કેડબરી ચોકલેટ, ભેંસનું ઘી, શુદ્ધ ઘી, માવો, પેંડા અને મીઠા માવાના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલાયા: ૪૨ કિલો વાસી મીઠાઈનો નાશ
રક્ષાબંધન અને શ્રાવણ માસમાં આવતા તહેવારોમાં મીઠાઈ તથા ફરસાણની માંગ વધુ પ્રમાણમાં રહેતી હોય વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં વાસી મીઠાઈનું વેચાણ કરતા હોવાની ફરિયાદ મળતા આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૩૨ મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૯ને નોટિસ ફટકારવામાં આવી હતી જયારે ૮ સ્થળોએથી નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૩૨ આસામીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત અનહાઈજેનીક કંડીશન, ફરસાણ તળવા માટે એક જ તેલનો વારંવાર ઉપયોગ, અમાન્ય ફુડ કલરનો ઉપયોગ કરતા હોવા સબબ ૮૦ ફુટ રોડ પર વિકાસ ડેરીફાર્મ, સોરઠીયા વાડી મેઈન રોડ પર જય યોગેશ્વર ડેરી ફાર્મ, રાધેશ્યામ ડેરીફાર્મ, ગાયત્રીનગર મેઈન રોડ પર બલરામ ડેરી ફાર્મ, ક્રિષ્ના ડેરીફાર્મ, સહકાર મેઈન રોડ પર જય સીયારામ ફરસાણ એન્ડ સ્વીટ, ઢેબર રોડ પર મોહનભાઈ રામનરેશ હલવાઈ અને જયજલારામ ગાંઠીયા તથા કેવડાવાડી મેઈન રોડ પર અંબિકા ફરસાણને નોટિસ ફટકારવામાં આવી હતી. અહીંથી ૪૨ કિલો વાસી મીઠાઈ અને ૬ કિલો રી-યુઝ તેલનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા કોટેચા ચોકમાં ચોકલેટ કોર્નરમાંથી કેડબરી બોનવીલે બલેન્ડેડ ચોકલેટ, મહાવીર સોસમાંથી ભેંસનું ઘી, ગુંદાવાડી મેઈન રોડ પર કે.બી.પ્રોવીઝન સ્ટોરમાંથી શુદ્ધ ઘી, કેવડાવાડી મેઈન રોડ પર ક્રિષ્ના ઘી માંથી શુદ્ધ ઘી, કોઠારીયા મેઈન રોડ પર ઘનશ્યામ પેંડાવાલામાંથી માવાના પેંડા, હરીધવા માર્ગ પર સીતારામ ડેરીફાર્મમાંથી લુઝ માવો, સોરઠીયા વાડીના બગીચા સામે દિપક પેંડાવાલામાંથી લુઝ માવાના પેંડા અને કોઠારીયા રોડ પર જય યોગેશ્વર ડેરી ફાર્મમાંથી લુઝ મીઠા માવાનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.