ભારતએ આદિ-અનાદિ કાળથી ખેતી પ્રધાન દેશ છે. વર્ષોથી અહીંયા વસનારા ખેતી પર આધાર રાખે છે. એટલા માટે જ ભારતને અન્નદાતાઓનો દેશ કહેવામાં આવે છે. આજની ખેતી અને પહેલાની ખેતીમાં ઘણા બધા ફર્ક જોવા મળે છે. જેમ કે ખેતીની શરૂઆત એક સમયે બળદથી થતી હતી. હાલ બળદની જગ્યા ટ્રેક્ટરે લઈ લીધી છે.
એક સમય એવો હતો કે નાનામાં નાનો ખેડૂત હોય તો પણ તેની પાસે બળદની એક જોડ રાખતો. બળદ ગાડુ અને પરંપરાગ પોષાક એ ખેડૂતની ઓળખ હોય છે. પરંતુ હવે એ વાત ભૂતકાળ બની રહી છે. આજે ખેડૂતો બળદની જગ્યા પર ટ્રેક્ટર રાખવા લાગ્યા છે. એવું કહી શકીયે કે ખેતી અને ખેડૂત બંને આધુનિક થઈ ગયા છે.
બળદની ઘટતી સંખ્યા
હાલ બળદની સંખ્યા ઘટતી જાય છે. એ સમય દૂર નથી કે જયારે બળદની પ્રજાતિનું નિકંદન નિકળી જશે. ખેડૂતો હવે બળદ રાખવાથી દુર ભાગી ટેક્નોલોજીનો આધાર લઈ રહ્યા છે. આધુનિકરણની આંધળી દોટમાં ડેરી,કૃષ, જમીન અને ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ રહી છે. 30 વર્ષ પહેલા દરેક ખેડૂત પાસે એક કે તેથી વધુ બળદની જોડી હતી. હવે 90 ટકા ખેડૂતો પાસે બળદ રહ્યાં નથી. ગાય આધારિત ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ અને સરકાર ભાર મૂકે છે.
બળદની જગ્યા ટ્રેક્ટરે લીધી
બળદ રાખવામાં આવે તો તેની પાછળ એક માણસને પૂરતો સમય આપવો પડે. જેમકે તેને નીરણ નાખવું, પાણી પાવું, વાહીદુ કરવું વગેરે. હવે જયારે ખેડૂતોએ બળદની જગ્યા પર ટ્રેક્ટર અથવા મીની ટ્રેક્ટરનો સહારો લીધો છે. બળદની માત્ર માં ટ્રેક્ટરને સાચવવું બહુ જ સહેલું છે. બળદની ઘટતી સંખ્યા પાછળનું આ એક મહત્વનું કારણ છે.
ટ્રેક્ટર ના ફાયદાઓ
જયારે કોઈ ખેડૂત ટ્રેક્ટર અને તેના બધા સાધનો ખરીદે છે, ત્યારે તેની ખેતીનો ખર્ચ ઘટી જાય છે. ખેડૂતને વાવણી, દવા છાંટવી, ખેતર ખેડવું જેવા વગેરે કામો ટ્રેક્ટર દ્વારા ઓછા સમયમાં અને ખુબ સારી રીતે થઈ જાય છે. અને સૌથી અગત્યની વાત કે, ખેડૂતનો સમય સચવાય રહે છે. જે સમયે તેને જે કાર્ય કરવું છે તે ટ્રેક્ટર હોવાથી કરી શકે છે.
બળદની સંખ્યા ઘટવા પાછળનું આ પણ એક મહત્વનું કારણ છે
આપણે કોઈ એક ગો-શાળાનું ઉદાહરણ લઈ આ વાત સમજીયે. એક ગો-શાળામાં અંદાજિત 200 ગાયો છે. જયારે તેની સામે આખલાની સંખ્યા માત્ર 1 કે 2 જ જોવા મળશે. 200 ગાયો સામે 1 કે 2 આખલા છે, તેની અસર બળદની સંખ્યા પર પડે છે. દેશમાં 44 લાખ દેશી ગાય છે. જ્યારે વિદેશી કુળ સાથે ક્રોસ બ્રિડ કરેલી હોય તેવી 32 લાખ ગાય છે. જેની સામે ખેતીવાડી અને ફલીનીકરણ એમ બંને માટે માત્ર 60 હજાર જ આખલા છે.