વહેલી સવારે ઉંઘમાં ચાલતા ઠેસ આવતા બાળકને ઇજા થઇ હોવાનું પ્રાથમિક તારણ સગીરના મોતનું કારણ જાણવા માટે મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
રાજ્યભરમાં કોરોના કાળ બાદ નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવો બેફામ વધ્યા છે તેની વચ્ચે આજરોજ ધ્રોલમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સૈનિક શાળામાં અભ્યાસ કરતો રાજકોટના બાળકને ઊંઘમાં ચાલવાની બીમારીના કારણે વહેલી સવારે ઠેસ આવતા પડી ગયા બાદ મોત નિપજ્યું હતું. તબીબ અને પોલીસને જે બાબતે શંકા વ્યકત થતા બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં 80 ફૂટ રોડ પર સાગર હોલ પાસે હરિધવા સોસાયટીમાં રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગીરીશભાઈ ભરતભાઈ સોરઠિયાના 12 વર્ષીય પુત્ર વ્રજ સોરઠીયાનું ધ્રોલ ખાતે સૈનિક શાળાના એડમિશન માટે તૈયારી કરતા ક્લાસીસમાં શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું હતું.
આ અંગે મળતી વધુ વિગત મુજબ મૃતક વ્રજ એક મહિનાથી ધ્રોલના રાજેન્દ્ર બારડના ઘરે રહીને સૈનિક શાળાની પરીક્ષા માટે તૈયારી કરતો હતો. વ્રજ અગાઉ પણ 1 વર્ષ રાજેન્દ્રભાઈના ઘરે રોકાઈ ગયો હતો. વ્રજને ઊંઘમાં ચાલવાની બીમારી હતી જેના કારણે તે આજરોજ વહેલી સવારે ઊંઘમાં ચાલતા ચાલતા ઠેસ આવતા પડી ગયો હતો. જેથી રાજેન્દ્રભાઈ તેને ઉઠાડવા જતા તે બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક ધ્રોલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવારમાં જ બાળકે દમ તોડયો હતો. આ અંગે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે ધ્રોલ પોલીસ મથકમાં જાણ કરતા ધ્રોલ પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો અને તબીબ અને પોલીસે મોત અંગે શંકા વ્યક્ત કરતા બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. મૃતક બાળક વ્રજ એક ભાઈ એક બહેનમાં નાનો હોવાનું અને ધોરણ 6માં અભ્યાસ કર્યો હોવાનુ જાણવા મળ્યું છે.
વ્રજ છેલ્લા એક માસથી વ્રજ ધ્રોલ રાજેન્દ્રભાઈ બારડના ઘરે રહીને સૈનિક શાળાની પરીક્ષાની તૈયારી કરતો હતો. એક સપ્તાહમાં વ્રજ ગુરુવારે અને રવિવારે રાજકોટ પરિવાર સાથે વાતચીત કરી હતી. જેમાં આખરે વ્રજે પોતાના પિતા ગિરીશભાઇને માટે ધ્રોલ અભ્યાસ નથી કરવો તેવું જણાવ્યું હતું. પોલીસે તમામ મુદ્દાઓની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, તબીબ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને ઊંઘમાં ચાલવાની બીમારી હોય તો તે વૈચારિક મનના કારણે હોય શકે. એટલું જ નહિ પરંતુ જે વ્યક્તિને ઊંઘમાં ચાલવાની બીમારી ધરાવતો હોય તે વધીને 5 મિનિટ સુધી ચાલી શકે છે તે ઉપરાંત કોઈ દીવાલ કે વસ્તુ સાથે ટકરાતા તુરંત ઊંઘમાંથી ઉઠી જાય છે. જેના કારણે સગીર વ્રજનું મોત નીપજતાં તેમાં ઊંડાણ પૂર્વક તપાસ માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે કરવામાં આવશે.
ધ્રાંગધ્રાના બાવડી ગામે કબૂતરને બચાવવા જતાં કરંટ લાગેલા બાળકનું મોત
ધાંગધ્રા તાલુકાના બાવડી ગામે રહેતા વિપુલભાઈ જકશીભાઈ જખાણીયા નામનો 10 વર્ષનો બાળક ગત તારીખ 10મી ઓગષ્ટના રોજ સાંજના પોતાના ગામમાં હતો ત્યારે પાડેલું કબુતર સબ સ્ટેશનમાં ફસાયું હતું. જે કબુતરને કાઢવા જતા વિપુલ જખાણીયાને વિજશોક લાગતા બેશુદ્ધ હાલતમાં ઢળી પડ્યો હતો. વિપુલ જખાણીયાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.