લૌકિકે આવેલા પરિવાર પર કાળ ત્રાટક્યો: ચાર મહિલા સહિત પાંચ ઘાયલ
ધ્રોલ તાલુકાના વાકીયા ગામે આજરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં માથેલા સાંઢની જેમ બેકાબુ બનેલા ટ્રકે રિક્ષાને ઠોકર મારતા રીક્ષા બાજુમાં ઊભેલા ટોળા પર પડી હતી. જેના કારણે મોરબીના એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર મહિલા સહિત પાંચ લોકોને ઈજા થતાં તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં દરબારગઢ સ્વામી નારાયણ મંદિર પાસે રહેતા જયાબેન રમણીકલાલ જાદવ (ઉ.વ.53), મીનાબેન કેતનગીરી ગોસ્વામી (ઉ.વ.45), દોલતગીરી ગોવિંદગીરી ગોસ્વામી (ઉ.વ.40), દક્ષાબેન રાજેશગીરી ગોસ્વામી (ઉ.વ.46), ભાવનાબેન ધર્મેન્દ્ર ગીરી ગોસ્વામી (ઉ.વ.56) અને કાજલબેન ચેતનગીરી ગોસ્વામી (ઉ.વ.35) સહિતના પરિવારજનો વાકિયા ગામે લૌકિક પ્રસંગે ગયા હતા.
તે દરમિયાન તમામ પરિવારજનો વાકિયા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. ત્યારે માતેલા સાંઢની જેમ ઘશી આવેલા ટ્રકે રીક્ષાને ઠોકર મારી હતી. જેથી રીક્ષા ઉલડીને પરિવારજનો પર પડતા અનેક લોકો ઘવાયા હતા. જેથી અકસ્માતમાં ઘવાયેલા જયાબેન જાદવ, મીનાબેન ગોસ્વામી, દોલતગીરી ગોસ્વામી, દક્ષાબેન ગોસ્વામી અને ભાવનાબેન ગોસ્વામીને ઇજા થતા તેઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ જયાબેન જાદવને ગંભીર ઈજાઓ થવાના કારણે તેઓનું સારવાર મળે તે પહેલાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. તો બીજી તરફ અકસ્માતમાં ઘાયલ પરિવારજનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર જીગ્નેશભાઈ મારુંએ ધ્રોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક જયાબેન જાદવના સહેલી અને ઇજાગ્રસ્ત મીનાબેન ગોસ્વામીના બહેન શોભનાબેનનું ગઈકાલે મૃત્યુ થયું હતું. તેના લોકિક પ્રસંગ માટે તમામ પરિવારજનો ગાડી બાંધીને વાકિયા ગામે ગયા હતા. જ્યાં અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરીને મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.