ફ્રુટના ધંધાર્થીને ઠપકો દેવા ગયેલા પિતા-પુત્રને ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધા: ટોળા એકઠા થતાં બંદોબસ્ત ગોઠવાયો: ચારેય શખ્સોને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ રાતભર કરી દોડધામ: ખૂનના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા કબ્જે
શહેરના સાધુવાસવાણી રોડ પર ફ્રુટના ધંધાર્થીને ઠપકો દેવા જેવી સામાન્ય બાબતે ભરવાડ પિતા-પુત્રને છરીના ઘા ઝીંકી કરાયેલી હત્યાના કારણે ભરવાડ સમાજના ટોળે ટોળા એકઠાં થઇ ગયા હતા. હત્યા કરી ફરાર ચારેય શખ્સો ન પકડાય ત્યાં સુધી બંને લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યા બાદ હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોને તાકીદે ઝડપી લેવાની પોલીસે ખાતરી આપતા બંને મૃતદેહ સંભાળી અંતિમ વિધિ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતના પોલીસ સ્ટાફે રાતભર ચારેય શખ્સોને ઝડપી લેવા દોડધામ કરી હતી પણ હજી સુધી ભાળ મળી ન હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર આવેલા કૈલાશ પાર્ક શેરી નંબર ૧૦માં રહેતા હકા ગગજી સોહલા અને તેના પિતા ગગજી જોધા સોહલાને મુરલીધર ચોક પાસે સુલતાન જાવેદ, રાજા જાવેદ સહિત ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની યુનિર્વસિટી પોલીસમાં વિપુલ ગગજી સોહલાએ ફરિયાદ નોંધાવી છે.
રૈયા રોડ પર રહેતા અને સાધુવાસવાણી રોડ પર ફ્રુટની રેકડી રાખીને ધંધો કરતા સુલતાન જાવેદે થોડા સમય પહેલાં ગગજી સોહલાની ઓરડી ફ્રુટ રાખવા ભાડે રાખી હોવાથી ગગજી સોહલાના પુત્ર કાનો સોહલા અને સુલતાન વચ્ચે મજાક મશ્કરીનો સંબંધ હતો.
કાનો સોહલા અવાર નવાર સુલતાન જાવેદની રેકડીએ ફ્રુટ લેવા જતો તે રીતે ગઇકાલે પણ ફ્રુટ લીધુ ત્યારે બંને વચ્ચે ઝઘડો થતા સુલતાન જાવેદે લાફો મારતા કાનાએ પોતાના ઘરે જઇને પિતા ગગજીભાઇ સોહલાને જાણ કરતા તેઓ રિક્ષા ચાલક પુત્ર હકા સાથે સુલતાન જાવેદને ઠપકો દેવા ગયા હતા.
સુલતાન જાવેદ મુરલીધર ચોકથી જતો રહ્યો હતો અને થોડીવારમાં પોતાના ભાઇ રાજા જાવેદ અને અન્ય બે શખ્સો સાથે રિક્ષામાં આવ્યા હતા. હકા અને તેના પિતા ગગજીભાઇ સોહલા પર છરીથી ચારેય તૂટી પડતા નાસભાગ મચી ગઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રના ઘટના સ્થળે જ મોત નીપજતા સુલતાન સહિતના ચારેય શખ્સો ભાગી ગયા હતા.
હકા અને તેના પિતા ગગજીભાઇ સોહલાની હત્યા થયાની યુનિર્વસિટી પોલીસને જાણ થતા પી.આઇ. જી.બી.બાંભણીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. ઘટના સ્થળે ટોળે ટોળા એકઠાં થતા ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. એચ.એમ.ગઢવી, એસ.ઓ.જી.પી.આઇ. ગડુ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
હકા ભરવાડ અને ગગજીભાઇ ભરવાડની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટપલ ખસેડવામાં આવ્યા બાદ સુલતાન સહિતના શખ્સોની ધરપકડ ન થયા ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યા બાદ હત્યાના ગુનામાં સંડોવાયેલા ચારેય શખ્સોને ઝડપી લેવા પોલીસ ઝડપથી કાર્યવાહી કરશે તેવી ખાતરી આપતા સવાર બંને મૃતદેહ પરિવારજનોએ સંભાળી ભરવાડ સમાજના મોટી સંખ્યામાં એકઠા થયા બાદ અંતિમ વિધિમાં જોડાયા હતા. રાતભર પોલીસે ચારેય શખ્સોને ઝડપી લેવા દોડધામ કરી હતી પણ હજી સુધી ભાળ મળી ન હતી. હત્યાના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા પોલીસને મળી આવતા કબ્જે કરી ચારેય શખ્સોની શોધખોળ હાથધરી છે.