અબતક, રાજકોટ

કોરોનાની સહાયમાં મામલતદાર કચેરીઓની તાનાશાહી જોવા મળી છે. MCCD સર્ટીની કોઈ જરૂર ન હોવા છતાં અરજદારો પાસેથી તેની માંગણી કરીને તેને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જો કે આની પાછળ એક માત્ર કારણ છે કે ખુદ મામલતદારો સરકારના નવા જીઆરથી વાકેફ નથી.

સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારોને રૂ. 50 હજારની સહાય આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સરકારી ચોપડે કોરોનાથી મૃત્યુ પામેલ અંદાજે 723 જેટલા લોકોના પરિવારજનોને સહાયની રકમ આપવાની કામગીરી ખૂબ ઝડપી રીતે હાથ ધરી છે. સ્ટાફ દ્વારા રાત ઉજાગરા કરીને આ કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 393 લોકોને સહાય ચૂકવી પણ દેવામાં આવી છે.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા કોઈ અરજદારોને તકલીફ ન પડે તેવી રીતે સહાયની કામગીરી ચલાવવામાં આવી રહી છે. તેઓની ઝડપી કામગીરીને કારણે રાજકોટ જિલ્લો કોરોના સહાય ચુકવવામાં રાજ્યમાં અવ્વલ પણ રહ્યો છે. પરંતુ મામલતદાર કચેરીઓમાં અરજદારોને મુશ્કેલી પડતી હોવાની વિગતો ધ્યાને આવી છે. સરકારે જાહેર કરેલા જીઆરમાં સ્પષ્ટ સૂચના હોય કે કોરોના પોઝિટિવ આવ્યો હોય તે આરટીપીસીઆર રીપોર્ટ કે રેપીડ એન્ટીજન ટેસ્ટ ઉપરાંત ડેથ સર્ટિફિકેટ તંત્રએ સ્વીકારવાનું રહે છે.

Screenshot 8 27

આમ છતાં નવા જીઆરથી અજાણ મામલતદાર કચેરીઓ અને તેના સ્ટાફ દ્વારા કોર્પોરેશનમાંથી એમસીડીએસ સર્ટિફિકેટ લઈ આવવાનું અરજદારોને કહેવામાં આવે છે. જેને પગલે અરજદારોનો કોર્પોરેશનમાં ભારે ધસારો રહે છે.આ ઉપરાંત કોરોનાની સહાય મેળવવા માટે ખુદ મૃતકના પતિ કે પત્નીએ અરજી કરી હોય તેમ છતાં તેને સંતાનોની સંમતિ માટે સોગંદનામું રજુ કરવાનું કહેવામાં આવે છે. હવે સીધા વારસદાર ગણાતા ખુદ પતિ કે પત્ની પાસેથી સંતાનોના સોગંદનામાં માંગવાનો અર્થ શું? સામાન્ય અરજદારોને મામલતદાર કચેરીઓની તાનાશાહીથી ખૂબ મુશ્કેલી પડી રહી હોવાનું ધ્યાને આવ્યું છે.

મામલતદાર કચેરીઓમાં MCCD  સર્ટી ફરજીયાત માંગતા, કોર્પોરેશનમાં અરજદારોનો ધસારો

મામલતદાર કચેરીઓમાં સરકારના જીઆરનો ઉલાળીયો કરીને MCCD સર્ટિફિકેટની માંગણી કરવામાં આવે છે. જેને પગલે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો કોર્પોરેશન ખાતે ખઈઈઉ સર્ટિફિકેટ કઢાવવા આવે છે. મામલતદારોની તાનાશાહીને કારણે લોકો કારણ વગર હેરાન થઈ રહ્યા છે. સામે કોર્પોરેશનમાં પણ સર્ટિફિકેટ માટે દરરોજ મોટી કતારો લાગી રહી છે.

 

કોરોનાની સહાય માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે ?

