વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં ૧૫ હજાર ઘરોને નળ કનેકશન અપાશે: ૩૦ હજાર નાગરિકોને ડીઆઈ પાઈપલાઈન નેટવર્કનો લાભ મળશે: બે વર્ષમાં કામ પૂર્ણ થશે
રાજકોટ મહાનગર પાલિકામાં આજે ચેરમેન ઉદયભાઈ કાનગડની અધ્યક્ષતામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વોર્ડ નં.૧૨માં તાજેતરમાં મહાપાલિકામાં ભળેલા વાવડી ગામ વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈન નેટવર્ક બિછાવવા માટે રૂ.૨૯.૫૮ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. વાવડીમાં અંદાજીત ૧૫ હજાર ઘરોને ડીઆઈ પાઈપલાઈનમાંથી નળજોડાણ આપવામાં આવશે. જેનો લાભ ૩૦ હજારથી વધુ નાગરીકોને મળશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૨માં વાવડી, ઈન્ડસ્ટ્રીયલ એરીયા, રસુલપરા વિસ્તાર, ગૌતમબુઘ્ધનગર, ભારતનગર, વિશ્ર્વકર્મા સોસાયટી, મહમંદીબાગ, શકિતનગર, બરકાતીનગર, બજરંગનગર, રવેચીનગર, રવેચીપરા સહિતના વિસ્તારોમાં ૪૫૦ મીમી ડાયાડીઆઈ ટ્રાન્સમીટર તથા એમડીપીઆઈ હાઉસ કનેકશન સાથે ૧૦૦-૬૦૦ મીટર ડાયાડીઆઈ ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન પુરી પાડવાના કામનું એસ્ટીમેન્ટ રૂ.૨૬.૬૪ કરોડનું હતું. અમૃત યોજના અંતર્ગત ૧૧ ટકા વધુ ભાવ સાથે આ કામ રૂ.૨૯.૫૮ કરોડમાં કે.એસ.ડી. ક્ધટ્રકશન કંપનીને આપવામાં આવ્યું છે. ડીઆઈ પાઈપલાઈનના નેટવર્ક થકી વાવડી વિસ્તારમાં અંદાજીત ૧૫ હજાર ઘરોને નવું નળ જોડાણ આપવામાં આવશે. જેમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ, ગંદુ પાણી, ડહોળુ પાણી સહિતની સમસ્યાઓમાંથી છુટકારો મળશે. ૩૦ હજાર નાગરીકોને ડીઆઈ પાઈપ નેટવર્કનો લાભ મળશે.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૩૬ દરખાસ્તો પૈકી ૩ દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવી હતી જયારે એક દરખાસ્ત નામંજુર કરવામાં આવી છે. કુલ રૂ.૩૭.૮૭ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.