અબતક, જામનગર
આજના સાંપ્રત સમયમાં બાળકો જયારે મોબાઇલ અને ટીવીની દુનિયામાં વ્યસ્ત છે અને એનું અનુકરણ કરીને તે પ્રમાણે વર્તન અને વ્યવહાર કરે છે ત્યારે તેનાથી વિપરીત જામનગરનો 8 વર્ષનો બાળક ઋષિ રેનિશભાઈ પરસાણીયા જે પંડિતોને પણ અચંબિત કરે તેમ શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક શુદ્ધ ઉચ્ચાર સાથે બોલે છે.
રમવાની ઉંમરે ઋષિ પરસાણિયાએ ભગવદ્ગીતાાના 700 શ્લોક કંઠસ્થ કર્યા
શહેરના ગ્રીનસીટી માં રહેતા રેનિશભાઈ પરસાણીયા અને રીનાબેન પરસાણીયા નાં પુત્ર ઋષિ એ લોકડાઉનનાં ટૂંકા સમયગાળા દરમ્યાન શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક કંઠસ્થ કરી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. ઋષિનાં દાદા વિઠલભાઈ પરસાણીયા પણ ઋષિને આ કૃતિ બાબતે સતત પ્રોત્સાહિત કરતાં. ઋષિના માતાપિતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયેલા છે, સ્વાધ્યાય કાર્યના અનેક પ્રયોગોમાનો એક પ્રયોગ એટલે બાળ સંસ્કાર કેન્દ્ર. આ કેન્દ્રમાં નિયમિત જનાર આ બાળકે પાંડુરંગ શાસ્ત્રીજી (દાદાજી)ના 100માં વર્ષે શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક કંઠસ્થ કરીને દાદાજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
ઋષિ તેના માતા રીનાબેનના માર્ગદર્શનથી રોજના 8 થી 10 શ્લોક દિવસમાં 10-10 વખત વાગોળીને ટૂંકા સમયગાળામાં સંપૂર્ણ ગીતાજી કંઠસ્થ કરી શક્યો છે, આ સાથે તેને બીજા સંસ્કૃતના શ્લોકો અને સ્તોત્રો પણ કંઠસ્થ કર્યા છે અને તેને લાંબા સમય સુધી યાદ રાખવા રટણ કરવું જરૂરી બની જાય છે તેથી ઋષિ તેને યાદ રાખવા દરરોજ સાતત્ય પૂર્વક પારાયણ કરવાનો અવિરત પ્રવાહ ચાલુ રાખ્યો છે. ઋષિના માતાપિતા જણાવે છે કે, અમારા માર્ગદર્શન હેઠળ ઋષીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એનું અમને ખૂબજ ગૌરવ છે.