ભારત સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન સાથે તમામ આરબ રાષ્ટ્રોમાં પણ તે લોકપ્રિય વ્યંજન છે : જલેબીને રાષ્ટ્રીય મીઠાઇ પણ કહેવાય છે : વિદેશથી આવીને દેશના ખૂણે-ખૂણે ફેમસ થઇ ગઇ
આપણાં દેશ કે ગુજરાત કે રંગીલા કાઠિયાવાડમાં કોઇ વ્યક્તિ ભાગ્યેજ મળે કે તેની જલેબી ન ખાધી હોય. જલેબી ઉપરથી ઘણી બધી કહેવતો પણ આપણાં કાઠિયાવાડમાં બોલાય છે જેમ કે જલેબીના ગુંચડા જેવો છે. આ વ્યંજન બનાવવામાં સાવ સરળ લાગે પણ તેમાં પણ કારીગરી છે.કપડાં કે કાણાવાળા ડબલાની મદદથી ઉકળતા તેલમાં ગોળ-ગોળ રાઉન્ડ કરાય છે, બાદમાં ખાંડની ચાસણીમાં બોળીને લોકો તેનો ટેસ્ટ માણે છે. જલેબી ગરમ કે ઠંડી બંને રીતે ખાય શકાય છે. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાતમાં તેને ગાંઠીયા, ફાફડા સાથે જોડી દઇને ફાફડા-જલેબીનું શ્રેષ્ઠ વ્યંજન બનાવ્યું છે. કેસર જલેબી સાથે શુધ્ધ ઘી માં બનાવેલી જલેબી સાવ નાની હોય છે તેનો ખાનારાઓનો પણ એક ખાસ વર્ગ છે.
જલેબી નાની કે મોટી હોય છે, પણ એમ.પી.ના ઇંદોરમાં 300 ગ્રામની એક જલેબી પણ બને છે, તેને મળતી આવતી એક મીઠાઇ ‘ઇમરતી’ પણ તેના જેવી જ ટેસ્ટી હોય છેવિદેશની મીઠાઇ આપણે અપનાવી હોય તેવી એકમાત્ર જલેબી છે. શુભપ્રંસગે, જાનના સ્વાગત ગાંઠીયા સાથે મીઠાઇ હોય તો માત્ર જલેબી જ જોવા મળે છે. આજે તો લાઇવ ગરમા-ગરમ જલેબીનો જબ્બર ક્રેઝ જોવા મળે છે. આપણાં દેશ સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇરાન સાથે તમામ આરબ રાષ્ટ્રોમાં પણ તે ખૂબ જ જાણીતી મીઠાઇ છે. જલેબી તેના આપણા દેશમાં પણ અલગ-અલગ નામ સાથે નાના-મોટી સાઇઝ પણ જોવા મળે છે. ઇંદોરમાં તો 300 ગ્રામની એક એવી મોટી જલેબી મળે છે.
ઇમરતી કે જલેબી ભારતીય ઉપમહાદ્વીપના દેશોમાં ખૂબ જ પ્રચલિત છે. નેપાળમાં પણ લોકો ખૂબ જ પ્રેમથી આરોગે છે. ડાયાબીટીસને કારણે હવે તેનો ઉપાડ ઓછો થયો પણ હજી મીઠાઇમાં તો જલેબી નંબર વનના સ્થાને જ છે. તેના વિવિધ નામોમાં જીલેબી, જીલાપી, ઝુલ્બીયા, જેરી જેવા નામો છે. વાનગીમાં તે મિષ્ટાન ગણવામાં આવે છે. તેના ઉદ્ભવસ્થાનોમાં મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકાના વિસ્તારો સાથે દક્ષિણ એશિયા ગણવામાં આવે છે. તેની બનાવટમાં મેંદો, કેસર, ઘી અને સાકર આવે છે. જલેબીના વિવિધ સ્વરૂપો જાંગીરી કે ઇમરતી ગણાય છે. તેના ખાવાથી 130 પ્રતિખોરાક કિલો કેલરી મળે છે. ઓડિશાની છેના જલેબીનો સ્વાદ પણ ટેસ્ટી હોય છે. ઇમરતી લાલાશ પડતી હોય છે.
ભારતમાં જલેબી ઉત્સવોની ખાસ મીઠાઇ ગણાય છે, તેજ રીતે પાકિસ્તાનમાં પણ તે લોકપ્રિય મીઠાઇ છે. જલેબીને ત્યાં જલીબી પણ કહેવાય છે. આ વાનગીનો ઇતિહાસ જોઇએ તો 13મી સદીમાં એક રાંધણ પુસ્તકમાં ઉલ્લેખ જોવા મળે છે. જો કે ઉંડાણપૂર્વકના સંશોધનોમાં યહુદી લોકો તો આ પહેલા પણ જલેબી ખાતા આવ્યા છે. ઇરાનમાં ઝલેબીયા તરીકે ઓળખાતી મીઠાઇ રમજાન મહિનામાં ગરીબોને ખવડાવાય છે.
જલેબી મોગલ શાસનકાળ દરમ્યાન થયેલા સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં ભારત આવી હતી. ‘ઝ’ અક્ષર ભારતીય ભાષા પરથી લેવાયો છે. આપણા દેશનાં સાહિત્યમાં તેનો ઉલ્લેખ 1450માં જીનસુરા રચિત જૈન રચના પ્રિથમકર્ણય કથામાં જોવા મળે છે. આ વર્ષો બાદ રાંધણકળ પુસ્તકોમાં તેનો ઉલ્લેખ ક્રમિક જોવા મળે છે. 17મી સદીના રઘુનાથ દ્વારા રચિત પાકશાસ્ત્ર પુસ્તકમાં જલેબીનો ઉલ્લેખ કરાયો છે.
