૨૧મી સદીના વિશ્વમાં જ્યારે વ્યક્તિ, સમાજ, રાજ્ય કે રાષ્ટ્ર કોઈને ટેકનોલોજીના આવિષ્કાર અને તેના વિકાસ સાથે તાલ મિલાવ્યા વગર છુટકો નથી. જે ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ડિજીટલ સેવાઓ સાથે ઝડપથી સુમેળભર્યા માહોલમાં ઘડાય જશે તેની વિકાસ રફતાર કોઈ અટકાવી નહીં શકે. ત્યારે પાકિસ્તાને સોશિયલ મીડિયા અને ડિજીટલ કંપનીઓ સાથે છેડો ફાડવાના અખત્યાર કરેલા વલણને લઈ પાકિસ્તાન અત્યારે ડિજીટલ અંધકારના યુગમાં ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. પાકિસ્તાન સરકારના અલ્લડ વલણના કારણે એપલ, એમેઝોન, ફેસબુક અને આઈટી કંપનીઓ પાકિસ્તાન છોડવા માટે વિચારી રહી છે. ઈન્ટરનેટ જાયન્ટ ફેસબુક, ગુગલ, એપલ અને તમામ કંપનીઓ સરકારના નવા સેન્સરશીપ નિયમોને લઈને પાકિસ્તાનમાંથી ઉચાળા ભરવાના વેતરા આરંભી દીધા છે. તમામ કંપનીઓએ એશિયા ઈન્ટરનેટ પોલીએશન નામનું જુથ ઉભુ કરી ઈન્ટરનેટ કંપનીઓના હિતની સુરક્ષા માટેની તૈયારી કરી છે. પાકિસ્તાનના નવા કાયદાની પ્રતિક્રિયાના ભાગરૂપે તમામ કંપનીઓ ચિંતીત બની છે અને હિત માટે એક થઈ રહી છે. પાકિસ્તાને ડિજીટલ ઈકોનોમીને શેસ દુનિયાથી અલગ કરવાની પેરવી કરીને આઈટી કંપનીઓની પાંખો કાંપવાનું શરૂ કર્યું છે. જેનાથી સોશિયલ મીડિયાની કંપનીઓને પોતાના કાર્ય માટે ભારે પ્રતિકુળ પરિસ્થિતિ ઉભી કરી છે.
પાકિસ્તાન સરકારે ગુપ્તતા અને અભિવ્યક્તિની સ્વતંત્ર્તા પર માનવ અધિકારના ધોરણો સ્થાપિત કર્યા છે અને કંપનીઓ પર સેન્સરશીપ લાગુ કરી છે. જે કંપનીઓ તેનો અનાદર કરે તો કરોડો રૂપિયાનો દંડ ભરવા બંધાઈ ગઈ છે. સમાચાર કાયદા હેઠળ ટેકનોલોજી કંપનીઓને પાકિસ્તાનના અધિકારીઓની સુચનાના ૨૪ કલાકમાં જ પોતાના નેટવર્કમાંથી ગેરકાયદેસર સામગ્રીને દૂર કરવાની ગાઈડ લાઈન બનાવી છે. જો કંપનીઓ આવું કરવામાં નિષ્ફળ પુરવાર થશે તો તેને આકરો દંડ ચુકવવો પડશે. કંપનીઓને ૯ મહિનાની અંદર જ રજિસ્ટ્રેશન અને ૧૮ મહિનામાં ડેટા બેઈઝ સર્વર ઉભા કરવા પડશે. નવા નિયમોથી સોશિયલ મીડિયાની કંપનીઓ પાકિસ્તાનમાં કામ નહીં કરી શકે અને પાકિસ્તાનને ડિજીટલ ટેકનોલોજીથી દૂર થઈ જવું પડશે અને પાકિસ્તાનમાં ડિજીટલી અંધકાર છવાઈ જશે. પાકિસ્તાન સરકારે આઈટી ક્ષેત્રને એક ઔદ્યોગીક દરજ્જો આપીને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેની સામે પાકિસ્તાને આ કંપનીઓની પાંખો કાંપી પોતાના પગ ઉપર જ કુહાડા માર્યા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. પાકિસ્તાન અત્યારે ડિજીટલ અંધકારના યુગમાં પ્રવેશી ચૂકી છે. જો આ કંપનીઓ પાકિસ્તાનમાંથી ઉચાળા ભરી લેશે તો પાકિસ્તાનમાં ડિજીટલ અંધકાર છવાઈ જશે. પાકિસ્તાનમાંથી પારોઠના પગલા ભરનારી ડિજીટલ કંપનીઓનું આ વલણ પાકિસ્તાનને ફરીથી ૧૩મી સદીમાં ધકેલી જશે. બીજી તરફ પાકિસ્તાનના નિકટવર્તી રાષ્ટ્ર ભારત પર પાકની દરેક રાજદ્વારીક, સામાજીક અને આર્થિક પરિસ્થિતિનો પ્રત્યેક્ષ કે પરોક્ષ અસર કરે જ છે ત્યારે પાકિસ્તાનમાં ડિજીટલ અંધકારની આ પરિસ્થિતિમાં ભારત માટે વધુ સચેત થવાનો અવસર ઉભો થશે. પાકિસ્તાનની ટેકનોલોજી સામેની બાથ તેના માટે પોતાના જ પગ ઉપર કુહાડો મારવા જેવી થશે અને તેનો સીધો લાભ ભારતના ફાળે આવે તે નિશ્ર્ચિત છે.