રસ્સીની રસ્સાખેંચમાં અમેરિકા મેદાન મારી શકશે?
વિશ્વની મોટાભાગની વેકસીન ઓમિક્રોન સામે ફેઈલ, સંશોધનના અહેવાલે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું
અબતક, નવી દિલ્હી : રસીની રસ્સાખેંચમાં હવે અમેરિકા મેદાન મારી જાય તેવો ઘાટ સર્જાયો છે કારણકે ઓમિક્રોન સામે ભારત, ચીન અને રશિયાની રસી બિનઅસરકારક ઠેરવવામાં આવી છે. જ્યારે ફાયઝર અને મોડેર્ના રસી અસરકારક ઠેરવવામાં આવી છે. નવા વેરીએન્ટના જોખમ સામે જાહેર થયેલા સંશોધનના રિપોર્ટે વિશ્વ આખાને સ્તબ્ધ કરી દીધું છે.
કોરોના વાયરસ સામે રસીકરણ ઝુંબેશ સરકાર દ્વારા પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને દેશની સામે એક નવી સમસ્યા ઉભી કરી છે. ઓમિક્રોન પર પ્રારંભિક સંશોધન દર્શાવે છે કે કોવિશિલ્ડ સહિતની તમામ રસીઓ કોરોનાના નવા પ્રકાર સામે અસરકારક નથી. બધી રસીઓ ઓમિક્રોનને રોકવામાં સફળ થતી નથી.જો કે આ ધડાકાથી આરોગ્ય વિભાગ ચિંતાતુર બન્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલમાં જણાવાયુ છે કે ઓમિક્રોનથી ચેપ લાગવા પર રસી વધુ બીમાર થવા સામે રક્ષણ આપે છે. પરંતુ તેના ચેપને રોકવામાં સક્ષમ નથી. સંશોધનમાં ફાયઝર અને મોડેર્ના રસીને અસરકારક ઠેરવવામાં આવી છે. બૂસ્ટર શોટ સાથે ફાયઝર અને મોડેર્ના રસીથી ઓમિક્રોનને રોકવામાં પ્રારંભિક સફળતા જણાય છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એસ્ટ્રાઝેનેકા, જોન્સન એન્ડ જોન્સન સહિત ચીન અને રશિયામાં ઉત્પાદિત રસીઓ પણ ઓમિક્રોનને રોકવામાં સક્ષમ નથી. મુશ્કેલી એ છે કે વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોને હજુ સુધી રસી મળી નથી. આવી સ્થિતિમાં ચેપના કેસોમાં ઝડપથી વધારો એ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે એક મોટો ખતરો છે. રસીકરણ પૂર્ણ ન થવાને કારણે નવા પ્રકારો ઉભા થવાનું જોખમ પણ છે.એમઆરએનએ ટેક્નોલોજીનો ઉપયોગ ફાયઝર અને મોડેર્ના રસી બનાવવામાં કરવામાં આવ્યો છે. જે તમામ પ્રકારના ચેપ અને પ્રકારો સામે રક્ષણ આપે છે. જ્યારે બાકીની રસીઓ જૂની તકનીક પર આધારિત છે.
ભારતમાં 90 ટકા લોકોએ કોવિશિલ્ડ રસી લીધી તેનું હવે શું?
બ્રિટનમાં થયેલા સંશોધનો દર્શાવે છે કે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી પણ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન સામે અસરકારક નથી. અભ્યાસમાં કોવિશિલ્ડ રસી રસીકરણના 6 મહિના પછી ઓમિક્રોનને રોકવાની કોઈ ક્ષમતા દર્શાવતી નથી. એ ચિંતાનો વિષય છે કે ભારતમાં લગભગ 90 ટકા લોકોએ કોવિશિલ્ડ રસીનો ડોઝ લીધો છે. ભારત ઉપરાંત આફ્રિકાના 44 દેશોમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી લોકોને મોટા પાયે આપવામાં આવી છે.