ગાંધીનગરથી ડિજિટલ ઈન્ડિયા વિક. 2022નો શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે હિન્દુસ્તાન દુનિયાને દિશા દેખાડી રહ્યું છે જેમાં ગુજરાત પથદર્શકની ભૂમીકામાં છે. ડિજિટલ ઈન્ડીયાએ સરકારને લોકોની હથેળીમાં મૂકી દીધી છે.તેમ સોમવારે ગાંધીનગર સ્થિત મહાત્મા ગાંધી મંદિર ખાતે ડિજિટલ ઈન્ડીયા વીત 2022નો શુભારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતુ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા 13 વર્ષના કાર્યકાળ દરમિયાન ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર(જી.એસ.ડી.સી.)શરૂ કરનાર પ્રથમ રાજ્ય હતું. જી-સ્વાન, ઈ ગ્રામ-વિશ્વ ગ્રામ, જનસેવા કેન્દ્રો જેવી પહેલ ગુજરાતે કરી હતી. વર્ષ 2014 પછી રાષ્ટ્રીય કક્ષાએ મારો આ જ અનુભવ ’ડિજિટલ ઇન્ડિયા’નો આધાર બન્યો છે. ’ધન્યવાદ ગુજરાત..!’ એમ કહીને તેમણે આ માટે ગુજરાતનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયાએ સરકારને નાગરિકોના ગામમાં, ઘરમાં અને ઘરના દરવાજે જ નહીં; લોકોની હથેળીઓમાં મૂકી દીધી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, ફિન-ટેક, ડેટા સિક્યોરિટી અને નાણાકીય વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ગિફ્ટ સિટી ભારતની આન-બાન-શાન બનશે.તેમણે કહ્યું હતું કે, ’મેક ઇન ઇન્ડિયા’ની શક્તિ અને ડિજિટલ ઇન્ડિયાની તાકાતથી ભારત ઔદ્યોગિક ક્રાંતિ 4.0 ને નવી ઊંચાઈએ લઈ જશે. નવા સંકલ્પો, નવી આશા-આકાંક્ષાઓથી ડિજિટલ ભારત આધુનિક, સમૃદ્ધ અને સશક્ત ભારત બનશે. ભારતના યુવાનોમાં સામર્થ્ય છે, તેમને માત્ર અવસર જોઈએ છે. આજે ભારતમાં એવી સરકાર છે જેના પર દેશની જનતાને, નવયુવાનોને ભરોસો છે.
આ સરકાર યુવાનોને અવસર આપી રહી છે અને એટલે જ આપણો દેશ અભૂતપૂર્વ તાકાત સાથે અનેક દિશાઓમાં આગળ વધી રહ્યો છે.એક સમય હતો જ્યારે જન્મ પ્રમાણપત્ર લેવા માટેની લાઇન, જો તમે બિલ ભરવા માંગો છો તો પણ લાઇન, રાશનની લાઇન, પ્રવેશ માટે લાઇન, પરિણામ અને પ્રમાણપત્ર માટે લાઇન, બેંકોમાં લાઈનો, જ્યાં જુઓ ત્યાં કોઈ પણ કામ માટે લાઇનમાં ઊભા રહેવું પડતું, પણ આજે ભારતે ટેકનોલોજીના ઉપયોગ થકી ડિજિટલ બની લાઇનથી ઓનલાઈન થઈને સમસ્યાઓ ઉકેલી છે.
જન્મના પ્રમાણપત્રથી માંડીને સિનિયર સિટિઝનોના પેન્શન માટે હયાતીના પ્રમાણપત્ર સહિતની તમામ સેવાઓ ઓનલાઇન થતાં આજે સમય અને શક્તિનો બચાવ થયો છે.આજે ટેક્નોલોજીના જનધન-આધાર-મોબાઇલ (ઉંઅખ) થકી જે કામ માટે અનેક દિવસો લાગતાં એ કામ મિનિટોમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે થતાં કરોડો પરિવારોના સમય અને નાણાંનો બચાવ થઈ રહ્યો છે. આઠ વર્ષ પહેલાં ઇન્ટરનેટની સુવિધાઓ સીમિત હતી, આપણા ડિજિટલ ઇન્ડિયાના મંત્ર થકી નજીવી કિંમતે ઇન્ટરનેટ ઉપલબ્ધ છે.
