બાલંભાના ઉપસરપંચની રેતીની લીઝના પ્રશ્ર્ને ચાર શખ્સોએ કરી હત્યા
લીઝ ચાલુ રાખવી હોય તો અમને પૈસા આપવા પડે તેમ રહી બંદુકમાંથી ફાયરિંગ કરી ઢીમઢાળી દીઘું: ઓફિસમાં તોડફોડ કરી ચારેય શખ્સો ફરાર
જોડીયા નજીક આવેલા બાલંભાના ઉપસરપંચની રેતીની પ્રશ્ર્ને ચાર શખ્સોએ બંદુકથી બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કર્યાની અને કોમ્પ્યુટર ઓપરેટર પર ધારિયાથી હુમલો કરી ચારેય શખ્સો ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. રેતીની લીઝ ચાલુ રાખવી હોય તો ખંડણી આપવી પડશે તેવી અવાર નવાર ધમકી દીધા બાદ હત્યા કરી ચારેય શખ્સો ફરાર થતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાલંભા ગામે રહેતા ઉપસરપંચ કાંતીભાઇ રામજીભાઇ માલવીયા પર અયુબ જુસબ જસરાયા, અસગર હુસેન કમોરા અને બે અજાણ્યા શખ્સોએ બંદુકમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કર્યાની મૃતક કાંતીભાઇ માલવીયાની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા નિલેશ કરશનભાઇ માલવીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક કાંતીભાઇ માલવીયા બાલંભા ગામના ઉપસરપંચ છે તેઓએ નદીમાંથી રેતી ઉપાડવા અંગેની લીઝ મેળવી હોવાથી તેના જ ગામના અયુબ જસરાયા અને અસગર કમોરા નામના શખ્સોને સારૂ ન લાગતા છેલ્લા બે-ત્રણ દિવસથી અવાર નવાર ધમકી દેતા અને રેતીની લીઝ ચાલુ રાખવી હોય તો અમોને ખંડણી આપવી પડશે તેમ કહેતા હતા. દરમિયાન ગઇકાલે ઉપસરપંચ કાંતીભાઇ પોતાની ઓફિસે હતા ત્યારે ચારેય શખ્સોએ બે બંદુક અને ધારિયા સાથે ઓફિસે ઘસી આવ્યા હતા. ચારેય શખ્સો માથાકૂટ કરશે તેવા ડરના કારણે કોમ્પ્યુટર ઓપરેટર નિલેશ માલવીયાએ ઓફિસનો દરવાજો બંધ કરી દેતા ઓફિસની બારીમાંથી બંદુકનું નાળચું નાખી કાંતીભાઇ પર પ્રથમ અયુબ જસરાયાએ અને ત્યાર બાદ અસગર કમોરાએ ફાયરિંગ કરી હત્યા કરી ઓફિસના દરવાજો તોડવા પ્રયાસ કર્યો હતો.
ઓફિસની બારી બંધ કરવા માટે નિલેશ માલવીયાએ પ્રયાસ કર્યો ત્યારે અજાણ્યા શખ્સે હાથમાં ધારિયું મારતા તેને જામનગર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે નિલેશ માલવીયાની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.