સરકારે 2000 રૂપિયાની નોટનું છાપકામ બંધ કર્યું હોવાના મિડિયાના રિપોર્ટ અંગે ખુલાસો કરતા આજે જણાવ્યું હતું કે હાલ બે હજારની નોટનો પુરતો સ્ટોક હોવાન કારણે 2000 રૂપિયાની નોટનું છાપકામ બંધ કરવામાં આવ્યું છે.
ગુરૂવારના મિડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે 2000ની નોટનો ઉપયોગ હોર્ડિંગ, ટેકસ ઈવિઝન અને મની લોન્ડરિંગમાં થતો હોવાને કારણે તેનું છાપકામ બંધ કર્યું છે.
આ અંગે ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી સુભાષ ચંદ્રા ગર્ગે જણાવ્યું હતું કે નોટોનું છાપકામ જરૂરિયાત પ્રમાણે કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે હાલ સિસ્ટમમાં 2000ની કરન્સી નોટ જરૂરિયાત કરતા વધુ છે. 2000ની હાલ 35 ટકા નોટ સરક્યુલેશનમાં છે.
હમણા 2000ની નોટના પ્રોડકશનને લગતો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારે 500 અને 1,000 રૂપિયાની જૂની નોટ પર પ્રતિબંધ મૂકયો હતો.
તે સમયે રિઝર્વ બેન્કે 2,000ની નવી નોટ બહાર પાડી હતી. આ ઉપરાંત 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ પર નવેમ્બર 2016માં પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે ટોટલ કરન્સીમાં આ નોટોનું સરક્યુલેશન 86 ટકા હતું.