જામનગર માર્કેટ યાર્ડમાં હરરાજી બંધ છે તેમજ શાકભાજીનું માત્ર હોલસેલ વેચાણ થાય છે. ત્યારે યાર્ડથી દૂર નુરી ચોકડી પાસેના મુખ્ય માર્ગ ઉપર વહેલી સવારથી શાકભાજી અને ફ્રુટના વિક્રેતાઓ ખડકાઇ જાય છે. રોડ ઉપર દબાણ કરવાની સાથોસાથ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા આ ધંધાર્થીઓ કોરોનાના સુપર સ્પ્રેડર બની શકે તેવો ભય સતત ઝળુંબે છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિત્તિ (માર્કેટ યાર્ડ-હાપા)માં કોરોનાને કારણે ઘણાં દિવસથી ફ્રૂટની હરરાજી બંધ છે તેમજ શાકભાજીનું માત્ર જથ્થાબંધ વેચાણ થાય છે. આથી શાકભાજી-ફ્રૂટના અનેક વિક્રેતાઓ યાર્ડને બદલે યાર્ડથી થોડે દૂર આવેલ નુરી ચોકડીવાળા નવા રોડ ઉપર ખડકાઇ ગયા છે. ધંધો કરે તેમાં પણ કોઇને વાંધો ન હોઇ શકે પરંતુ હાલના કોરોનાના ગંભીર રોગચાળા વચ્ચે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે.
રસ્તા ઉપર દબાણ કરવાની સાથોસાથ કોવિડ ગાઇડલાઇનનું પણ ઉલ્લંઘન કરાઇ રહ્યું છે.મોટાભાગના વિક્રેતાઓએ માસ્ક કે રૂમાલ મોં ઉપર રાખવાને બદલે ગળામાં ટીંગાડી રાખેલ છે અને પોલીસી કે કોર્પોરેશનની ટીમને દૂરથી જુએ ત્યારે પાંચ-દશ મિનિટ માટે યોગ્ય રીતે પહેરે છે અને પછી તુરંત કાઢી નાંખે છે. આજે સવારે પણ કોરોનાની ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાથી સ્થિતિ હોવાના દ્રષ્યો જોવા મળ્યા હતાં.