રૂપિયો દોડતો થયો…
ભારતના યુપીઆઈ અને સિંગાપોરના પે નાઉ વચ્ચે થયું જોડાણ : અનેક કડાકૂટમાંથી છુટકારા સાથે ઓનલાઇન ટ્રાન્ઝેકશન સેકન્ડોમાં થઇ જશે
રૂપિયો હવે દોડતો થઈ રહ્યો છે. હવે વૈશ્વિક કક્ષાએ બીજા દેશો સાથે dરૂપિયામાં વ્યવહાર અમલમાં આવ્યા બાદ હવે ભારતના યુપીઆઈ અને સિંગાપોરના પે નાઉ વચ્ચે જોડાણ થયું છે. જેનાથી બન્ને દેશો વચ્ચે ઓનલાઇન નાણાં ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ બની જશે.
આજે ભારતનું યુપીઆઈ સિંગાપોરના પે નાઉ સાથે જોડાશે. આ ખાસ પ્રસંગે બંને દેશોના વડાપ્રધાન સાક્ષી બન્યા છે. પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે વીડિયો કેન્ફરન્સ દ્વારા કાર્યક્રમમાં જોડાયા હતા. આ સુવિધાનું ઉદ્ઘાટન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનન દ્વારા કરાયું હતું.
ભારતનું યુપીઆઈ તેની ઝડપી ચુકવણી ઝડપ અને ઉપયોગમાં સરળતાને કારણે વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી રહ્યું છે. સિંગાપોરના પે નાઉ અને ભારતના યુપીઆઈ વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી આજે શરૂ થશે. આ સાથે બંને દેશો વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી હેઠળ ખૂબ જ સરળતા અને ઝડપ સાથે નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. સિંગાપોરમાં રહેતા ભારતીયો હવે યુપીઆઈ દ્વારા ભારતમાં નાણાં ટ્રાન્સફર કરી શકશે.
આ ઉપરાંત સિંગાપોરમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીના માતા-પિતા ખૂબ જ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરીને યુપીઆઈ દ્વારા પૈસા મોકલી શકશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ ભારતના યુપીઆઈ અને સિંગાપોરના પે નાઉ વચ્ચે ક્રોસ-બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરવાના સાક્ષી બન્યા છે.