અનામત આંદોલન સમયે સભા દરમિયાન આચારસંહિતા ભંગ બદલ ગુનો નોંધાયો’તો: કેસની મુદતમાં હાજર ન રહેતા કોર્ટ આકરા પાણીએ
ધ્રાંગધ્રામાં અનામત આંદોલન સમયે ભડકાવ ભાષણ કરવા બદલ હાલ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે આચાર સહિતનો ગુનો નોંધાયો હતો તેની કેસની મુદતમાં સતત ગેરહાજર રહેતા હાર્દિક પટેલ સામે કોર્ટે આજરોજ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ હાલ વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલન સમયના પાસના ક્ધવીનિયર હાર્દિક પટેલ વિરુદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. ધ્રાંગધ્રાના હરીપર ગામે પાટીદાર અનામત આંદોલન સમયે પાસની સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતા તાલુકા પોલીસ મથકે હાર્દિક પટેલ સામે કેસ દાખલ કર્યો હતો. ધ્રાંગધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં કેસની મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું છે.
હાર્દિક પટેલે દ્વારા જે તે સમયે ધાર્મિક સભાની મંજૂરી લઈ સ્ટેજ પરથી રાજકીય ભડકાઉ ભાષણ કરી આચાર સંહિતાનો ભંગ કરતા તાલુકા પોલીસ મથકમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં ધ્રાંગધ્રા પાસના પ્રમુખ કૌશીક પટેલ અને હાર્દિક પટેલ ઉપર કેસ નોંધાયો હતો. આ કેસ ધ્રાંગધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ચાલતો હતો. જેમાં મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે કોર્ટના આદેશ સામે પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરશે કેમ?