પૈસાની મજબુરીએ પાસના નેતાઓ વેરવિખેર થતા આંદોલન નબળુ પડયું હોવાનો હાર્દિકનો સ્વીકાર
જોરશોરથી ગાજેલા પાટીદાર અનામત આંદોલનમાં રાજયની વિધાનસભા ચુંટણી સમયે મજબુત ગણાતા અનેક ‘પાસ’નાં નેતાઓ રાતોરાત પારોઠના પગલા ભરી પાણીમાં બેસી ગયા હતા. આ મામલે તાજેતર સુરતના એક વેપારીનો વીડિયો વાયરલ થતા હાર્દિક પટેલે ખુલ્લેમ ખુલ્લા જણાવ્યું હતું કે, ‘હાં’ પાસનો કેટલાય નબળા નેતાઓ ખરીદાઈ ગયા છે જેના પરથી એક વાત સ્પષ્ટ છે કે આર્થિક રીતે નબળા નેતાઓ પાસના પારોઠના પગલા માટે જવાબદાર છે.
સુરતનાં વેપારી મુકેશ પટેલે પાટીદાર નેતાઓને સરકાર વિરુઘ્ધના આંદોલનમાંથી હટી જાય તો નાણા આપવા કરેલી ઓફર અંગેનો વીડિયો વાયરલ થતા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘હા’ મારા પૂર્વ સાથીઓ આર્થિક લાભ માટે જ ભાજપમાં જોડાયા છે અને પાટીદાર સમાજનું આંદોલન છોડી સમાઈને બદલે રાજકીય પક્ષના હાથા બન્યા હતા.
વધુમાં હાર્દિક પટેલે પાસનાં પૂર્વ નેતાઓના નામ જોગ આરોપો લગાવતા જણાવ્યું હતું કે, દિનેશ બાંભણીયા, રેશ્મા પટેલ, વરૂણ પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ અને બોટાદના દિલીપ સાખવાને ભાજપે ખરીદી લીધા હતા એટલે જ તેઓએ સમાજ પર જુલ્મ કરનારાઓનો સાથ આપી સમાજ સામે દગો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન વખતે બરાડા પાડી-પાડી પટેલ સમાજ સાથે જોડાઈ રહેલા પાસના પૂર્વ નેતાઓ દિનેશ બાંભણીયા, કેતન પટેલ, અરૂણ પટેલ સહિતનાઓની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હોવાની વિગતો પણ બહાર આવી હતી અને વિધાનસભા ચુંટણી સમયે પાસનો સાથ છોડયા પછી પાસમાંથી ગાયબ થયેલા આ નેતાઓની આર્થિક સ્થિતિ મજબુત બની હોવાનું પણ સુત્રો ઉમેરી રહ્યા છે.
આમ, સુરતનાં વેપારીનો વાયરલ થયેલ વીડિયોએ હાલ તુરંત તો પાસના પૂર્વ નેતાઓની પોલ ખોલી નાખી છે અને આ મુદ્દે હાર્દિક પટેલ પણ ખુલ્લીને બોલી રહ્યા છે.