સાબરકાંઠા, હિતેશ રાવલ:
તરફ વાયરસ, બીજી તરફ ફૂગ… કોરોના હજુ સમ્યો નથી ત્યાં મ્યુકરમાયકોસિસનો કહેર વધતાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તો સરકાર અને લોકોમાં ચિંતા પણ પ્રસરી છે. રાજ્યમાં વધતાં જતાં કેસના કારણે મ્યુકરમાયકોસિસને પણ મહામારી જાહેર કરવામાં આવી છે. આ ફૂગજન્ય રોગ વધતાં તેની સારવાર માટે વપરાતા ઈંજેકશનોની હાડમારી શરૂ થઈ ગઈ છે.
કોરોના સામેની સારવારમાં વપરાતા રેમડેસીવીર ઈંજેકશનોની રામાયણ હજુ માંડ પૂર્ણ થઈ છે ત્યાં આ મ્યુકરમાયકોસિસના ઈંજેકશનોની પડાપડી શરૂ થઈ ગઈ છે. દરેક હોસ્પિટલ સુધી પૂરતી માત્રામાં આ ઈંજેકશનો પહોંચે અને દરેક દર્દીની સારવાર ઝડપી થાય તે માટે વ્યવસ્થાપન પર સરકારે ભાર મૂક્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ હાડમારી ઊભી ન થાય તે માટે ઈન્જેકશનની ફાળવણી માટે સમિતિ રચાઈ છે.
હાલ સમગ્ર રાજયમાં મ્યુકરમાયકોસિસના રોગના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહેલ છે. જે કોરોનાની સારવાર દરમ્યાન અને બાદમાં જોવા મળતુ એક ફંગ્લસ ઈન્ફેકશન છે. આ ઉપરાંત સ્વસ્થ લોકોમાં પણ આ પ્રકારના લક્ષણો ધ્યાને આવી રહ્યા છે. કોરોનાના દર્દીઓ કે જેમને ડાયાબીટીસ, એચઆઇવી ઇન્ફેકશન હોય કે જેઓને લાંબા સમયથી સ્ટીરોઇડ આપવામાં આવ્યા હોય તેમને ચેપ લાગવાની સંભાવનાઓ વધુ છે. આવા દર્દીઓને સારવાર માટે ઇન્જેકશન આપવામાં આવતા હોય છે. જેની ઉપલબ્ધતા બજારમાં ઓછી છે.
જેને લઈ દર્દીઓને સારવારમાં તકલીફનો સામનો ન કરવો પડે તે માટે તેમજ સાબરકાંઠા જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાયકોસિસની સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે ઇન્જેકશન મળી રહે તે માટે જિલ્લાકક્ષાએ એક સમિતિનું ગઠન કર્યુ છે.
ડૉ. અજય મુલાણીની અધ્યક્ષતમાં રચાયેલી કમિટીમાં બે ફિઝીશ્યન એક્સપર્ટ,એક ઇએનટી એક્સપર્ટ તથા જિલ્લાના એપેડેમિક અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઈંજેકશનોની જરૂર હોય તેવી ખાનગી હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન માંગણી વખતે દર્દીના કેસની વિગત, મ્યુકરમાયકોસિસના નિદાનની નકલ, તબીબનો ભલામણ પત્ર તથા આધારકાર્ડની નકલ [email protected] પર મોકલી આપવાનું રહેશે.