ઊંટ સામાન્ય રીતે રણનું જહાજ ગણવામાં આવે છે. તેના વિશે પરંપરાગત અનેક પ્રકારની કહેવતો અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ. આ કહેવત બધાએ સાંભળી જ હશે કે ‘અન્યનું તો એક વાંકુ પણ આપના અઢાર છે’ આ કહેવત ઊંટ વિશે કહેવાયેલી છે અને સદીઓથી ચાલી આવી છે. પરંતુ જે લોકો અને જે સમાજ જીવન આખુ રણ વિસ્તારમાં પસાર કરતા હોય છે તેઓ ઊંટનું મહત્વ કેટલું છે તે સમજી શકે છે.

રણનું જહાજ ઊંટ હવે રણમાં દૂધની ગંગા વહાવી દેશે

કોઈને એ ખબર છે કે, ઊંટડીના દૂધમાંથી બનતી ચોકલેટની કિંમત રૂા.7000 થાય છે ?

પશ્ચિમ કચ્છના બન્ની વિસ્તારમાં ઊંટડીનું દૂધ કોઈપણ હવામાનમાં કદી ફાટતું નથી, અન્ય દૂધ બગડી જાય છે

ગુજરાતના બેકાર યુવાનો માટે રણનું જહાજ ઊંટ હવે નવી રોજગારીનું સર્જન કરશે

રણમાં આંધી અને તૂફાન વચ્ચે મુસાફરોને આરામથી સુરક્ષીત રાખીને પસાર કરાવવા માટે જાણીતું ઊંટ હવે ગુજરાતમાં અર્થતંત્ર માટે પણ નાવડીનું કામ કરશે. ખાસ કરીને ગુજરાતના બેકાર યુવાનો માટે ઊંટ એક નવી આશા સમાન બની રહેશે. ઊંટ માટે કટાક્ષ કરતી કહેવત બદલવી પડે તેવા સંજોગો હવે ઉભા થઈ રહ્યાં છે. કારણ કે, ગુજરાતનો ઊંટ હવે રણમાં દૂધની ગંગા વહાવી દેવામાં નીમિત બનશે.

ઊંટડીના દૂધનું કેટલું મહત્વ હોય છે અને કેટલું પોષક હોય છે તે કદાચ સામાન્ય માનવીને ખબર હોતી નથી. ઊંટડીના દૂધમાંથી હવે ચોકલેટ પણ બનવા લાગી છે.  જેની કિંમત જાણીને તમારૂ મોહ આશ્ર્ચર્યથી પહોળુ થઈ જશે. ઊંટડીના દૂધ અને તેની પ્રોડકટની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે. કેમ કે, તેમાં રહેલા ઔષધીય ગુણો અનેક બિમારીઓ માટે અને ખાસ કરીને ડાયાબિટીસ માટે અકસીર ઈલાજ સમાન સાબીત થયા છે. મેડિકલ સાયન્સ ઊંટડીના દૂધનું ઔષધીય મહત્વ સ્વીકારતું થઈ ગયું છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ઊંટડીનું દૂધ અને તેમાંથી બનતી પ્રોડકટ રોજગારીનું સર્જન કરવામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યાં છે. એટલું જ નહીં અનેક યુવાનોને રોજગારી મળતી થઈ ગઈ છે.

શંકર રબારીની વાત કરીએ તો આ મુદો સમજમાં આવી જશે. કચ્છના નખત્રાણા તાલુકામાં મોરગર ગામમાં વસતા શંકર રબારીએ બે વર્ષ પહેલા ટ્રક વ્યવસાયમાં હાથ અજમાવ્યો હતો અને માસીક રૂા.8000ની કમાણી કરતો હતો. તેવામાં કોરોનાની મહામારી ત્રાટકતા શંકર રબારીએ ટ્રક ચાલક તરીકેની નોકરી ગુમાવી દીધી હતી.

પરંતુ હવે તેને નોકરી ગુમાવ્યાનો કોઈ જ અફસોસ કે રંજ નથી. કેમ કે, શંકર રબારી ઊંટ અને ઊંટડીના ધણના પારિવારીક બિઝનેશમાં પરત ફર્યો છે. હવે એ મહિને, દહાડે ખાસ્સા રૂા.32000ની કમાણી કરી લે છે. કચ્છમાં અનેક રબારી યુવાનોને બેકારીના અફાટ રણમાંથી પસાર કરાવવાનું કામ રણનું જહાજ કરી રહ્યું છે. અનેક રબારી યુવાનો અન્ય વ્યવસાય છોડીને પારિવારીક ધંધામાં પરત ફર્યા છે અને કેમલ ડેરી વ્યવસાયમાંથી કમાણી કરતા થઈ ગયા છે. આજે આ વ્યવસાય કચ્છના અર્થતંત્રને નવું રૂપ આપી રહ્યો છે.

