સરકાર, ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓમાં એક સમાન લેવાનારી નિદાન કસોટીનું મૂલ્યાંકન શાળા કક્ષાએે કરી ગુણની ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે
શૈૈક્ષણિક વર્ષને પૂર્ણ થવામાં દોઢ મહિનો બાકી હોય, બીજા સત્રનુ શૈક્ષણિક કાર્ય કરાવવુ કે નિદાન કસોટીની તૈયારી? શિક્ષકોમાં સવાલ
રાજયભરની સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં આગામી તા.૧૫ થી ૨૨ માર્ચ સુધી પ્રથમ સત્રની નિદાન કસોટી લેવામાં આવશે તેવો પરિપત્ર રાજયના પ્રાથમિક શિક્ષણ વિભાગ અને જીસીઇઆરટી દ્વારા તમામ ડીઇઓ, ડીપીઇઓ અને શાસનાધિકારીને કરવામાં આવ્યો છે. પરંતુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાને દોઢ મહિનો બાકી છે અને હાલ શાળાઓમાં બીજું સત્ર ચાલી રહ્યું હોય બીજા સત્ર નું શૈક્ષણિક કાર્ય કરાવવું કે પ્રથમ સત્રની નિદાન કસોટીની તૈયારી કરાવવી તેવો સણસણતો સવાલ શિક્ષકોમાં ઉઠયો છે.આટલું જ નહીં સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓમાં સાથે એકસમાન લેવાનારી નિદાન કસોટીનું મૂલ્યાંકન શાળા કક્ષાએ કરી ગુણની ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે તેમ પણ પરિપત્રમાં જણાવાયું છે.
બીજી બાજુ તાજેતરમાં ૧૮ ફેબ્રુઆરીથી ધો ૬ થી ૮ માં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે એટલે કે હજુ અઠવાડિયા જેટલો સમય માંડ થયો છે ત્યાં સીધી કસોટીનું આયોજન શિક્ષણ સાથે સંકળાયેલા લોકોના ગળે ઉતરતું નથી. વળી, સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતું હોય પ્રથમ સત્રની નિદાન કસોટી માર્ચમાં લેવાશે તો દ્વિતીય સત્રની કસોટી ક્યારે લેવાશે તે સવાલ પણ ઉઠયો છે.
રાતોરાત નિર્ણયમાં ફેરફાર, પ્રશ્ર્નપત્ર ઝેરોક્ષ કરાવવાની શાળાઓને સૂચના
શિક્ષણ વિભાગના ૨૨ ફેબ્રુઆરીનાપરિપત્રમાં નિદાન કસોટીના પ્રશ્નપત્રો સ્થાનિક શિક્ષણ સમિતિએ પ્રિન્ટ કરીને આપવાના હતાં. તેના બદલે ૨૪ ફેબ્રુઆરીના પરિપત્રમાં શાળા કક્ષાએ ઝેરોક્ષ કરાવવા સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા દર મહિને સામાયિક કસોટી લેવામાં આવે છે. જેના પ્રશ્નપત્રો શાળા ઝેરોક્ષ કરાવે છે. હવે નિદાન કસોટીના પેપર પણ શાળા કક્ષાએ ઝેરોક્ષ કરાવાના હોય સમગ્ર શિક્ષાની વર્ષમાં એક વખત ગ્રાન્ટ આવતી હોય તેમાંથી મોટી રકમ કસોટીના પ્રશ્નપત્રની ઝેરોક્ષ પાછળ જ ખર્ચાઈ જતાં હોવાની ફરિયાદ શિક્ષકોમાં ઉઠી છે.
હજુ ઘણા બાળકો શાળાએ આવતા ન હોય ઉપચારાત્મક શિક્ષણ સામે સવાલ
શિક્ષણ વિભાગના પરિપત્રમાં હજુ ઘણા વિદ્યાર્થીઓ શાળાએ આવતા ન હોવાનું અને નિદાન કસોટી બાદ વિધાર્થીને ન આવડતા વિષયના પ્રશ્નોનું જ્ઞાન શિક્ષકોએ આપવાનું રહેશે તેમ પરિપત્રમાં જણાવાયું છે. આ સ્થિતિમાં પ્રત્યક્ષ શિક્ષણ, નિયમિત શિક્ષણ, નિદાન કસોટી, ઉપચારાત્મક શિક્ષણ એક સાથે શક્ય નથી. નિદાન કસોટી બાદ ઉપચારાત્ક શિક્ષણ કામગીરી હાથ ધરવામાં આવશે ધો.૩ થી ૮ માં હાલ બીજું શૈક્ષણિક સત્ર ચાલી રહયું છે. ધો. ૬ થી ૮ માં ઓનલાઇન તથા શાળામાં અભ્યાસ ચાલી રહ્યો છે. આગામી ૧૫ થી ૨૨ માર્ચ નિદાન કસોટી લેવામાં આવશે. કસોટી બાદ ઉપચારાત્ક શિક્ષણ કાર્ય થશે. ધો. ૩ થી ૫ માં શાળામાં રૂબરૂ પરીક્ષા લેવાશે કે કેમ તેની ગાઇડલાઇન હજુ આવી નથી.