વડાપ્રધાનએ જણાવ્યું કે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેક્નોલોજી થકી તમામ કામગીરી અત્યંત ઝડપી અને સરળ બની રહી છે. જેનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે, અમારી સરકારે પીએમ સ્વામિત્વ યોજના કાર્યરત કરી છે. જેના થકી શહેરની જેમ જ ગામડાંઓમાં પણ જમીન અને મકાનોના મેપિંગના ડિજિટલ રેકોર્ડની કામગીરી ડ્રોન દ્વારા કરીને ગ્રામ્યસ્તરે આ સુવિધાઓ ઝડપથી પૂરી પાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની દિશામાં ગુજરાત મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. ભારતના અમૃતકાળ દરમિયાન વિકાસનો મુખ્ય આધાર ડિજિટલ ટેકનોલોજી બનવાની છે ત્યારે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત દેશની ડિજીટલ ક્રાંતિમાં પણ અગ્રેસર રાજ્યની ભૂમિકા અદા કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.ડિજીટલ ઇન્ડીયા વીક-2022નો ગુજરાતની ધરતી પરથી શુભારંભ તેમજ ગુજરાતે સતત ત્રીજા વર્ષે સ્ટાર્ટ અપ ઇન્ડિયા રેન્કિંગમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તે બન્ને ઘટનાને ગૌરવપૂર્ણ ગણાવી મુખ્યમંત્રીએ આ બાબતોનો શ્રેય વડાપ્રધાનને આપ્યો હતો.
મુખ્યમંત્રીએ આ તકે કહ્યું કે, 2014 પહેલા દેશમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધાઓ હતી જ, પરંતુ ડિજિટલ ઇન્ડિયાના નિર્માણનો વિચાર માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવ્યો, દેશનું શાસન દાયિત્વ સંભાળ્યાના એક જ વર્ષમાં તેમણે ડિજિટલ ઇન્ડિયા મિશન શરૂ કર્યું.
મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે અનેક ડિજિટલ પહેલ અને ઈ-ગવર્નન્સ પદ્ધતિઓ સફળતાપૂર્વક અમલી બનાવી છે. ડિજિટલ ટેકનોલોજીએ પ્લાનિંગ, ઈમ્પલિમેન્ટેશન અને ફીડબેકની એક આખી સાઇકલ ઘડી આપી છે, જેને પરિણામે સરકારને સમય અનુરૂપ બદલાવ લાવવાની દિશા મળી છે. કેન્દ્રીય રેલવે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા તેમજ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 7 વર્ષ પહેલાં દેશમાં ડિજિટલ ઇન્ડિયાની યાત્રાનો આરંભ થયો હતો, જેની સફળતાના 3 મુખ્ય સ્તંભ છે.
સ્ટાર્ટઅપ ઈન્ડિયાને તેનો પ્રથમ સ્તંભ ગણાવતા મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ દેશના યુવાનોની ઊર્જાને દેશની જટીલ સમસ્યાઓના નિરાકરણની દિશામાં ચેનેલાઈઝ કરી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા. અગાઉ જ્યારે દેશમાં માત્ર ગણતરીના જ સ્ટાર્ટઅપ હતા તેની સરખામણીએ આજે દેશમાં 73 હજારથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. દેશના વિકાસમાં આ સ્ટાર્ટઅપ્સે લગભગ 7 લાખ જેટલી રોજગારીનું સર્જન કરીને મહત્વનો ફાળો આપ્યો છે. દેશમાં એક સમયે માત્ર 3 કે 4 જેટલા જ યુનિકોર્ન હતા તેની સામે ભારતમાં આજે યુનિકોર્નસનો આંકડો 100ને પાર કરી ગયો છે જે સમગ્ર યુરોપ કરતા પણ વધારે છે. જેથી ભારતની ગણના આજે વિશ્વની 3 સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં થાય છે.
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા તેમજ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, સાત વર્ષ પહેલાં શરૂ થયેલા ડિજિટલ ભારત અભિયાન થકી દેશભરમાં ’ઈઝ ઓફ લિવિંગ’ અને ’ડિજિટલ ગવર્નન્સ’ સાકાર થયું છે. ભારત આજે ટેકનોલોજી ક્ધઝ્યુમરમાંથી ટેકનોલોજી પ્રોડ્યુસર બન્યો છે. યુપીઆઈ, આધાર, વેબ 3.0 જેવા ટેકનોલોજી પ્લેટફોર્મના માધ્યમથી ભારતને આજે વિશ્વભરથી વિશેષ સન્માન પ્રાપ્ત થઇ રહ્યુ છે. સંશોધન ક્ષેત્રમાં ભારત આજે ત્રીજો સૌથી મોટો દેશ બન્યો છે. રાજીવ ચંદ્રશેખરે ઉમેર્યુ કે, ડિજિટલ માધ્યમની ભૂમિકાના કારણે કોરોનાના કપરાં કાળમાં પણ ભારત સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ રોકાણ મેળવવામાં સફળ રહ્યું છે. પ્રધાનમંત્રીીએ આગામી સમયને હવે ટેકનોલોજીનો દસકો ગણાવ્યો છે ત્યારે આજે દેશના દરેક ખૂણે ડિજિટલ સ્કિલ પ્રાપ્ત થઈ રહી છે જેમાં ડિજિટલ ભારતનું મોટું યોગદાન રહ્યું છે.