ડિજિટલમાં મીડિયામાં આચારસંહિતાથી અભદ્ર, અહિતકારી પ્રચાર અંકુશમાં: માહિતી સચિવ

અમદાવાદ પીઆઇબીએ યોજયો માધ્યમો માટેનો વેબિનાર 

સર્જનાત્મક સ્વતંત્રતાથી ફરિયાદ નિવારણ તંત્ર મજબૂત બન્યું 

 

ડિજિટલ મીડિયામાં નૈતિક આચારસંહિતા અમલમાં આવતા અભદ્ર અને સહિતકારી પ્રચાર સમગ્ર પર અંકુશ આવ્યો છે તેમ કેન્દ્રીય મહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ વિક્રમે પીઆઇબી દ્વારા યોજાયેલા એક વેબિનારમાં જણાવ્યું હતું.

પીઆઇબી,અમદાવાદ દ્વારા એક વિશિષ્ઠ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી 200 ઉપરાંત ડિજિટલ મીડિયા હેડ્સ, અખબારી આલમનાં અગ્રણીઓ, ઇલેક્ટ્રોનિક મીડિયા તંત્રીઓ, વરિષ્ઠ પત્રકારો, પત્રકારત્વ સંસ્થાના વડાઓ તેમજ વિદ્યાર્થીઓ વગેરેની ઓનલાઇન ઉપસ્થિતિમાં યોજાયેલ આ વેબીનારમાં નવી દિલ્હીથી માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિક્રમ સહાયે તથ્યપૂર્ણ નિદર્શન રજૂ કર્યું હતું.

સહાયે જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ભારતમાં વ્યવસાય કરવા માટે આવકાર છે પરંતુ તેમણે ભારતના બંધારણ અને કાયદાઓનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ચોક્કસપણે પ્રશ્નો પૂછવા અને ટીકા કરવા માટે થઇ શકે છે.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સામાન્ય વપરાશકર્તાઓને સશક્ત કર્યા છે પરંતુ તેમણે તેના દુરુપયોગ સામે જવાબદારી લેવી પણ જરૂરી છે.

આવા નિયમો પર પ્રકાશ પાડતાં પીઆઈબીનાં અપરમહાનિદેશક ડો.ધીરજ કાકડિયાએ કહ્યું કે નવા નિયમો સોશિયલ મીડિયાના સામાન્ય વપરાશકર્તાઓને સશક્ત બનાવે છે. તેમની ફરિયાદના નિવારણ અને સમયસર નિરાકરણ માટેના વ્યવસ્થાતંત્રને સાકાર કરે છે. આ નિયમો બાબતે ખોટી અવધારણાઓનો છેદ ઉડાડી નાખવા કરાયેલ જોગવાઇનો ખ્યાલ આપતાં તેમણે ઉમેર્યું કે ડિજિટલ મીડિયા અને ઓટીટી અંગેના નિયમોમાં ઇન હાઉસ અને સ્વનિયમનના વ્યવસ્થાતંત્ર પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેના દ્વારા પત્રકારત્વ અને સર્જનાત્મક સ્વતંત્રતાને બહાલી આપતી વખતે મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર પૂરું પાડવામાં આવ્યું છે.

એક પ્રશ્નના જવાબમાં વિક્રમ સહાયે સ્પષ્ટતા કરી કે પ્રસ્તાવિત માળખુ પ્રગતિશીલ,ઉદાર અને કાલોચિત છે. તેમાં સર્જનાત્મકતા અને વાણી તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે ઉચિત જોગવાઈઓ કરાઈ છે. થિયેટર અને ટેલિવિઝનની સરખામણીએ ઇન્ટરનેટ નિહાળનારા પ્રેક્ષકો વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકાઓ તૈયાર કરવામાં આવી છે.

રાજ્યભરમાંથી ઓનલાઇન પ્લેટફોર્મ પર જોડાયેલા વરિષ્ઠ પત્રકારોએ નિયમોને આવકાર્યા હતાં.ચર્ચાનો સૂર હતો કે ડિજિટલ પબ્લિશર્સ દ્વારા તત્કાલ સરકારને મૂળભૂત માહિતી પૂરી પાડી ફરિયાદ નિવારણ પ્રણાલી પ્રસ્થાપિત કરી દેવી જાહેરહિતમાં છે.

આભારદર્શન કરતાં પીઆઇબીના નિદેશક સરિતા દલાલે કહ્યું કે રાજ્યના પત્રકારોનો કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી સાથે સીધો સંવાદ અપેક્ષિત પરિણામ લાવશે. ડિજિટલ મીડિયાની સર્જનાત્મકતાને પોષવાની સાથે સાથે અભદ્ર અને અસામાજિક સામગ્રી પર રોક લાગશે. આ માટે જાગૃત જનતાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોવાની વાત નિર્દેશક કરી હતી. વેબિનારમાં નવગુજરાત સમયના મુખ્યતંત્રી અજય ઉમટ, અમદાવાદ મિરરના તંત્રી દિપલબેન ત્રિવેદી ઉપરાંત પત્રકારત્વ સંસ્થાઓના વડાઓ પુનિતાબેન હરણે, ડો.શિરીશ કાશીકર, ડો.હરિ દેસાઇ, ડો.સોનલબેન પંડ્યા, ડો.વિનોદ પાંડે ઉપસ્થિત રહ્યાં હતાં. ઇલેક્ટ્રોનિક મીડિયાના વરિષ્ઠ સંવાદદાતાઓએ ગોષ્ઠીમાં માહિતીપ્રદ ઉત્તરો મળતાં જિજ્ઞાસાવૃત્તિ પોષાઈ હોવાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.