આપણે ઘણી વખત એવા દ્રશ્યો જોયા હશે કે માણસો નવરા બેઠા બેઠા નાકમાંથી ગુંગા કાઢતા હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે આ ગુંગા છે શું ? નાકમાં જે પદાર્થ જામીને ઘણી વાર નાકની અંદરના ભાગે ચોંટી જાય છે તેને આપણે ગુંગા તરીકે ઓળખીએ છીએ. જે કાં તો રૂમાલમાં નીકળે અથવા કેટલાક લોકો બેઠાંબેઠાં હાથેથી કાઢતા હોય છે. આપણે ઘણી વખત સોશિયલ મીડિયામાં મિમ્સ પણ જોયા હશે.
આ ગૂંગાને મોટા ભાગના લોકો અસ્વચ્છતા કે બીમારીની નિશાની માનતા હોય છે, પરંતુ શું તે ખરેખર બીમારીની નિશાની છે ? અંગ્રેજીમાં મ્યુકસ, સ્નૂટ, બુગર કે ફ્લેગમ તરીકે ઓળખાતા આ ગૂંગા માનવ શરીરની પેટા ઉપજ છે જેને ઘણા સ્વચ્છતા પ્રેમીઓ ધિક્કારતા હોય છે. કોઈને નાકમાં આંગળી નાખેલી જુએ તો પણ આ લોકોને ચીડ ચડતી હોય છે. આ ગૂંગા તમારી તબિયત સારી છે તેની નિશાની છે! આ વાત પશ્ચિમી વિજ્ઞાન દ્વારા કહેવામાં આવી છે.
આ ગૂંગા ખરેખર છે શું?
જ્યારે આપણે ગૂંગા કે લીંટનો વિચાર કરીએ છીએ ત્યારે આપણા મનમાં પહેલો વિચાર નાકમાં ચોંટી ગયેલા પદાર્થનો આવે છે. ગૂંગા એક ચીકણું પ્રવાહી છે. આપણું શરીર આપણને નુકસાનકારક બૅક્ટેરિયા અને વાઈરસોથી બચાવવા માટે તેને બનાવે છે. જો તમારું નાક સૂકું રહેતું હોય તો તેનો અર્થ એ સમજવો કે તમારું શરીર ચેપને ઝડપથી પકડી લેશે અને તમને બીમારી થવાની શક્યતા વધુ છે.
ગૂંગાના રંગ કેવા કેવા હોય છે?
સૌથી તંદુરસ્ત પ્રકારના ગૂંગા પ્રવાહી અને સ્વચ્છ હોય છે. આ ઉપરાંત ગૂંગા સફેદ પણ હોય છે. જો તમને ઠંડી લાગતી હોય, તો તમારા નાકમાં પ્રવાહી જાડું થશે અને તે સફેદ લાગશે. આનો સંકેત એ હોઈ શકે કે ચેપ સામે લડવા તમારું શરીર સફેદ રક્ત કણોને બહાર ધકેલી રહ્યું છે.
જો ગૂંગાનો રંગ લીલો કે પીળો હોય તો એનો અર્થ એ થયો કે તમને કોઈક પ્રકારનો ચેપ જેમ કે શરદી કે ફ્લુનો લાગેલો છે. તમારા જ્વલનશીલ કોષોમાંથી પ્રૉટિન બહાર આવે છે તેના કારણે ગૂંગાનો રંગ લીલોલો થાય છે. તે ઝેરી પદાર્થ છે જે અંદર પ્રવેશવા માગતા જીવાણુઓને મારી નાખે છે.
જો ગૂંગાનો રંગ લાલ કે ગુલાબી હોય તો તેનો અર્થ એ કે તમે માંદા છો અને તમને ખૂબ જ કફ થઈ ગયો છે. ઉધરસ છે. તમારા ગૂંગામા લોહી ભળેલું છે. તે તમારા નાક કે ગળામાં રહેલી રક્તવાહિનીઓ તૂટી ગઈ હોવાથી તેમાંથી લોહી આવે છે. કેટલાક કિસ્સાઓમાં તે કેન્સરનો સંકેત પણ હોઈ શકે છે. આવા સંજોગોમાં તમારે તમારા ડૉક્ટરને બતાવી યોગ્ય ટૅસ્ટ કરાવવાં જોઈએ.
જો ગૂંગા કથ્થાઈ કે કાળા રંગના હોય તો તેનો અર્થ પણ ચેપ થાય છે. જે લોકો ખૂબ જ ધૂમ્રપાન કરતા હોય અથવા નોકરીના ભાગ રૂપે જેમને ધૂમાડા કે કોલસાની ધૂળ શ્વાસમાં જતી હોય તેમને આવા ગૂંગા થઈ શકે છે. આ પ્રકારના ગૂંગા ગંભીર ફેફસાના રોગીઓમાં પણ દેખાય છે. આ રંગ લોહી અને ફેફસાની બળતરાના કારણે હોઈ શકે છે.
ઉપર આપણે વાત કરી કે ગૂંગા તો તંદુરસ્તીની નિશાની છે, પરંતુ જો તમને ગળું બેસી ગયું હોય, તાવ હોય કે ઠંડી લાગતી હોય તો ગૂંગાને તંદુરસ્તીની નિશાની માનીને બેસી ન રહેતા. ડૉક્ટરને બતાવજો. ડૉક્ટરને ગૂંગાનો રંગ કહેજો.
કોરોના ટેસ્ટમાં પણ લેવાય છે નાકના સેમ્પલ:
કોરોના વાયરસના નાક અને ગળામાંથી સેમ્પલ લેવામાં આવે છે. આ બન્ને અંગમાં જો આ વાયરસ હોય તો તે ત્યાંથી છટકી શકતો નથી. આથી આ બન્ને અંગેમાંથી સેમ્પલ લેવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું.