મોરબી તાલુકાના ટંકારા નજીક વિરવાવ ગામ માં રહેતા એક તરફી પ્રેમીએ ધ્રોળની શિક્ષિકાને મોબાઈલ ફોનમાં ધમકી આપી તમારી પુત્રી સાથે મારા લગ્ન કરાવી આપો! તેના વિના નહી રહી શકું, અને જો લગ્ન નહીં કરાવો તો તમારા સમગ્ર પરિવારને છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી અને પુત્રી પાછળ ખર્ચ કરેલા રૂપિયા બે લાખની માંગણી કર્યા ની ફરિયાદ ધ્રોળ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
ટંકારાના વીરવાવ ગામના શખ્સે તારી પુત્રી પાછળ ખચેલા બે લાખની માંગણી કરી
આ ફરિયાદ અંગેના બનાવ ની વિગત એવી છે કે ધ્રોળમાં પંચવટી સોસાયટીમાં રહેતી અને ધ્રોળ તાલુકાના ભેંસદડ ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક શિક્ષિકા મહિલાએ ધ્રોલ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાને મોબાઈલ ફોનમાં પતાવી દેવાની ધમકી આપનાર મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરવાવ ગામના પૂર્વરાજસિંહ ભૂપતસિંહ જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી પૂર્વરાજસિંહ જાડેજા કે જે શિક્ષિકા મહિલાની 19 વર્ષની પુત્રી, કે જે રાજકોટમાં એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે, અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. જેને અવારનવાર મોબાઇલ ફોન કરીને એક તરફી પ્રેમ કરી તેણીને પરેશાન કરતો હતો, અને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો.
જે અંગે યુવતીએ પોતાની માતા ને ફરિયાદ કર્યા પછી પોતાના મોબાઈલ ફોનમાં કોન્ફરન્સ મારફતે પૂર્વરાજસિંહ જાડેજા સાથે માતાને વાત કરાવી આપી હતી. જેમાં પૂર્વરાજસિંહે જણાવ્યું હતું, કે હું તમારી દીકરી વિના રહી શકું તેમ નથી, અને મારા તેની સાથે લગ્ન કરાવી આપો.
દરમિયાન શિક્ષિકા દ્વારા અમારા સમાજમાં આવા લગ્ન શક્ય નથી. તેમ કહીને ઇન્કાર કરી દીધો હતો, અને મારી પુત્રી તમારી સાથે લગ્ન કરવા માંગતી નથી. તેમ જણાવતાં આરોપી ઉસ્કેરાયો હતો.
જેણે શિક્ષીકાના મોબાઈલ નંબર મેળવી લીધા પછી તેણી પોતાની ફરજ પર ભેંસદડ ગામેં સ્કૂલે હાજર હતી, દરમિયાન આરોપીનો ફરીથી મોબાઈલ ફોન આવ્યો હતો, અને તમારી પુત્રીના મારી સાથે લગ્ન કરી આપો, અથવા તો મેં તેની પાછળ બહુ મોટો ખર્ચો કર્યો છે, એટલે બે લાખ રૂપિયા તમારે મને આપવા પડશે. તેમ નહીં કરો તો તમને, તમારી પુત્રી અને પુત્ર બંનેને છરી વડે હુમલો કરીને પતાવી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.
જેથી સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વીરવાવ ગામના પૂર્વરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે આઈપીસી કલમ 387,504,506-2 અને 507 મુજબ નો ગુન્હો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.