ફાગણ માસમાં હોળી-ધુળેટી પર્વની નજીક ‘હોલી કે રસિયા’ ધાર્મિક ઉત્સવ દબદબાભેર ઉજવાતો હોય છે અને આ ઉત્સવમાં વ્યાપક પ્રમાણમાં ગલગોટા, બેરી અને ગુલાબ સહિતના ફૂલોનો ઉપયોગ થતો હોય છે. હોલી કે રસિયા જે વિસ્તારમાં ધાર્મિક ઉત્સવ ઉજવાતો હોય. ત્યાં ફૂલોના કારણે મહેક પ્રસરી જતી હોય છે, પરંતુ સરકારે ચૂંટણી પર્વ ધામધૂમપૂર્વક ઉજવી લીધા બાદ ધાર્મિક ઉત્સવ ઉપર કોરોનાએ એકાએક બ્રેક લગાવી દેતા તેની અસર ફૂલની ખેતી કરતા ખેડૂતો અને વ્યાપારીઓ પર પડવા પામી છે.
ફૂલોના વ્યવસાયમાં આવેલી વ્યાપક મંદિ અંગે શહેરના જેતપુર રોડ ઉપર શ્રીરામ પુષ્પમ ફૂલની દુકાન ધરાવતા દિનેશભાઈ બોઘરા, વિષ્ણુ પુષ્પમના ખીમજીભાઈ સાકરીયા, તુલસી ફ્લાવર્સના મયુરભાઈ રૈયાણી અને અમૃત ફ્લાવર વાળા જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દસ વર્ષ પહેલા ગોંડલ શહેર પંથક ફૂલો માટે અમદાવાદ વિસ્તાર ઉપર આધારિત હતું. છેલ્લા એક દાયકાથી ગોંડલ શહેર પંથકમાં વિવિધ ફૂલોની ખેતી થવા લાગી હોય જરૂરિયાત પ્રમાણમાં ઘર આંગણે જ ફૂલો મળી રહે છે, પરંતુ હાલ વર્તમાન સમયે વેપારીઓ અને ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ ખરાબ થવા પામી છે.
સરકારી પ્રતિબંધના કારણે ધાર્મિક ઉત્સવો લગ્ન પ્રસંગો બંધ થયા છે. ફૂલોની જરૂરિયાત ઘટી છે જેની સામે ખેતરમાં ઉભેલા મનમોહક ફુલો ઉતારવાની મજૂરી પણ મોંઘી પડી રહી છે. ખેડૂતોને ગુલાબના ફૂલ 55 રૂપિયા કિલો પડતર થાય છે. જેની સામે બજારમાં રૂપિયા 20 કિલો લેખે વેચાતા હોય 35 રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને જો ફૂલોને સમયસર ઉતારી લેવામાં ન આવે તો મોલ ખરાબ થઈ જાય છે. મોટાભાગના ખેડૂતોએ સફેદ ફૂલના છોડ ખેતરમાંથી કાઢવાનું શરૂ કરી દીધું છે, ફૂલોથી રમાતી હોળી રંગ અને સુગંધ વિહોણી થઈ ગઈ છે.