આણંદપર ગામની મહિલાઓએ એનઆરએલએમ યોજનાનો લાભ મેળવી રૂ.1લાખની લોનની સહાયથી પ્રાકૃતિક ખેતી અપનાવી
દર વર્ષે સમગ્ર વિશ્વમાં 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ છે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવી. આપણી સંસ્કૃતિમાં નારી મહિમા અનન્ય રીતે કરવામાં આવ્યો છે. નારીનું જ્યાં ગૌરવ જળવાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો અતિ મહત્વનો રહ્યો છે.
ગુજરાત રાજ્યમાં મહિલાઓ સન્માનભેર, સ્વાવલંબી, પગભર અને ગૌરવપૂર્ણ જીવનની અધિકારી બને તે દિશામાં કામગીરી થઈ રહી છે. ત્યારે વાત કરીશું સરકારના સહકાર થકી પગભર બનેલી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામની મહિલાઓની. જેઓએ સખી મંડળની રચના કરી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આજુબાજુના ગામડાઓની મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે સ્વ સહાય જુથની રચના કરીને મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે. આણંદપર ગામે રહેતા જીજ્ઞાબેન જેસડિયાએ વર્ષ 2020માં 10 મહિલાઓ સાથે મળીને શ્રી આઈ ખોડલ સખી મંડળની રચના કરી છે. બાદમાં તેઓએ બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવતી તાલીમ મેળવી. અને સરકારના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (એનઆરએલએમ) યોજનાનો લાભ મેળવ્યો. જેના થકી બેંક મારફતે રૂ.1 લાખની લોન મેળવીને મહિલાઓએ પ્રાકૃતિક ખેતી અપનાવી.
સખી મંડળની મહિલાઓએ સ્ટ્રોબેરી અને કમલમ (ડ્રેગન ફ્રૂટ) ફળની તેમજ શાકભાજીની ખેતી અપનાવી. પરંતુ આણંદપર ગામમાં કોઈ નર્સરી ન હોવાથી મહિલાઓએ નર્સરીની શરૂઆત કરી છે. જેમાં તેઓ નાળિયેરી, સ્ટ્રોબેરી, ગુલાબ, સફરજન, આંબો જેવા ફળ ફૂલોના રોપાઓ બનાવી તેનું વેચાણ કરે છે. અને સ્ટ્રોબેરી માંથી જામ અને જેલી તથા કમલમ ફળમાંથી સુગર ફ્રી અને ડ્રાય ચિપ્સ બનાવે છે.
જેના થકી આજુબાજુના અન્ય ગામડાઓની મહિલાઓને પણ રોજગારી મળી રહે છે. અને રિટેલ માર્કેટમાં મહિલાઓએ બનાવેલી ઓર્ગેનિક પ્રોડક્ટના સારા ભાવ મળવાથી તેઓ વર્ષના રૂ.3 લાખ જેટલી આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે.
સ્ટ્રોબેરીની ખેતી કરી જામ-જેલી બનાવીને રિટેલ માર્કેટમાં વેચીએ: જીજ્ઞાબેન જેસડિયા
આણંદપર ગામના જીજ્ઞાબેન જેસડિયા જણાવે છે કે અમે 10 બહેનો મળીને સખી મંડળ ચલાવી છીએ. બધા બહેનો મળીને નર્સરી ચલાવે છે તેમજ પ્રાકૃતિક ખેતી કરે છે. સ્ટ્રોબેરીની ખેતી કરી સ્ટ્રોબેરી માંથી જામ અને જેલી બનાવીને રિટેલ માર્કેટમાં જ વેચાણ કરી છીએ. સખી મંડળ શરૂ કર્યા બાદ અમને થયું કે આજુબાજુમાં નર્સરી નથી તો નર્સરી બનાવવાનો વિચાર આવ્યો. અને સ્વ સહાય જુથ બનાવ્યા બાદ અમને રૂ.1 લાખની લોન આપવામાં આવી છે.
સખી મંડળ ચલાવતા તે પહેલા અમારી વાર્ષિક આવક રૂ.30 હજાર હતી. અત્યારે રૂ.3 લાખ છે. મહિલા દિવસ નિમિતે હું મહિલાઓને કહેવા માંગુ છું કે દરેક મહિલાઓએ પગભર થવું જોઈએ. સખી મંડળમાં આવ્યા બાદ અને સરકારની સહાય બાદ અમે આગળ આવ્યા છીએ અને પોતાના પગભર થયા છીએ. સરકાર મહિલાઓને આગળ લાવવા માટે જે સહાય આપે છે તે બદલ હું સરકારની ખૂબ આભારી છું.