લગ્ન પ્રસંગમાં અપશબ્દો બોલવાના પ્રશ્ને હત્યા કર્યાની બન્ને શખ્સોની કબુલાત ગળે ન ઉતરતા હિન્દુ સંગઠનોના ટોળા એકઠા થયા: કલેકટરને આવેદન અપાશે
ધ્રાંગધ્રાના કોળીપરા વિસ્તારમાં ઠાકોર સમાજના આગેવાન અને ગૌરક્ષાદળના કાર્યકરની બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરતા કોમી તંગદીલી સર્જાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બન્ને શખ્સોની ધરપકડ કર્યા બાદ કરેલી પુછપરછમાં બન્ને શખ્સોએ લગ્ન પ્રસંગમાં થયેલી બોલાચાલીના કારણે હત્યા કર્યાની કબુલાત આપતા હત્યા પાછળ સામાન્ય બોલાચાલી નહીં પણ અન્ય કારણ હોવાની આક્ષેપ સાથે ઠાકોર સમાજ મોટી સંખ્યામાં એકઠો થઈ ગયો હતો અને જિલ્લા કલેકટરને આવેદન આપવાનો નિર્ણય કર્યો છે.
આ અંગેની પોલીસમાં પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રાના મોચીવાડ વિસ્તારમાં રહેતા મનોજ કનૈયાલાલ ઠાકોર કોળીપરા વિસ્તારમાં સંબંધીને ત્યાં લગ્નપ્રસંગમાં ગયો ત્યારે ફિરોઝ ઉર્ફે મુનો મહમદ ખાટકી અને મહેશ ઉર્ફે હેડન મનજી રાઠોડ દા‚ના નશામાં ગાળો બોલાતા હોવાથી બન્ને શખ્સોને ટપારી દૂર જઈ ઝઘડો કરવા અંગે સમજાવતા બન્ને શખ્સો ત્યાંથી જતા રહ્યાં બાદ રાત્રે મનોજભાઈ ઈંદરીયા તેના મીત્ર કિશન અઘારા સાથે ઘરે જઈ રહ્યાં હતા ત્યારે ફિરોઝ ઉર્ફે મુન્નો મહમદ ખાટકી અને મહેશ ઉર્ફે હેડન રાઠોડ નામના શખ્સોએ તેનો પીછો કરી રસ્તામાં આંતરી ‘તુ બહુ ડોઢો થતો હતો’ તેમ કહી છરીના ઘા ઝીંકી દેતા મનોજભાઈ અને તેના મિત્ર કિશનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જયાં ગંભીર રીતે ઘવાયેલા મનોજભાઈનું મોત નિપજયાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું.
મનોજભાઈ ઈંદરીયાની હત્યાની જાણ થતાં ઠાકોર સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા અને હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોની તાત્કાલીક ધરપકડ કરવાની માંગણી કરતા ડીવાયએસપી આર.બી.દેવધા, પીઆઈ ખુમાનસિંહ વાળા સહિતના સ્ટાફે મૃતક મનોજભાઈના ભાઈ પ્રકાશભાઈ ઈંદરીયાની ફરિયાદ પરથી ફિરોજ ઉર્ફે મુનો મહમદ ખાટકી અને મહેશ ઉર્ફે હેડન મનજી રાઠોડ સામે હત્યાનો ગુનો નોંધી બન્ને શખ્સોને હરીપર રોડ પરથી ધરપકડ કરી હતી.
ફિરોઝ ખાટકી અને મહેશ રાઠોડની પુછપરછ દરમિયાન બન્ને શખ્સોએ લગ્ન પ્રસંગ દરમિયાન બોલાચાલી થતાં હત્યા કર્યાની કબુલાત આપી હતી જે ઠાકોર સમાજને ગળે ન ઉતરતા હત્યા પાછળ મનોજભાઈ ગૌરક્ષાના કાર્યકર હોવાનું અને ફિરોઝ ખાટકી અગાઉ મર્ડરના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને તેને ગૌહત્યા કરતા અટકાવતા હોવાના કારણે જ હત્યા કરાયાની શંકા વ્યકત કરી જિલ્લા કલેકટરને આવેદન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, ઠાકોર સમાજ દ્વારા બંધનું એલાન અપાયા બાદ પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા બન્ને શખ્સોની મુખ્ય બજારોમાં સરઘસ કાઢી આકરી પુછપરછ કરતા બંધનું એલાન મોકુફ રાખ્યું હતું.