મુંબઈ એરપોર્ટ પર આખી રાત પડી રહેલ ફલાઈટમાં ઘુવડ ઘુસ્યુ: સવારે કમાન્ડર સીટ પર બેઠેલા ઘુવડ સાથે સ્ટાફ મેમ્બરોએ સેલ્ફી ખેંચી
તમે પાઈલોટને તો પ્લેન ઉડાવતા જોયા હશે પરંતુ એક ઘુવડ મુંબઈની ફલાઈટમાં પ્લેન ઉડાવવા માટે જાણે કોકપીટમાં ઘુસ્યુ હોય તેવી આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જેટ એરવેજની બોઈંગ નં.૭૭૭ આખી રાત પાર્કિંગમાં પડી હતી. જયારે પાયલોટ કોકપીટમાં પહોંચ્યા ત્યારે કમાન્ડર સીટ ઉપર હાર્ટ શેપના આકારના ચહેરાવાળુ ઘુવડ બાર્નઆઉલ ત્યાં જોવા મળ્યું હતું.
એરપોર્ટ અધિકારીઓને ઘુવડ મળતા હો..હા.. મચી ગઈ હતી. ત્યારબાદ તેણે મુંબઈ એરપોર્ટના ફાયર ડિપાર્ટમેન્ટને આ ઘુવડની જવાબદારી સોંપી હતી. જો કે, ઘુવડે કોકપીટની અંદર કોઈપણ પ્રકારનું નુકશાન થાય તેવી પ્રવૃતિ કરી ન હતી. પરંતુ સ્ટાફના કેટલાક લોકો એવા પણ હતા જેણે ઘુવડ સાથે સેલ્ફી પડાવી સોશીયલ મીડિયા પર શેયર કરી હતી.
ગ્રાઉન્ડ સ્ટાફ મેમ્બરે કહ્યું કે, ઘુવડ રાત્રી દરમિયાન પ્લેનના એક ખુલ્લા દરવાજેથી ઘુસ્યુ હોવાની શકયતાઓ છે. બાર્ન ઘુવડ સદાબહાર લીલાછમ રહેતા જંગલોમાં રહેનાર પક્ષી છે. મધ્યમ કદ ધરાવતા ઘુવડને ગોળ પાંખો અને નાની પુછ હોય છે જે તેને ઉડાન માટે મદદરૂપ બને છે. તેના પગ લાંબા અને માથુ દિલ આકારનું હોય છે.