સાથી મિત્રોની મોડસ ઓપરેન્ટી જોઈ નબીરાઓ આડા રસ્તે ચડ્યા
અબતક સંજય ડાંગર ધ્રોલ
ધ્રોલમાં સાથી મિત્રોની મોડસ ઓપરેન્ટી જોઈને પોતે પણ ડીઝલ પુરાવી પૈસા દીધા વગર નાસી જઈ આડા રસ્તે ચડેલા રાજકોટના બે કોલેજીયનને પોલીસે દબોચી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ પોલીસ મથક વિસ્તારમાં સણોસરા ગામના પાટિયા પાસે આવેલા પેટ્રોલ પમ્પમાં ચારેક દિવસ પહેલા લકઝરી કાર જીપ કંપાસ લઈને આવેલા બે શખ્સોએ કારમાં ડીઝલની ફૂલ ટાંકી કરાવી પૈસા આપ્યા વગર જ નાસી જતા પોલીસે સીસીટીવીના આધારે બંને આરોપીઓને દબોચી લીધા હતા.
ધ્રોલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આર.એમ.ઝાલા સહિતના સ્ટાફે રાજકોટમાં શક્તિ પાર્ક કુવાડવા રોડ પર રહેતાં મિહિર અતુલ પડાળીયા અને જયરાજ પ્લોટમાં રહેતા રિધમ વિપુલ જોષી નામના બંને કોલેજીયન શખ્સોએ ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીના મિત્ર વર્તુળમાં અમુક નબીરાઓ પેટ્રોલ પંપે પૈસા આપ્યા વગર નાસી જતા હોવાથી આ બંને નબીરાઓ પણ આડા રસ્તે ચડ્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બાતમીના આધારે લૈયારા ગામ પાસેથી પોલીસે લક્ઝરી કાર સાથે જ બંને નબીરાઓને દબોચી કાયદાનું ભાન કરાવ્યું હતું. જ્યારે બંને શખ્સો કોલેજીયન હોવાથી પોલીસે પણ હળવાશની નીતિ અપનાવી બંનેને સમજણ આપી હતી.