની સંખ્યામાં ૧૫ ટકા જેટલો તોતીંગ વધારો થયો હોવાનું ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. મહાપાલિકા દ્વારા ગત મંગળવારથી વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૧૯-૨૦નો એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને વેરામાં ૧૦ ટકા અને મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં વિશેષ ૫ ટકા સાથે ૧૫ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. ૪ દિવસમાં ૧૮,૩૭૨ કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભરી મહાપાલિકાની તિજોરીમાં રૂ.૭.૦૮ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે અને વેરા વળતર યોજનાનો લાભ લીધો છે. ૬૯૯૫ કરદાતાઓએ ઓનલાઈન વેરો ભરપાઈ કરી રૂ.૨.૫૨ કરોડ મહાપાલિકાની તિજોરીમાં ઠાલવ્યા છે જોકે આજની તારીખે હજી રોકડ જ પ્રથમ સ્થાન પર બિરાજમાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન વેરો ભરનાર કરદાતાને મહાપાલિકા દ્વારા રૂ.૫૦થી લઈ ૨૫૦ સુધીનું વિશેષ વળતર આપવામાં આવી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓનલાઈન વેરો ભરનાર કરદાતાની સંખ્યામાં ૧૫ ટકા જેટલો વધારો થયો હોવાનું ટેકસ બ્રાંચના સુત્રોએ જણાવ્યું હતું.