2019માં લોકભાગીદારીથી પાણી આપવા ધ્રોલની ત્રણ સોસાયટી, ભવ્યગ્રીન, જ્યોતિપાર્ક, સનસીટી દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. લોકભાગીદારીનાં 20 ટકા રકમ પણ જમા કરેલ છે. છતા પણ હજુ ત્રણ સોસાયટીઓ પાણી સહિતની પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહી છે. તંત્ર તુરંત માંગ સંતોષે નહિં તો રહેવાસીઓ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ હતી.
ધ્રોલના નંદી સામેકાંઠે આવેલી ત્રણ સોસાયટીમાં પીવાના પાણી માટે લોકો વલખા મારે છે અનેક વખત રજૂઆત પણ પાલિકાને કાઈ ફેર પડતો નથી. ભવ્યગ્રીન સોસાયટી, જ્યોતિપાર્ક, સનસીટી સોસાયટીમાં 400 ઘરમાં પાણીનો પ્રશ્ન હલ નથી થતો રજૂઆત કરી કરીને કંટાળી ગયા પરંતુ કોઇ ફેર નથી પડતો. તેવો સોસાયટીના લોકોએ બળાપો ઠાલવ્યો છે. સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ ધ્રોલ પાલિકામાં ધણા બધા એરીયામાં આજે પીવાના પાણીનો પ્રશ્ન છે તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે.
ત્રણ સોસાયટીમાં પાણી આપો, નહિં તો ઉગ્ર આંદોલન કરીશું : કલ્પેશ અઢીયાર ન.પા. વિપક્ષ નેતા
ધ્રોલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કલ્પેશ અઢીયારે જણાવ્યું છે ધ્રોલ વોર્ડનં.6માં ભવ્યગ્રીન સોસાયટી, સનસીટી સોસાયટી અને જ્યોતિપાર્કના રહેવાસીઓ દ્વારા પાણી પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી કે આ વિસ્તારમાં પ્રાથમિક સહુલત જેવી કે રસ્તા, પાણી સહિતની સુવિધાનો અભાવ છે. જેથી લોકોએ જનભાગીદારીથી સાડા ત્રણગણા રૂપિયા એકત્રિત કરી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી. હાલ કાર્ય પૂર્ણ થયા બાદ પણ હજુ લોકોને પાણી મળી રહ્યું નથી. ત્યારે ખાસ અમે નગરપાલિકાનેએ રજૂઆત કરીએ છીએ કે જ્યાં સુધી પાણી પૂરવઠો પૂરો ન પાડે ત્યાં સુધી વૈકલ્પિક માર્ગ એટલે કે ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે. જેથી તમામ વિસ્તારમાં પાણી પહોંચી શકે. રજૂઆત બાદ પણ આ ત્રણ સોસાયટીને પાણી નહિં મળે તો સરકારની તમામ કોરોના ગાઇડલાઇનનું પાલન કરી નગરપાલિકા તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હું જ્યારે ચેરમેન હતો લોકોને અડધી રાતે પણ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડી છે.
આઠ દિવસે એક ટાંકી પાણીના રૂા.300 અમને ક્યાં સુધી પોસાશે? : રહિશ પ્રવિણભાઇ ચનીયારા
‘અબતક’ સાથેની વાતચીતમાં સોસાયટીના રહિશ પ્રવિણભાઇ ચનીયારાએ જણાવ્યું હતું કે સરકારની જનભાગીદારી એટલે ખભે ખભો મિલાવી કામ કરવું. અમારી સોસાયટીમાં 450 મકાનો છે અને તમામ દ્વારા અનેક વખત રજૂઆત કરાઇ છે. પરંતુ નગરપાલિકાને શું પ્રશ્ન છે તે જણાવાતુ નથી. અમારે કેટલો સમય પાણીની ટાંકી મંગાવવી. દરેક મકાન માલિકને અઠવાડિયે રૂા.300ની એક ટાંકી મંગાવવી પડે છે એટલે કે મહિનામાં 1200 રૂપિયાનો વધારાનો ખર્ચ થાય છે તો અમે પણ આ ખર્ચ કેટલો સમય કરી શકીશું? નગરપાલિકા આ અંગે સત્વરે કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.
પાણી પ્રશ્નોનું તંત્ર નિરાકરણ લાવે તે જ માંગ : દેવકણભાઇ ભૂત
દેવકણભાઇ ભૂતે જણાવ્યું કે 2016ની સાલમાં નગરપાલિકા તંત્રને પાણી અંગેની માંગણી કરેલી હતી. ત્યારબાદ તેઓને તંત્ર દ્વારા પૈસા જમા કરવા કહેવામાં આવ્યું, જમા કરાવ્યા છતા હજુ સુધી કામ પૂર્ણ થયું નથી. જેથી અમારી માંગ છે કે તંત્ર પૂર્ણ કામગીરી કરી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે.
2019માં લોકભાગીદારીના 20 ટકા ભર્યા છતા હજુ પાણી મળ્યુ નથી :રામજીભાઇ મુંગરા
રામજીભાઇ મુંગરાએ જણાવ્યું કે ધ્રોલ નગરપાલિકા તંત્ર સમક્ષ લોકભાગીદારીમાં પાણીની લાઇન અંગે માંગણી મુકેલ રજૂઆત સ્વિકાર્યા બાદ 20% પૈસા ભરવા કહેલ. તે પણ અમે ભર્યા. 2019માં અમે પૈસા ભર્યા છે. છતા હજુ અમને પાણી મળ્યું નથી. ઉપરાંત ભુગર્ભ ગટરનાં પ્રશ્નો પણ હજુ યથાવત છે.
અમારી સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ શૂન્ય છે :રમેશભાઇ ગડારા
રમેશભાઇ ગડારાએ જણાવ્યું કે ઘણા વર્ષોથી અમે પાણી માટે હેરાન થઇએ છીએ. અમને મીઠા-મીઠા જવાબ આપવામાં આવે છે. સરકાર પાણીની સુવિધા આપે જ છે. પરંતુ અમારા સુધી પાણી કે ગટરની કોઇ જ સુવિધા પહોંચી નથી. અત્યારે અમારી સોસાયટી પ્રાથમિક સવલતોની બાબતમાં શૂન્ય છે.
ખોટા વાયદા બહુ થયા, હવે પાણી ક્યારે મળશે : રહેવાસી
સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું કે સરકારની જનભાગીદારી એટલે ખંભે ખભા મિલાવી કામ કરાવું. અમારે 450 મકાનો છે. અમે તૈયાર છીએ નગરપાલિકા સહિત ગાંધીનગર સુધી રજૂઆત કરવા માટે પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઇ જ જવાબ આપવામાં આવ્યો નથી. મત માટે સોસાયટીમાં આવો છો પરંતુ પાણી પ્રશ્નોના નિવારણ માટે કેમ નહિં.