રણબીર, દીપિકા, વરુણ કે આલિયા વિશે લખવાના બદલે વિનોદ ખન્ના વિશે લખવાનું મજબુત કારણ આ રહ્યું
શું તમને ખબર છે? વિનોદ ખન્ના અમિતાભ બચ્ચનને ઓવરટેક કરવાના હતા ત્યાં જ અચાનક ક્ષેત્ર સન્યાસ લઈને ઓશો રજનીશના પૂણે સ્થિત આશ્રમમાં સમર્પિત થઈ ગયા હતા. ફિલ્મી પંડિતો હંમેશા વિનોદ ખન્નાને અમિતાભ બચ્ચનના મજબુત હરીફ માનતા હતા. એમાં કશુ ખોટુ પણ ન હતું. પર્સનાલિટીમાં ખન્ના બચ્ચનથી એક દોરો ઉતરે તેમ ન હતો!
ફિલ્મ વિવેચકોએ તો ફિલ્મ મુકદર કા સિકંદરમાં અમિતાભ બચ્ચન કરતા વિનોદ ખન્નાને વધુ માર્ક આપ્યા હતા. અમર અકબર એન્થનીની ફાઈટ સિકવલમાં પણ ખન્ના મેદાન મારી ગયા હતા.
બોલીવુડ સ્પેશ્યલની કોલમમાં અત્યારે રણબીર કપુર કે દીપિકા પડુકોન અથવા વ‚ણ ધવન કે આલિયા ભટ્ટ વિશે લખવાના બદલે વિનોદ ખન્ના વિશે લખવાનું મજબુત કારણ એ છે કે હિંદી સિનેમાના એક સમયના હેન્ડસમ હન્ફ વિનોદ ખન્ના અત્યારે પથારીમાં પડયા છે અને તેમનું શરીર સાવ નખાઈ ગયું છે. તેઓ બે વ્યકિતના સહારે માંડ ઉભા થઈ શકે છે. અનઓફિસીયલી તેમને કેન્સર હોવાનું જાહેર થયું છે.
વિનોદ ખન્નાએ ફિલ્મ મન કા મીતથી બોલીવુડમાં પદાર્પણ કર્યું. શત્રુધ્ન સિંહાની જેમ વિનોદ ખન્નાનો ચહેરો પણ કરડાકીવાળો હતો એટલે શ‚આતમાં તેમને વિલનના રોલ મળ્યા ત્યારબાદ સાઈડ હીરો અને બાદમાં તેઓ હીરો તરીકે પ્રસ્થાપિત થયા. આશ્ર્ચર્યની વાત એ છે કે વિનોદ ખન્ના સુપરસ્ટાર પદ ડીઝર્વ કરતા હતા છતા ફ્રંટ ફૂટ રમવાના બદલે હંમેશા બેક ફૂટ રમ્યો ! શું તેમણે કારકિર્દીને ગંભીરતાથી લીધી ન હતી ? શું તેઓ મહત્વાકાંક્ષી ન હતો ? શું તેઓ ડર્ટી પોલિટિકસનો શિકાર બન્યા હતા? સવાલો ઘણા છે. આવા ઘણા બધા સવાલોના જવાબ અગર વિનોદ ખન્ના તેમની આત્મકથા (ઓટો બાયોગ્રાફી) લખી શકયા હોત તો તેમાંથી મળી શકયા હોત. કાશ, તેઓ સાજા થાય ને આ શકય બને.
વિનોદ ખન્નાની સફળ ફિલ્મોમાં મેરા ગાંવ મેરા દેશ, મેરે અપને, અમર અકબર એન્થની, મુકદર કા સિકંદર, કુરબાની, ચાંદની (ગેસ્ટ રોલ), દબંગ (ચરિત્ર અભિનેતા) વિગેરે છે. વિનોદ ખન્નાએ મોટા ભાગે મલ્ટીસ્ટાર ફિલ્મો કરી છે. જેમાં તેમના સાથી કલાકારોમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર વિગેરે મુખ્યત્વે હતા. કમનસીબે તેઓ કોઈ હીરોઈન સાથે જોડી બનાવી શકયા ન હતા.
