જામનગર નજીકના શાપરના એક શખ્સ સામે ગેરકાયદે હથિયાર રાખવા ઉપરાંત મિલકતને નુકસાન કરવા અને મારામારીના ત્રણ ગુન્હા નોંધાયા પછી ગઈકાલે એલસીબીએ પાસાના વોરંટની બજવણી કરી તેને સુરત જેલમાં મોકલી આપ્યો છે.
જામનગરના તથા ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમજ સિક્કા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન મારામારી, મિલકતને નુકસાની તેમજ ગેરકાયદે હથિયાર રાખવાના જુદા જુદા ત્રણ ગુન્હા દાખલ થયા હતા જેમાં જામનગર તાલુકાના શાપર ગામના મનોજ સવદાસ મેર ઉર્ફે સંજયની સંડોવણી જાહેર થઈ હતી.
ઉપરોકત આરોપીની અસામાજિક પ્રવૃત્તિ લક્ષમાં લઈ તેને અટકાવવા માટે જામનગર એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસવડા મારફત જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી તે દરખાસ્ત પર ગઈકાલે જિલ્લા મેજીસ્ટ્રેટે મંજૂરીની સહી કરતા આરોપી મનોજ મેરની એલસીબીએ અટકાયત કરી તેને સુરતની લાજપોર જેલમાં મોકલી આપ્યો છે.આ કાર્યવાહી પીઆઈ આર.એ. ડોડિયાની સૂચનાથી સ્ટાફે કરી હતી.