• ભાવનગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, મહીસાગરમાં ધુળેટી ઉજવ્યા બાદ ન્હાવા જતાં ડૂબી જવાથી 18 મોતને ભેંટ્યા 

રંગોનો ઉત્સવ માતમમાં તબદીલ થયો હોય તેવા અઢળક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ધૂળેટીના દિવસે ધૂળેટી રમ્યા બાદ નહેરો, નદી, તળાવોમાં જઈને ન્હાવાનો ક્રેજ વધ્યો છે. ત્યારે સુરક્ષાના અભાવે અનેક વખત મોટી દૂર્ઘટના ઘટી છે. આવી જ દુર્ધટના ખેડા, ભાવનગર, બનાસકાંઠા, મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ અને વલસાડ જિલ્લામાંથી સામે આવી છે. જેમાં ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં ન્હાવા પડેલા 5 પૈકી 3 વિદ્યાર્થીઓ ડૂબતા ત્રણેયના મોત નિપજ્યા છે. ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે. પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે. મહીસાગરના વિરપુરમાં એક બાળક ખેત તલાવડીમાં ડૂબી જતાં મોત થયું છે. વલસાડની પાર નદીમાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. જ્યારે કડીની લુણાસણની કેનાલમાં ડૂબી જતા એક યુવક મોતને ભેટ્યો છે. જ્યારે કલોલની ઉનાલી કેનાલમાં ડૂબેલા ચાર લોકો લાપતા થયાં બાદ કુલ 3ની લાશ મળી આવી છે. ઉપરાંત અમદાવાદની ભાડજ કેનાલમાં ડૂબી જવાથી એક જ પરીવારના 5 લોકોના મોત થયાં છે. આમ રાજ્યમાં ડુબી જવાથી કુલ 18ના મોત થતાં તહેવાર ટાણે માતમ છવાયો છે.

ઉપરાંત જુદા જુદા માર્ગ અકસ્માતમાં કુલ 8 લોકોના કરુણ મોત નીપજ્યા છે. જયારે રાજકોટમાં ટ્રેનની અડફેટે બે લોકો મોતને ભેંટ્યાના સમાચાર સામે આવ્યા છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ પાસે આવેલા ચેકડેમમાં નહાવા પડેલા રવિ મકવાણા, મુકેશ મકવાણા તેમજ અન્ય રવિ કુડેચાનું ડૂબી ગયા હતા. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગે ચેકડેમમાંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રંગોના આ પર્વ પર ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત નીપજતા ભાવનગર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગાંધીનગરના કલોલ તાલુકાના ઉનાલી ગામ નજીક સાણંદ જવાના રોડ ઉપર નર્મદા કેનાલમાં કુલ પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં ચારની શોધખોળ હાથ ધરવામાં આવતા કુલ ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. જે પૈકી એક મૃતદેહ અજાણ્યા શખ્સનો છે જે 10 દિવસ પહેલા ડૂબી ગયાનું અનુમાન છે જયારે બે મૃતદેહ લાપતા પરીવારના સભ્યના છે. અન્ય લાપતા મૃતદેહ શોધવા અમદાવાદના થલતેજ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયુ સાધનો અને તરવૈયાઓ કરવામાં આવી રહી છે.

વલસાડની ઘટના અંગે મળતી માહિતી મુજબ પારડી તાલુકાના રાણા સ્ટ્રીટમાં રહેતો યુવકનું આજે રંગોત્સવની ઉજવણી કરીને પાર નદીમાં ન્હાવા માટે ગયો હતો. જ્યાં અચાનક નદીમાં ડૂબી જતા તુરંત નજીકના ચંદ્રપુર ગામના તરવૈયાઓએ તેને બહાર કાઢીને સી.પી.આર આપવાની કોશિશ કરી હતી. પરંતુ યુવકનું મોત થયું હતું સમગ્ર ઘટનાને પગલે પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં બનેલી ઘટનાને વિગતવાર જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બાલારામ નદીમાં ડીસાના બે યુવકો ધૂળેટીનો પર્વ મનાવી ન્હાવા માટે પડ્યા હતા. જે ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તુરંત સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ પાલનપુર પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં ડૂબી જતાં એક બાળકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ વિરપુર તાલુકાના ખરોડ ગામના રણજીતપુરા કંપાણી સીમમાં ખેત તાલાવડી હતી, જેમાં એક બાળક હાથ પગ ધોવા માટે ગયો હતો. જેનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર ખેત મજૂરી કરી રહેલા શ્રમિક પરિવારનું આ બાળક હતું. સમગ્ર બનાવ બનતા વિરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસેમાં વિરપુર તાલુકામાં ડૂબી જવાની આ બીજી ઘટના બની છે. હોળીના આગલા દિવસે વિરપુર પાસેના અણસોલ્યા તળાવમાં ત્રણ મિત્રો નાહવા પડ્યા હતા જેઓનું પણ ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

