આગામી ૨ વર્ષમાં ડિજિટલ એડઅવર્ટાઝમેન્ટ ૩૨ ટકાના દરે વિકાસ કરી રૂ.૧૯૦૦૦ કરોડે પહોંચશે
ભારત ડિજીટલ ક્રાંતિ તરફ તિવ્ર ગતિએ આગળ વધી રહી છે. ૪-જી અને હવે ૫-જીની ચર્ચા વચ્ચે ડિજીટલ મીડિયાનો વિકાસ પણ સતત ચાલી રહ્યો છે. આગામી ત્રણ વર્ષમાં ડિજીટલ એડવર્ટાઈઝમેન્ટ ૩૨ ટકાના દરે વિકાસ કરે તેવી આશા રાખવામાં આવી રહી છે.
હાલ ડિજીટલ એડવર્ટાઈઝમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૨૦૨ કરોડની છે. જે વર્ષ ૨૦૨૦ સુધીમાં ૧૮૯૮૬ કરોડ સુધી પહોંચી જાય તેવું ભારતીય ડિજીટલ એડવર્ટાઈઝમેન્ટના નિષ્ણાંત ડેનસુ નેટવર્કના રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટના આંકડાનુસાર હાલ ડિજીટલ મીડિયામાં ૧૫ ટકા સુધીનો ખર્ચ થઈ રહ્યો છે જે ૩ વર્ષમાં વધીને ૨૪ ટકા સુધી પહોંચી જશે. જે સ્થળોએ અન્ય પારંપરીક માધ્યમોની પહોંચ નથી તે સ્થળોએ ડિજીટલ માધ્યમ વધુ ઝડપથી પહોંચશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ડિજીટલ મીડિયાના વિકાસની સાથો સાથ માર્કેટીંગની તકો પણ બહોળી જણાય રહી છે. હવે કોઈપણ બ્રાન્ડના પ્રચાર-પ્રસાર માટે સોશ્યલ અથવા ડિજીટલ મીડિયામાં સતત સતર્ક રહેવું આવશ્યક બની ગયું છે. ડિજીટલ માધ્યમો થકી બ્રાન્ડ નિર્માણ કરવામાં સરળતા રહેતી હોય છે. કંપનીઓ પોતાના માર્કેટીંગ બજેટમાં મોટો હિસ્સો ડિજીટલ માર્કેટીંગ પાછળ ફાળવી રહી છે. કંપનીઓ હવે ડિજીટલ મીડિયાનો મુળ અર્થ સમજવા લાગી છે. ડિજીટલ મીડિયા થકી ટાર્ગેટ ઓડિયન્સને સરળતાથી પહોંચી શકાય છે. માટે હવે સમયગાળો ડિજીટલ માધ્યમ થકી માર્કેટીંગનો રહેશે તે સત્ય છે. તાજેતરમાં ટ્રાય દ્વારા જાહેર થયેલા આંકડાનુસાર વર્ષ ૨૦૨૦ સુધીમાં ઈન્ટરનેટ વાપરનારાઓની સંખ્યા ૮ કરોડથી ૨ થી ૩ ગણી થઈ જશે. ડિજીટલ એડવર્ટાઈઝમેન્ટના વિકાસના અંદાજ મુજબ ચાલુ વર્ષે રૂ.૧૦૮૫૧ કરોડ અને આગામી વર્ષે રૂ.૧૪૩૫૪ કરોડની રકમ ડિજીટલ એડવર્ટાઈઝમેન્ટ પાછળ વિવિધ સંસ્થાઓ-કંપનીઓ ખર્ચશે.