આયુર્વેદને હોમિયોપેથીમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓમાટે સારા સમાચાર છે. એડમીશન કમીટી દ્વારા રાજયની તમામ આયુર્વેદ, હોમિયોપેથી કોલેજોમાં વધુ એક રાઉન્ડ યોજવાનો નિર્ણય લેવાયો છે જે આગામી ૨૩મી તારીખથી શરૂ થઈ ૨૬મી ફેબ્રુઆરી સુધી ચાલશે.
આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે અત્યાર સુધી પાંચ રાઉન્ડ થઈ ચૂકયા છે. જે તમામ ઓનલાઈન બેઝડ જ હતા પરંતુ હવે, અંતિમ અને વધારાના આ તબકકામાં ઓફલાઈન પ્રક્રિયા થશે. રાજયભરની કોલેજોમાં ખાલી પડેલી ૨૦૦૦ બેઠકોને ભરવા વધારાનો આ તબકકો યોજવાનો નિર્ણય કરાયો છે.
ગાંધીનગર સ્થિત પ્રવેશ પ્રક્રિયાના એક અધિકારીને કહ્યું કે, પાંચ રાઉન્ડ યોજયા બાદ પણ હોમિયોપેથીમાં ૧૨૦૦ અને આયુર્વેદમાં ૮૦૦ બેઠકો એમ કુલ ૨૦૦૦ બેઠક ખાલી પડેલી છે. જેને પૂરવા વધારાનો રાઉન્ડ યોજાશે. અનુસ્નાતક કોર્ષોમાં પ્રવેશ માટે મોપ-અપ રાઉન્ડ દર વર્ષે કરવામાં આવે જ છે. અને આ વખતે યોજાનારા આ મોપ-અપ (વધારાના) રાઉન્ડમાં ૪૦૦૦ જેટલા ઉમેદવારો ભાગ લેશે જે તમામે ગાંધીનગર ખાતે રૂબરૂ જઈ અધિકારી દ્વારા કરવામાં પ્રક્રિયાને અનુસરવી પડશે.