કરુણાંતિકા : અમદાવાદમાં ભાડજ હરેકૃષ્ણ મંદિર પાસે કેનાલમાં ડૂબતા એક જ પરીવારના 5 સભ્યોના મોત

અમદાવાદમાં ભાડજ હરેકૃષ્ણ મંદિર પાસે આવેલી કેનાલમાં 5 લોકોના ડૂબવાથી મોત નિપજ્યા છે. આ તમામ પરિવારજનો ધૂળેટીનો પર્વ હોવાથી કડી જવા નીકળ્યા હતા અને રસ્તામાં ભાડજમાં કેનાલમાં હાથપગ ધોવા માટે ઉતર્યા હતા અને એ દરમિયાન એક વ્યક્તિનો પગ લપસ્યો અને તે ડૂબવા લાગતા અન્ય બે લોકો તેને બચાવવા કેનાલમાં પડ્યા હતા. જો કે ધસમસતા પાણીના પ્રવાહમાં એ બંને પણ ડૂબવા લાગતા અને અન્ય બે લોકો પણ તેમને બચાવવા દોડ્યા હતા અને પાંચેય લોકોના ડૂબવાથી મોત નિપજ્યા છે. આ પરિવાર અમદાવાદના સોલા વિસ્તારમાં રહે છે અને છૂટક મજૂરી કામ કરતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પરિવારજનો ધૂળેટીનો પર્વ હોવાથી અહીં આવ્યા હતા. બપોરના ત્રણ વાગ્યા આસપાસ આ ઘટના ઘટી હતી. ડૂબેલા લોકોમાં બે મહિલા, 2 પુરુષ અને એક યુવકનો સમાવેશ થાય છે. ફાયર બ્રિગેડે એક 22 વર્ષિય યુવકને કેનાલ બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો. જો કે તેનુ પણ સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય 4ની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ શરૂ છે.

વિદ્યાર્થીઓનું ગ્રુપ ધુળેટી ઉજવવા વડતાલ આવ્યું : ગોમતી તળાવમાં ન્હાવા પડતા 3 આશાસ્પદ યુવાનોનું મોત

વડતાલ ખાતે 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ ધૂળેટી રમવા આવ્યું હતું. વડતાલ સ્થિત ગોમતી તળાવમાં આ 12 પૈકી 5 વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા હતા. જેમાં આ 5 વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા અને બુમરાણ મચાવતા સાથે આવેલા વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોએ 2 વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. જ્યારે 3 વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં લાપતા બન્યા હતા.પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વિધાનગરની એમ.વી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓનું આ ગ્રુપ હતું. ગ્રુપના લગભગ 12 લોકો ધૂળેટી રમ્યા બાદ અહીયા આવ્યા હતા અને ન્હાવા સમયે પગ લપસતાં ઘટના બની હતી.

માર્ગ અકસ્માતમાં 8 જયારે ટ્રેનની ઠોકરે બે યુવકોનું મોત

ધુળેટી પર્વે બનેલી ઘટનાઓમાં માર્ગ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત નીપજ્યા હતા. જયારે ટ્રેનની ઠોકરે બે યુવાનોનું મોત થયું છે. અલગ અલગ બનાવોની વાત કરવામાં આવે તો રાજકોટના માલધારી ફાટક પાસે બે જુદા જુદા બનાવોમાં બે યુવાનો ટ્રેનની ઠોકરે ચડતા મોતને ભેંટ્યા છે. જ્યારે રાજકોટ-ચોટીલા હાઇવે પર એમ્બયુલન્સને અકસ્માત નડતા બે મહિલા સહીત ત્રણ લોકોના મોત થયાં છે. હળવદ ખાતે બાઈક ચાલકને અકસ્માત નડતા બે વૃદ્ધ મિત્રોને કાળનો ભેંટો થયો હતો. મોરબીમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવાનનું, રાજકોટમાં છકડાએ ઇલેક્ટ્રિક સ્કૂટરના ચાલકને ટક્કર મારતા આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. અન્ય બનાવમાં પડધરીથી જામનગર જતાં ભત્રીજાના બાઈક પર બેસીને જતાં કાકી અચાનક નીચે પટકાતા મોત નીપજ્યું હતું.

