મીઠી મૂંઝવણ સમસ્યા બની ગઈ
સ્ટાર ખેલાડી કરતા સ્ટાર પરફોર્મન્સની તાતી જરૂરત
આવતીકાલના મેચમાં ભારતીય ટીમમાં સ્ટાર ખેલાડી કરતા સ્ટાર પરફોર્મન્સની જરૂરીયાત વધુ રહેશે કેમ કે, ભારતે પહેલી મેચમાં હારનો સામનો કર્યા બાદ હવે ખેલાડીઓએ શ્રેષ્ઠ પરફોર્મન્સ કરવું જરૂરી બન્યું છે. ત્યારે આવતીકાલના મેચમાં ભારતનું પરફોર્મન્સ શરૂ થાય તે ખુબજ જરૂરી રહેશે.
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાઈ રહેલી પાંચ મેચની ટી-20 સિરીઝમાં ભારતીય ટીમમાં કોને એન્ટ્રી આપવી અને કોને બાઉન્ડ્રીની બહાર બેસાડવાની જે મીઠી મૂંઝવણ ઉદ્ભવી હતી તેણે હવે સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભારતીય ટીમમાં દિગ્ગજોને સ્થાન આપવાની હરોળમાં નવી પ્રતિભાઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા. ફિક્સ ફરમાંમાં ટીમ સિલેક્શન કરતાં કેપ્ટન કોહલી ફરી એકવાર વામણાં સાબિત થયા છે. જે રીતે ટીમ સિલેક્ટ કરવામાં આવી હતી તેમાં કે.એલ. રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ ઐયરને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં બીજી બાજુ નવી પ્રતિભામાં વોશિંગ્ટનને તક અપાઇ હતી પરંતુ વોશિંગ્ટનને તે સમય સુધી બોલિંગ પણ આપવામાં ન આવી જયાં સુધી ટીમ ઇંગ્લેન્ડે મજબૂત સ્કોર ઉભો કરી લીધો. વોશિંગ્ટનને ફક્ત અઢી ઓવર જ બોલિંગ માટે આપવામાં આવી પરંતુ સુંદરે તે અઢી ઓવરમાં પણ કમાલ કરી હતી. પ્રથમ ઓવરમાં જ તેણે વિકેટ પણ ચટકાવી હતી. બીજી બાજુ ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ તેમની ભૂલના કારણે શરમજનક પ્રદર્શન કરીને પેવેલિયન ભેગા થયા હતા પરિણામે, ટીમ ઈન્ડિયાને પ્રથમ ટી-20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતના ઓપનિંગ બેટ્સમેન કે.એલ.રાહુલ તેની જ ભૂલના કારણે નજીવા સ્કોરે પેવેલિયન ભેગો થયો હતો. જે રીતે મિડલ સ્ટમ્પનો બોલ આવ્યો અને રાહુલ દસમી સ્ટમ્પ પર જઈને રમવા ગયો તેમાં રાહુલની વિકેટ પડી હતી. તેવી જ રીતે કેપ્ટન કોહલીને પ્રથમ બોલ વચ્ચે ટોપો પડીને આવ્યો અને કેપ્ટન કોહલી મિડ ઓન પર કેચ ચડાવી બેઠા અને ઇંગ્લેન્ડના બોલરના શિકાર બન્યા હતા. નોંધનીય છે કે, કેપ્ટન કોહલી છઠ્ઠી સ્ટમ્પ પર ઊભા રહીને રમવા ગયા હતા. ભારતીય ટીમના ઓપનર શિખર ધવને પણ બાળક જેવી ભૂલ કરી હતી. મિડલના બોલને રમવા જતાં બેટમાં કટ લાગી હતી અને શિખર ધવન પણ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ભારતીય ટીમના સિલેક્શન પણ અનામત રાખવામાં આવતું હોય તેવું લાગી રહ્યું હતું. જે રીતે યુવા પ્રતિભાઓને સાઈડલાઈન કરીને પીઢ ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરાયો તે જોતા તો એવું જ લાગી રહ્યું છે કે, અમુક ખેલાડીઓને ટીમ સિલેક્શનમાં પણ અનામત મળતું હશે.પ્રથમ ટી-20માં કારમી હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ નિવેદન આપતા કહ્યું હતું કે, પીચ ઉપર શું કરવું તે સમજાયું જ નહીં!! ત્યારે સવાલ ઉદભવીત થઈ રહ્યો છે કે, જ્યારે ટીમના કેપ્ટનને જ પિચ ઉપર શું કરવું તે અંગેનો ખ્યાલ ન હોય તો તેવા સમયમાં ટીમ મેચ કઈ રીતે જીતી શકે? બીજી બાબત એ પણ છે કે, પિચ પર તો કશું કરવાનું જ ન હતું. અગાઉથી ટીમ ઇન્ડિયા અમદાવાદની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમી ચૂકી છે. ત્યારે પિચ પર શું કરવું તે સમજાયું નહીં તે બહાનું કેટલું યોગ્ય છે ? તે સમજવું પણ મહત્વપૂર્ણ છે. ટીમના કેપ્ટન તરીકે આ પ્રકારનું નિવેદન વિરાટને શોભે છે કે કેમ ? તેવો પણ સવાલ ઉદભવી રહ્યો છે.ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને મેચ જીતવા 125 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 124 રન કર્યા હતા. 48 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી શ્રેયસ ઐયરે બાજી સંભાળતા પોતાના કરિયરની ત્રીજી ફિફટી મારી. તેણે 48 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 67 રન કર્યા હતા. તે સિવાય ઋષભ પંતે 21 અને હાર્દિક પંડ્યાએ 19 રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યું નહીં.
ટોસ ગુમાવ્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમની શરૂઆત બહુ ધીમી રહી. પ્રથમ બે ઓવરમાં માત્ર બે રન બનાવ્યા. શિખર ધવન બોલ ટાઇમ કરી શકતો નહોતો. દબાણમાં લોકેશ રાહુલ અને પછી વિરાટ કોહલી પણ આઉટ થઈ ગયા. ધવને 12 બોલમાં માત્ર 4 રન કર્યા હતા. ભારતીય ટીમ પાવરપ્લેમાં 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવી માત્ર 22 રન બનાવી શકી હતી.
આવતીકાલે મેચમાં ધરખમ ફેરફાર જરૂરી
જે રીતે ભારતની પ્લેઇંગ-ઇલેવને શરમજનક પ્રદર્શન કર્યું અને પરિણામે કારમી હારનો સામનો કરવો પડ્યો તે બાબત પરથી હવે ટીમ ઇન્ડિયાના સિલેક્શનમાં લેશન લેવું પડશે. જે રીતે ટીમ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ હોમવર્ક કરીને પિચ પર ઉતરી અને ટીમ ઇન્ડિયાના અનુભવી ખેલાડીઓને ગોઠણીયે બેસાડી ગયા તેમાંથી પણ ટીમ ઇન્ડિયાએ લેશન લેવાની જરૂરિયાત છે. જો ટીમ ઇન્ડિયાએ આવતીકાલે રમાનારો મેચ જીતવો હશે તો ચોક્કસ ટીમમાં અનામતની નીતિને ત્યજી સિલેક્શન કરવું પડશે