ઊંટડીના દૂધ અને તેમાંથી બનતી ચોકલેટ જેવી સંખ્યાબંધ પ્રોડકટ દેશમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહી છે. એટલું જ નહીં ઊંટડીના દૂધમાં રહેલા ઔષધીય તત્ત્વો લોકોમાં વધુને વધુ ઈંતેજારી અને આતુરતા ઉભી કરી રહ્યાં છે અને ઊંટડીના દૂધનો વપરાશ કરતા થઈ ગયા છે. એટલું જ નહીં ગુજરાતની મશહુર મલ્ટીનેશનલ કંપની અમુલ ખુદ ઊંટડીના દૂધનું મહત્વ સ્વીકારીને તેનું પદ્ધતિસર માર્કેટીંગ કરવાનું આયોજન કરી રહી છે.

સહજીવન ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તેના ખુબ જ સુંદર તારણો જાણવા મળ્યા છે. ગુજરાતમાં ઊંટડીના દૂધના કારણે ઊંટડીના ઉછેર અને ઊંટના ઉછેરમાં વધુને વધુ કચ્છી અને ગુજરાતના રબારીઓ જોડાઈ રહ્યાં છે. અનેક સંસ્થાઓ ઊંટના સંવર્ધન માટે ખુબજ જોર-શોરથી કામ કરી રહી છે. ઊંટડીના દૂધનું મહત્વ પ્રસ્થાપિત કરતો મુખ્ય મુદ્દો એ છે કે, મલ્ટીનેશનલ ડેરી કંપની અમુલ અને આદ્વીક સ્ટાર્ટઅપ જેવી કંપનીઓ ઊંટડીના દૂધના પ્રોક્યોરમેન્ટ અને વેંચાણમાં સક્રિય રસ લઈ રહી છે.

અગાઉ ઊંટો અને ઊંટડીનું સંવર્ધન કરતા રબારીઓ અને કચ્છના બન્ની પ્રદેશના લોકો ઊંટડીના દૂધનું વેંચાણ કરે ત્યારે લીટર દીઠ રૂા.15 મળતા હતા હવે અમુલ જેવી કંપનીઓના કારણે ઊંટનો ઉછેર કરતા માલધારીઓને પ્રતિ લીટર રૂા.50 જેવો ભાવ મળી રહ્યો છે. કચ્છમાં ઊંટની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 2019માં ઊંટની સંખ્યા 8439 હતી તે વધીને 2020માં 9898 સુધી પહોંચી ગઈ છે એવું સહજીવન ટ્રસ્ટના ઊંટ સંવર્ધન કાર્યક્રમના એન્કર રમેશ ભટ્ટીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોરોના પ્રેરીત લોકડાઉન દરમિયાન કચ્છ અને બનાસકાંઠાના સેંકડો યુવાનોએ રોજગારી ગુમાવી દીધી હતી અને બેકાર બની ગયા હતા પણ રણનું જહાજ તેમની વહારે આવ્યું છે. ઊંટડીના દૂધના વ્યવસાયમાં સક્રિય થયેલા આ યુવાનો હવે પ્રતિમાસ રૂા.14 હજારથી રૂા.1 લાખ સુધીની કમાણી કરતા થઈ ગયા છે.

કચ્છના રાપર, નખત્રાણા, અબડાસા, ભુજ, મુંદ્રા અને માંડવીમાં રબારી યુવાનો શહેર છોડીને નેસડામાં પાછા ફરી રહ્યાં છે અને ઊંટ સંવર્ધન વ્યવસાયમાં લાગી ગયા છે. આ વિસ્તારમાં 18 યુવાનોએ ગયા વર્ષે 16556 લીટર દૂધનું વેંચાણ કર્યું હતું અને રૂા.8.27 લાખની કમાણી કરી હતી. અમુલ કંપનીની પાંખ સમાન કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ જે સરહદ ડેરી તરીકે ઓળખાય છે તે કચ્છના બન્ની વિસ્તાર અને અન્ય વિસ્તારોમાંથી દૂધના પુરવઠાથી પ્રાપ્તી કરે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ઊંટડીના દૂધની પ્રાપ્તીના 121 ટકા જેવો જોરદાર વધારો થયો છે.