રાજકોટ-ચોટીલા હાઇવે પર એમ્બ્યુલન્સને અકસ્માત નડતાં બે મહિલા સહિત ત્રણ મોતને ભેટ્યા

દર્દીને રાજકોટ સારવાર અર્થે લાવતી વેળાએ એમ્બ્યુલન્સ ટ્રક પાછળ ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત

11111

અબતક, શબનમ ચૌહાણ, રણજીતસિંહ ધાંધલ, ચોટીલા

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર અકસ્માતોની હારમાળા સર્જાઇ હોય તેવા પ્રકારે અકસ્માતોની ઘટના બની રહી છે ત્યારે આજે વધુ એક વખત રાજકોટ ચોટીલા હાઇવે ઉપર અકસ્માતની ઘટના બની છે જેમાં ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા છે મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આવેલી આપાગીગાની જગ્યા નજીક અકસ્માત સર્જાયો છે. એમ્બ્યુલન્સ ટ્રક પાછળ ઘૂસી ગઈ છે ત્યારે એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફ એમ્બ્યુલન્સ જઈ રહી હતી તે દરમિયાન આપાગીગાના ઓટલા નજીક ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ધડાકા ભેર અથડાય છે અને એમ્બ્યુલન્સમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે ચોટીલા થી દર્દીને રાજકોટ રિફર કરવાનો હતો ત્યારે વહેલી સવારે એમ્બ્યુલન્સ મારફતે તેને ચોટીલા રિફર કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે ત્યારે આ અકસ્માતમાં જે દર્દી છે તે બચી ગયો છે અને તેની સાથે રહેલા પાયલબેન મકવાણા (ઉ.વ.18) અને ગીતાબેન મિયાત્રા (ઉ.વ.45)નું મોત નીપજવા પામ્યું છે.

સાથો સાથ જે એમ્બ્યુલન્સના ડ્રાઇવર છે તે વિજયભાઈ બાવળિયા નું પણ મોત થઈ ગયું છે અને આ સંદર્ભે પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ અને તાત્કાલિક તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આગળ જતા ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ છે અને આ પ્રકારની ઘટના બની હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે ઘટનાને લઈ ટ્રક ચાલક ફરાર બન્યો છે તેની પણ શોધ ખોળ હાથ ધરવામાં આવી રહી છે ચોટીલા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી જઈ અને ત્રણ મૃતદેહોને એમ્બ્યુલન્સ માંથી બહાર કાઢવામાં આવ્યા છે.

ત્રણેય મૃતદેહોને પીએમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પરિવારજનોને જાણ કરવામાં આવી છે આ અકસ્માતમાં વિજયભાઈ બાવળિયા પાયલબેન મકવાણા અને ગીતાબેન મિયાત્રા નું મોત નીપજવા પામ્યું છે ત્યારે પરિવાર પણ શોક મગ્ન બન્યો છે જોકે આ અકસ્માતમાં જે દર્દી છે એમ્બ્યુલન્સમાં સવારે તે બચી ગયા છે તેમને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ને ત્યાં તેમની વધુ સારવાર કરવામાં આવી રહી છે અકસ્માતને લઈ અને હાઇવે પણ પ્રભાવિત બન્યો છે ત્યારે હાઇવે ઉપર ટ્રાફિકજામ ન થાય તે પ્રકારના પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

એમ્બ્યુલન્સ ડ્રાયવરનું મોત થતાં પરિવાર નોંધારો

દર્દીને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો છે. ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા છે ત્યારે એમ્બ્યુલન્સ ડ્રાઇવર વિજયભાઈ બાવળીયા (ઉ.વ.39)નું મોત થતા તેમનો પરિવાર નોંધારો બન્યો છે. ખાસ કરીને નાના પરિવારમાંથી વિજયભાઈ આવી રહ્યા હતા અને એમ્બ્યુલન્સ ચલાવી પોતાનું જીવન ધોરણ ગુજારી રહ્યા હતા અને પરિવારનો જીવન નિર્વાહ કરી રહ્યા હતા. પરંતુ તેમનું પણ આજે અકસ્માતમાં મોત નીપજવા પામ્યું છે ત્યારે પરિવાર પણ નોંધારો બન્યો છે સાથો સાથ અકસ્માતમાં બે મહિલાઓના પણ મોત નીપજવા પામ્યા છે આ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ ધરી છે.

અકસ્માતમાં દર્દીનો આબાદ બચાવ: પરિજનોના મોત

ચોટીલા હોસ્પિટલમાંથી દર્દીને રાજકોટ રિફર કરવામાં આવી રહ્યો હતો ત્યારે એમ્બ્યુલન્સ મારફતે તેને રિફર કરવામાં આવ્યો હતો ત્યારે આપાગીગાના ઓટલા નજીક અકસ્માત સર્જાયો છે ટ્રક પાછળ ઘૂસી જતા ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા છે જેમાંવિજયભાઈ બાવળિયા પાયલ બેન મકવાણા અને ગીતાબેન મિયાત્રાનું અકસ્માત માં મોત થયું છે પરંતુ જે એક કહેવત છે કે રામ રાખે એને કોણ ચાખે તે પ્રકારે આ કહેવત સાચી પડી છે દર્દી બચી ગયા છે અને તેમને વધુ સારવાર માટે હવે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ જ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ટ્રકચાલકની શોધ પણ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.