વર્ષ ૨૦૧૭માં હરિપર ગામે ચૂંટણી સભામાં આચાર સંહિતાનો કેસ નોંધાયો’તો
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ ૨૦૧૭માં યોજાયેલ વિધાનસભા ની ચુંટણીમાં પ્રચાર દરમ્યાન આચાર સંહિતાના ભંગનો ગુન્હો ધ્રાંગધ્રા પોલીસ મથકે નોંધાયો હતો અને તે અંગે ધ્રાંગધ્રા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે આ સંદર્ભે પાસ યુવા નેતા તેમજ કોંગ્રેસના ઈન્ચાર્જ પ્રમુખ મુદ્દત અર્થે ધ્રાંગધ્રા કોર્ટમાં આવવાના હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી જો કે હાર્દિક પટેલ ધ્રાંગધ્રા થઈને જઈ રહ્યાં હોવાની જાણ હોવા છતાં પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવામાં આવ્યાં નહોતા.આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામે વર્ષ ૨૦૧૭ દરમ્યાન વિધાનસભાની ચુંટણીમાં પ્રચાર અર્થે આવેલ હાર્દિક પટેલની સભા યોજાઈ હતી જેમાં આચાર સંહિતાનો ભંગ થયો હતો અને તે બદલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો અને આ મામલે ધ્રાંગધ્રા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કોર્ટમાં મુદ્દત અર્થે ઉપસ્થિત રહેવાના હતાં તેમજ અગાઉની મુદ્દત દરમ્યાન ગેરહાજર રહેવા બદલ કોર્ટ દ્વારા વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું.જ્યારે આ મામલે ધ્રાંગધ્રા કોર્ટ દ્વારા આગામી તા.૧૫ ડિસેમ્બરના રોજ ફરી મુદ્દત આપવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આગામી મુદ્દતમાં પણ હાર્દિક પટેલ હાજર નહિં રહે તો તેના વિરૂધ્ધ ધરપકડનું વોરંટ ઈસ્યુ થઈ શકે છે અને રાજ્યભરની પોલીસ ગમેત્યાંથી તેની અટક કરે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.