જૂના શાસ્ત્રો કે પુસ્તકો જોતા છેલ્લાં 600 વર્ષથી જલેબી આપણા દેશમાં જોવા મળે છે. વિવિધ વિશ્ર્વની ભાષાઓમાં તેના અલગ-અલગ નામો જોવા મળે છે. પર્શિયન ભાષામાં તેના માટે ઝુલ્બીયા, ઇજીપ્ત, લેબનોન, અને સીરીયા જેવા દેશોમાં જલેબીને ઝલાબીયા કહેવાય છે. માલદીવ્સના ટાપુઓમાં તેને ઝીલેબી તો નેપાળમાં તેને જેરી કહેવાય છે. જેરી શબ્દ જીંગરી અને મોગલ શાસક જાહાંગીર પરથી ઉતરી આવ્યાનું જણાય છે. ટયુનિશિયા, અલ્જીરિયા અને મોરોક્કામાં તેને ઝેલ્બીયા કે ઝલાબીયા પણ કહેવાય છે.
હિન્દી ફિલ્મનું ગીત ‘મીઠી મીઠી ચાસણી’ યાદ આવેને નવરાત્રીના તહેવારો અને દશેરાએ આપણી જલેબી યાદ આવી જાય. રાત્રે ફાફડા કે વણેલા સાથે જલેબીનો મીઠડો ટેસ્ટ મરચાની તીખાશને દૂર કરે છે. લાલ નારંગી રંગની ચાસણીમાં ડૂબેલા જલેબી જોતા જ કાઠિયાવાડીના મોઢામાં પાણી ફૂટી આવે છે. 1600ની સાલમાં સંસ્કૃત ભાષામાં લખેલી કૃતિમાં પણ જલેબી વિશે લખાણ જોવા મળે છે. એક નવાઇની વાત એ છે કે અફઘાનિસ્તાનમાં જલેબી-ફિસ સાથે સર્વ કરાય છે. અરેબિક શબ્દ જલાબિયા ઉપરથી અને ફારસી શબ્દ જલિબિયા શબ્દ ઉપરથી આપણી ‘જલેબી’ આવી છે.
પ્રાચિન માન્યતા મુજબ બૂરાઇ ઉપર સચ્ચાઇની જીત તરીકે ઉજવાતા દશેરાના તહેવારે ખાસ આપણાં દેશમાં જલેબી ખાઇને લોકો જીતની ઉજવણી કરે છે. ભગવાન રામને જલેબી બહુ પ્રિય હતી. હિન્દુ માન્યતા મુજબ સતત નવ દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ લોકો ચણાના લોટથી જ ઉપવાસ તોડે છે. શરીરની હેલ્થ માટે પણ જલેબી, ફાફડા ખૂબ જ સારા ગણાય છે કેમ કે જલેબી શરીરમાં સેરોટોનીન તત્વને પણ કંટ્રોલમાં રાખતું હોવાથી બ્લડ સુગરને પણ કંટ્રોલ કરે છે. મુંબઇના મુમ્બાદેવી મંદિરની બાજુમાં 1897માં મારવાડના ધુલારામે દુકાન જલેબીની શરૂ કરી હતી. બુરહાનપૂરની માવાની જલેબીનો ટેસ્ટ પણ બહુ જ સરસ હોવાથી દેશમાં તે ખૂબ જ જાણીતી બની છે.
જલેબીનો ઇતિહાસ તેના આકારની જેમ ગોળ-ગોળ જોવા મળે છે. તેને બનાવવા માટે મેંદો, ચણાનો લોટ, ખાંડ, દહીં, કેસર, ઘી અથવા તેલ જેવી વસ્તુઓની જરૂર પડે છે. ભારતના વિવિધ રાજ્યો સાથે આપણાં ગુજરાત અને તેની રંગીલી પ્રજાના કાઠિયાવાડ વિસ્તારમાં જલેબી બાળથી મોટેરાને અતિ પ્રિય છે. સૌરાષ્ટ્રની પ્રજા તો ઘણીવાર માણસોના સ્વભાવ સાથે જોડીને તેને જલેબીના ગુંચડા જેવો શબ્દ પણ પ્રયોજે છે.
ભગવાન રામને પણ જલેબી પ્રિય હતી
બૂરાઇ ઉપર સચ્ચાઇની જીતની ખુશીમાં ઉજવાતા દશેરા તહેવારમાં જલેબી બહુ જ ખવાય છે. ભગવાન રામને પણ જલેબી પ્રિય હતી. નવરાત્રીના નવ દિવસના ઉપવાસ બાદ જ લોકો ચણાના લોટની વાનગીથી ઉપવાસ તોડે છે. શરીરની હેલ્થ માટે જલેબી, ફાફડા, સારા ગણાય છે.
જલેબી શરીરમાં સેરોટોનીન તત્વને કંટ્રોલમાં રાખતું હોવાથી બ્લડ સુગરને પણ કંટ્રોલ કરે છે. હિન્દી ફિલ્મનું ગીત ‘મીઠી મીઠી ચાસણી’ સાંભળતા જ જલેબી યાદ આવી જાય છે. આપણાં દેશમાં ઉત્સવોની ઉજવણીની મીઠાઇમાં જલેબીનું સ્થાન અનેરૂં છે. આજથી 800 વર્ષ પહેલા લખાયેલા પુસ્તકોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. અરેબિક અને ફારસી શબ્દ ઉપરથી આપણી જલેબીનું નામ પડ્યું છે.