અમે 4 છોકરા અને 5 છોકરીઓ ટ્રીપ પર જવા નીકળ્યા. હું, મયુર, રવિ, જય, જીનલ, શિવાની, પિનલ, ધારા અને કાવ્યા. અમે બધા ઘણા વર્ષોથી સારા મિત્રો છીએ. અમારા બધાના ઘરે અમારી યારી વિશે બધી ખબર છે. અમે જંગલ વિસ્તારમાં ફરવા જવાનું નક્કી કર્યું. જંગલમાં મારા મિત્ર અમિતનો કેમ્પ છે ત્યાં તે જંગલમાં અમને ફરવા લઈ જવાનો છે અને અલગ-અલગ પ્રાણીઓ બતાવવાનો છે. આ અમારા માટે એક અલગ જ ટ્રીપ બનવાની હતી કેમકે આજ સુધી અમે ક્યારેય જંગલમાં ટ્રીપ પર ગયા નથી.
એક ગુજરાતી હોવાથી નાસ્તો તો સાથે જ લઈને નીકળ્યા હોય. થેપલા, ખાખરા, ઢોકળા, ખમણ આવું બધું પેક કરીને અમે ટ્રીપ પર નીકળી પડયા અને અમારી ટ્રીપ શરૂ થઇ. રસ્તામાં ગીતોની મજા માણી. આખા રસ્તે અમે ગીતો ગાયા અને અંતાક્ષરી રમ્યા. સાંજે એક ચાની હોટલે કાર રોકી અમે ચાનો અનેરો આનંદ લીધો સાથે થેપલા ની મજા પણ માણી.
રાત્રે અમે જંગલ નજીક પહોંચ્યા અને મારો મિત્ર અમિત અમને લેવા આવ્યો. એણે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી. અમે તંબુમાં રહ્યા. રાત્રે જમીને તાપણું કર્યું. જંગલની ઠંડી અને ગરમ ગરમ તાપણું અને સાથે ચા. આ અનુભવ અમારા માટે ખૂબ જ યાદગાર હતો. અમે તાપણા નજીક ગીતો ગાયા અને ડાન્સ કર્યો અને ખૂબ મજા કરી પછી સુઈ ગયા.
રાત્રે અચાનક અવાજ આવવા લાગ્યો. મેં ઉઠીને જોયું તો એક શિયાળ હતું જે દેખાવમાં ખૂબ ભયાનક હતું. હું તરત તંબુમાં ગયો અને સુઈ ગયો. સવારે સરસ મજાનો નાસ્તો કરી અમે સૌ જંગલમાં ફરવા ગયા. અમારી સાથે ટ્રેઈન થયેલા 2 રક્ષકો આવ્યા. અમે સિંહ, હાથી, હરણ, સસલા, બતક, શિયાળ જોયા. ફોટા પાડ્યા અને કુદરતી નઝારાનો આનંદ માણ્યો. ઝાડ પર ચડ્યા અને આખું જંગલ જોયું. આખો દિવસ જંગલમાં ફરીને અમે થાકી ગયા.
આજે રાત્રે પણ અજીબ અજીબ અવાજ આવ્યો. મને લાગ્યું કે શિયાળ હશે પણ અવાજ વધુ આવ્યો અને બહાર જઈને જોયું તો કોઈની લાશ હતી અને બીજો કોઈ વ્યક્તિ લાશને ખસેડી રહ્યું હતો. આ જોઈને મારો શ્વાસ અધ્ધર ચડી ગયો મેં ધ્યાનથી જોયું તો લાશ ધારાની હતી. મારા તંબુમાં રવિ અને મયુર હતા. મેં બંનેને ઉઠાડ્યા અને આ વાત તેમને કરી. બહાર જઈને જોયું તો કોઈ ન હતું. જે તંબુમાં ધારા હતી તે તંબુમાં જઈને જોયું તો ધારા ગાયબ હતી. મેં બધાને ઉઠાડ્યા અને અમે બધા જંગલમાં ધારાને શોધવા નીકળ્યા. ક્યાંય પણ ધારા દેખાઇ નહીં. અમિતે તેના ઉપરી અધિકારી સાથે વાત કરી. અચાનક પીનલ અને જીનલ ગાયબ થઈ ગઈ. ઉપરી અધિકારીઓ આવ્યા અને વધુ તપાસ શરૂ થઈ. થોડીવાર પછી જય અને રવિની લાશ મળી. હું એકદમ ભયભીત થઈ ગયો. સમજાયું જ નહીં કે આ શું થઈ રહ્યું છે. હું, મયુર, શિવાની અને કાવ્યા અમે ચાર એક સાથે જ હતા જેથી હવે કોઇને કંઇ થાય નહીં. અમે જંગલમાં આ શું થઈ રહ્યું છે એ સમજી શકતા ન હતા. થોડીવારમાં મયુર અને કાવ્યા ગાયબ થઇ ગયા. મારો જીવ મુંજાઈ રહ્યો હતો. મારા મિત્રો ગાયબ થઇ ગયા અને અમુક ની લાશ મળી. મગજ કામ કરતું બંધ થઈ ગયું અને શ્વાસ ચડવા લાગ્યો. થોડીવાર પછી શિવાની જમીન પર પડી હતી અને એના મોઢા પર લોહી હતું. આ બધું જોઈને હું સમજી શકતો ન હતો અને ખૂબ જ ડરી ગયો હતો. હવે હું એક જ વધ્યો હતો. હું ત્યાંથી બહાર તરફ દોડ્યો અને અચાનક મારી સામે કાવ્યાની લાશ આવી. હું વધુ ડરી ગયો ત્યાંથી ભાગ્યો અને આગળ જઈને મેં ધારાને જોઈ. જેની મેં લાશ જોઇ હતી. હું સમજી ન શક્યો કે આ બધું શું ચાલી રહ્યું છે. ધારા મને મારવા મારી પાછળ દોડી એણે મને મારવાના ખૂબ પ્રયત્ન કર્યા. મેં બચવાનો પ્રયત્ન કરતાં તેના મોઢા પર એક મોટો પથ્થર માર્યો. જેને કારણે તેને વાગ્યું અને તે મૃત્યુ પામી.
જેની લાશ મળી હતી એમને મારી સામે જીવતા જોઈને મને સમજાયું નહીં કે આ કઈ રીતે શક્ય છે?
બધા મારી સામે હસતા હસતા આવી રહ્યા હતા અને ધારાની લાશ જોઇને બધાના ચહેરા પરથી હસી ઉડી ગઈ અને દોડીને મારી પાસે આવ્યા અને કહ્યું કે મારો જન્મદિવસ હોવાથી તે લોકો મને ડરાવીને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. તેઓ મસ્તી કરી રહ્યા હતા પણ હવે ધારા અમારી વચ્ચે રહી નથી.
મસ્તી કરવી સારી વાત છે પણ આ રીતે મસ્તી કરવાથી વ્યક્તિ શું કરી બેસે એ કોઈ સમજી શકતું નથી તેથી કોઈની મસ્તી કરતા પહેલા સો વાર વિચારી લેવું. ઘણીવાર ખોટી રીતે મસ્તી કરવાના કારણે ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.
– આર. કે. ચોટલીયા