રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા ઉપરાંત સામાજીક સમસ્યાઓ, વાલી-વિદ્યાર્થીઓના અભ્યાસને લગતા પ્રશ્નો, આધ્યાત્મિક મુદ્દાઓ વગેરે વિષયો ઉપર ચર્ચા અને માર્ગદર્શન માટે છેલ્લા કેટલાય મહિનાઓથી જીનિયસ સંવાદનું આયોજન કરવામાં આવે છે. આ સંવાદ માટે દેશ-વિદેશથી વિષય નિષ્ણાતોને ઓનલાઈન સંવાદ માટે આમંત્રિત કરવામાં આવે છે, જેમાં આગામી રવિવાર ૨૫ ઓકટોબર સવારે ૧૧:૦૦ કલાકે પૂર્વ એર વાયસ માર્શલ શ્રી કપિલ કાક દ્વારા ઈન્ડિયાઝ ચેલેન્જીસ ઇન જમ્મુ એન્ડ કાશ્મીર વિષય ઉપર સંવાદનું આયોજન કરવામાં આવેલ છે.

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી.વી. મહેતાના કહેવા મુજબ કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે. તેના કુદરતી સૌંદર્ય માટે તેને ધરતી પરનું સ્વર્ગ પણ કહેવાય છે. આઝાદી મળ્યા બાદ આટલા વર્ષો પછી પણ જમ્મુ-કાશ્મીરના લોકોની સુરક્ષા, શાંતી, રોજગાર, બાળકોનો અભ્યાસ, જેવી અનેક બાબતોમાં બંધારણની કલમ ૩૭૦ને લીધે આ વિસ્તાર દેશના અન્ય રાજ્યો જેટલો વિકાસ પામ્યો નથી. આ પ્રદેશ માટે સુરક્ષા અને શાંતી હંમેશા સંવેદનશીલ વિષયો રહ્યા છે. તેમાં પણ સંરક્ષણની વાત આવે તો સૈન્યને આ વિસ્તારમાં શાંતી જાળવવા ઘણા પડકારોના સામના કરવા માટે સતર્કતા રાખવી પડે છે, તે પછી ત્યાંના લોકોની સુરક્ષાની બાબત હોય કે પછી આતંકી હુમલાઓનો સામનો કરવાની. ભારત દેશનો આ હિસ્સો હંમેશા આ તમામ વિષયો માટે ચર્ચામાં રહ્યો છે. પડોશી દેશ પાકિસ્તાન સાથેની સરહદને લીધે આ વિસ્તાર સૈન્ય માટે પણ અતી મહત્વનો રહ્યો છે. આ પ્રદેશ હવે જયારે ભારતના અન્ય રાજયોની માફક સમાન દરજજો ધરાવે છે, ત્યારે અહીંના ભારતીયોનો વિકાસ અને તેમને મળતી સવલતો માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા પડશે. આવા અનેક મુદ્દાઓની ચર્ચા કરવા માટે અને ત્યાની પરિસ્થિતીનો ચિતાર આપવા માટે પૂર્વ એર વાયસ માર્શલ કપિલ કાકને આમંત્રિત કરવામાં આવ્યા છે.

સંવાદમાં આમંત્રિત મહેમાન પૂર્વ એર વાયસ માર્શલ કપિલ કાક ભારતીય એરફોર્સના ખુબ ઉચ્ચ હોદા પર રહી નિવૃત થયા છે. તેઓ ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાંથી સફળતાપૂર્વક સ્નાતક થયા બાદ સૌપ્રથમ તેઓ વિંગ કમાન્ડર તરીકે ભારતીય વાયુ સેનાની ફ્લાઈંગ (નેવિગેટર) શાખામાં જોડાયા હતા. તેમણે ૪૫૮૦ કલાકના ઉડયનનો અનુભવ તથા ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં એ ગ્રેડની કુશળતા હાસલ કરી હતી. તેમને એરફોર્સના મહત્વના એવા વી.આઇ.પી સેલમાં મહત્વના હોદા પર ફરજ સોંપવામાં આવી હતી. તેમના કૌશલ્યોથી પ્રભાવિત થઈ ભારત સરકારે તેમને થાઇલેન્ડના બેંગકોક ખાતેના ભારતીય દૂતાવાસમાં પણ ખુબ અગત્યની ફરજ આપી હતી. કપિલ કાકને વર્ષ ૧૯૮૧માં રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા મેડલ અને ત્યાર બાદ વર્ષ ૧૯૯૪ માં અતી વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરથી જોડાય શકાશે. સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા સર્વેને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે અપીલ કરી છે. આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા અને સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.