ઊંટડીનું દૂધ ઘણું લાંબો સમય તાજુ રહી શકે છે તે તેની ખુબી અને ખાસીયત છે. જેના કારણે અમુલ કંપનીને પણ રસ પડ્યો છે તે તેનું મહત્વ પ્રસ્થાપિત કરે છે.  અમુલના ગુજરાત વિભાગના એમડી આર.એસ.સોઢીએ જણાવ્યા મુજબ અગાઉ ઘણી ઓછી માત્રામાં અમે ખરીદી કરતા હતા અને અમદાવાદમાં દૂધનું ટેસ્ટીંગ થતું હતું. પરંતુ ઊંટડીનું દૂધ લાંબા સમય સુધી ફાટતું ન હોવાથી હવે મોટી માત્રામાં અમુલ કંપની ખરીદી કરવા લાગી છે.

આદ્વીક ફૂડ કંપની દ્વારા 2016ની સાલથી ગુજરાતમાં ઊંટડીના દૂધનું એકત્રીકરણ શરૂ કરાયું હતું. હવે આ પ્રાપ્ત 8 લાખ લીટર સુધી પહોંચી ગઈ છે અને 220 જેટલા માલધારીઓને રોજીરોટી મળી રહી છે તેવું કંપનીના સ્થાપક હિતેષ રાઠીએ જણાવ્યું હતું. આ કંપની ઊંટડીના દૂધમાંથી દૂધનો પાવડર, ઘી, ચોકલેટ અને સ્કીનકેર પ્રોડકટનું નિર્માણ કરી રહી છે. અમુલ કંપનીએ તો ઊંટડીના દૂધનો આઈસ્ક્રીમ પણ બજારમાં મુકવાનું નક્કી કર્યું છે. અમુલ કંપની ઊંટડીના દૂધમાંથી વિવિધ પ્રોડકટ બનાવવા માટે પ્રતિ માસ 1 લાખ લીટર દૂધનો ઉપયોગ કરે છે. સોઢીએ કહ્યું હતું કે, સ્વાદમાં ઊંટડીનું દૂધ સહેજ ખારૂ ભલે લાગતું હોય પરંતુ તેના ફાયદા પુષ્કળ છે તે કારણે લોકોમાં અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાં તેનો વપરાશ દિવસે-દિવસે વધી રહ્યો છે.

કેમલ કા કમાલ, ઊંટડીના દૂધની વિશેષતાઓ જાણો

  • અન્ય કોઈપણ પ્રકારના દૂધ કરતા ઊંટડીનું દૂધ માનવી માટે વધુ ગુણકારક અને પચવામાં સહેલુ
  • અન્ય દૂધના પ્રમાણમાં ત્રણ ગણું વધુ વિટામીન સી ધરાવે છે જેના કારણે કોરોના મહામારીના કાળમાં તેના વપરાશમાં એકદમ ઉછાળો આવ્યો
  • ઊંટડીના દૂધમાં વિટામીન સી ઉપરાંત આર્યન, ઝીક, કોપર, સોડીયમ, મેગ્નેશીયમ અને પોટેશીયમનું પ્રમાણ પણ ઘણું વધારે છે. ગાયના દૂધ કરતા પણ આ તમામ તત્વોનું પ્રમાણ ઊંટડીના દૂધમાં અનેક ગણું વધારે જોવા મળ્યું છે
  • આર્થ રાઈટીંસની બિમારી દૂર કરતા તત્ત્વો પણ ઊંટડીના દૂધમાં મોજુદ છે
  • ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉપકારક તત્ત્વો ઊંટડીના દૂધમાં મોજુદ છે
  • શરીરમાં લેકટોઝ (દૂધમાં રહેલી ખાંડ) પચાવી ન શકતા હોય એવા લોકો અને ખાસ કરીને એવા બાળકો માટે ઊંટડીનું દૂધ આદર્શ
  • એલર્જી ધરાવતા લોકો માટે પણ ઊંટડીનું દૂધ ખુબજ ઉપકારક
  • ઓટીઝમના દર્દીઓ માટે પણ કારગત નિવડે છે
  • 2018-19ની સાલમાં મોટી કંપનીઓએ 2.5 લાખ લીટર દૂધની પ્રાપ્તી કરી હતી અને માલધારીઓને 1 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી હતી.
  • 2019-20ની સાલમાં કુલ 2,19,543 કિ.ગ્રા. દૂધની પ્રાપ્તી કરવામાં આવી હતી અને માલધારીઓને 1.11 કરોડ જેવી રકમ ચૂકવામાં આવી હતી જે 7 ટકાનો ધીંગો વધારો સુચવે છે.
  • 2020-21ની સાલમાં કુલ 4,85,501 કિ.ગ્રા. દૂધની પ્રાપ્તી કરીને માલધારીઓને લગભગ 2.5 કરોડ જેવી રકમ ચૂકવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.