વિનોદ ખન્નાએ બે વખત લગ્ન કર્યા છે. પ્રથમ પત્ની ગીતાંજલિથી થયેલા પુત્રો અક્ષય અને રાહુલ બન્ને અભિનય મોડેલિંગ ક્ષેત્રે છે. બાય ધ વે વિનોદ ખન્નાના બંગલોનું નામ ગીતાંજલિ છે. બીજી વખત લગ્ન તેમણે ગુજરાતી બેન્કર કવિતા શેઠ સાથે કર્યા. જેના થકી તેમને એક પુત્ર છે. તેમનો આ ત્રીજો પુત્ર વંઠેલ છે અને એક વાર રેપ પાર્ટી (નશીલા પદાર્થોની પાર્ટી)માં રંગે હાથ પકડાઈ ચૂકયો છે.
વર્તમાન સમયની વાત કરીએ તો વિનોદ ખન્નાનો હોસ્પિટલમાં સાવ નખાઈ ગયેલા શરીરવાળો ફોટો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો ત્યારે પ્રથમ નજરે માની જ શકાયું નહીં. કેમ કે, પંજાબના ૬ ફૂટ ઉંચા આ જાટ મર્દની આવી હાલત કેમ માની શકાય ? વિનોદ ખન્ના જલ્દી સાજા નરવા થઈ જાય તેવી શુભકામના.
સાદુ ગણિત: એક્ટિવ રહો તો સાજા ,એકિટવ ન રહો તો ‘ખાટલો’
સાદુ ગણિત છે: એકિટવ રહો તો સાજા, એકિટવ ન રહો તો ખાટલો ! બીમાર તો બચ્ચન પણ છે (તેમને માયસ્થેનિઆ ગ્રેવીસ નામનો સ્નાયૂ શિથિલ થઈ જવાનો રોગ છે) પરંતુ તેઓ રોજ ટેબ્લેટ ખાઈને વ્હેલી સવારથી છેક મોડી રાત સુધી એકિટવ રહે છે. ફિલ્મનું શુટીંગ કરે છે, ડબિંગ કરે છે, પ્રમોશન કરે છે, એડ ફિલ્મનું શુટીંગ કરે છે, સરકારી જાહેરાતનું શુટીંગ કરે છે. ફેશન શોમાં રેમ્પ વોક કરે છે, ફેન્સને મળે છે, મુલાકાતીઓને મળે છે, સ્ક્રિપ્ટ સાંભળે છે, ઘરમાં જિમ્નેશિયમમાં હળવી કસરતો કરે છે, ઘરમાં મંદિરમાં પુજા પાઠ આરતી કરે છે. બ્લોગ લખે છે, ટિવટ્ટર પર અપડેટ રહે છે, ફિલ્મી પાર્ટીઓ-સોશિયલ પાર્ટીઓમાં હાજરી આપે છે અને પત્ની જયા અને પૌત્રી આરાધ્યાને પણ સમય આપે છે. મને યાદ છે બચ્ચન એક વાર હોસ્પિટલમાંથી હજુ તો ડીસ્ચાર્જ ન થયા હતા અને વેરી નેકસ્ટ ડે તેમણે એક એવોર્ડ સમારંભના સ્ટેજ પર એવી બોડી લેંગ્વેજમાં એન્ટ્રી કરી કે જાણે કંઈ થયું જ નથી !!! આ છે એકિટવ અમિતાભ અને હા, એક આડ વાત અમિતાભે વાળ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે અને તેઓ ફ્રેન્ચ બીયર્ડ (દાઢી) રાખે છે એટલે તેમણે તેમના મેકઅપ મેન અભિજિત સાવંત પાસે પણ ગેટ અપ- સેટ અપ માટે બેસવુ પડે છે. આ છે બિગ-બીનું ટાઈમ મેનેજમેન્ટ!
બીજી તરફ, વિનોદ ખન્ના કેસમાં કદાચ ઉલટુ છે. તેઓ બિગ-બી જેટલા પોતાની જાતને એકિટવ નથી રાખી શકયા. તેમની કમ બેક મૂવી ‘ઈન્સાફ’ પછી તેમની કેરીઅર જોઈએ તેવી ઉંચકાઈ ન હતી. તેમણે એક ટીવી સીરીયલમાં (સ્મૃતિ ઈરાની સાથે) પણ કામ કર્યું. પંજાબના ગુરદાસપુરના ભાજપના સાંસદ પણ બન્યા. તેઓ ફિલ્મ દબંગમાં ઈન્સ્પેકટર ચુલબુલ પાંડે (સલમાન ખાન)ના પિતાનો રોલ કરે છે. આશા કરીએ કે આવનારી દબંગ-૩માં વિનોદ ખન્ના ‚પેરી પડદે ફરીથી જોવા મળે.