  1. અરજદારના રહેઠાણમાં પુરાવાની નકલ
  2. અરજદારના આધાર કાર્ડની નકલ
  3. કોવિડ-19 થી મૃત્યુ પામનારના આધાર કાર્ડની નકલ
  4. કોવિડ-19 (કોરોના) પોઝીટીવ આવ્યાનો દાખલો તથા આર.ટી.પી.સી.આર. કે એન્ટીજન ટેસ્ટ રીપોર્ટની નકલ તબીબી સારવારના અન્ય ડોકયુમેન્ટની નકલ જો ઉકત ડોકયુમેન્ટ ન હોય તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા. 29/10/2021 ના ઠરાવની જોગવાઇ મુજબનું સંબંધીત જન્મ મરણ અધિકારીનું પરિશિષ્ટ-ર મુજબનું પ્રમાણપત્ર
  5. મૃત્યુનુ પ્રમાણપત્ર (ડેથ સર્ટીફીકેટ)
  6. કોવિડ-19 (કોરોના) થી મૃત્યુ પામનારના એક કરતાં વધુ વારસદાર હોય તો અન્ય વારસદારોની સંમતિ સાથેનું સર્ટીફીકેટ
  7. જેના બેંક ખાતામાં સહાય લેવાની હોય તે વારસદારના બેંક પાસબુકની નકલ (ખાતા ધારકનું નામ, બેંક ખાતા નંબર આઇ.એફ.એસ.સી કોડ તેમજ બ્રાંચનું નામ સુવાચ્ય હોય તેવી નકલ જોડવી)

 

શું છે નવો જીઆર ? ઇન્ચાર્જ દક્ષિણ મામલતદારનો સામો સવાલ

અમને કલેકટર કચેરીએથી સૂચના મળી નથી, સૂચના મળશે એટલે અમલ કરીશું : ઇન. મામલતદાર સોનપાલ

અબતક દ્વારા મામલતદાર કચેરીના અરજદારોને પડતી અગવડની જાણ કરવા માટે ઇન્ચાર્જ મામલતદાર સોનપાલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે નવા જીઆરનો અમલ કેમ  થતો નથી. ત્યારે તેઓએ સામો સવાલ કર્યો હતો કે નવો જીઆર શુ છે મને ખ્યાલ નથી. જો કે બાદમાં અબતકની ટીમે તેઓને નવા જીઆર વિશે માહિતી આપી હતી. વધુમાં આ ઇન્ચાર્જ મામલતદારે એવા વટાણા વેર્યા કે તેઓને કલેકટર કચેરીએથી કોઈ સૂચના મળી નથી. સૂચના મળશે એટલે તેનો અમલ કરશે. હવે પ્રશ્ન એ થાય છે કે જેને સરકારી જીઆરની પણ જાણ રહેતી નથી તેવા ઇન્ચાર્જ મામલતદારના ભરોષે આખી કચેરી કેમ ચાલતી હશે ?

 

બીજા જિલ્લાના વ્યક્તિનું અહીં મૃત્યુ થયું હોય તેની અરજી લેવામાં પણ ઠાગા ઠૈયા

સરકારી આદેશ અનુસાર બહારના જિલ્લામાં રહેતા કોઈ વ્યક્તિનું જો કોરોનામાં બીજા જિલ્લામાં અવસાન થયું હોય તો જે જિલ્લામાં અવસાન થયું હોય ત્યાં તેનો પરિવારજન સહાય માટે અરજી કરી શકે છે. પણ મામલતદાર કચેરીમાં બહારના જિલ્લાના મૃતકની અરજી લેવામાં આવતી ન હોય તેવી ચર્ચા જાગી છે. આવા અરજદારોને રઝળપાટ થઈ રહી હોવાનું પણ ધ્યાને આવ્યું છે.

મૃતકના પતિ કે પત્નીના નામે સહાયની અરજી આવી હોય તેમ છતાં સંતાનોની સંમતિના સોગંદનામાં કરાવવાનું કહેવામાં આવે છે,  આવું કરવા પાછળનું કારણ શું?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.