ઝાલાવાડ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળતી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ધાંગધ્રામાં એક સપ્તાહમાં બીજી હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. જેમાં વહેલી સવારે ધાંગધ્રા નજીક આવેલા બાલા હનુમાન મંદિરના મહંતને પાચ શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેશી નાખ્યાં છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પાંચ શખ્સોએ પૂજારીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેશી નાખ્યાં: એક સપ્તાહમાં બીજી હત્યા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધાંગધ્રા નજીક આવેલા બાલા હનુમાન મંદિર ખાતે છેલ્લા 10 વર્ષથી મહંત તરીકે સેવા કરતા દયારામજી ઉર્ફે વિજયગીરી બાપુ (ઉ.વ.60)નો વહેલી સવારે લોહિયાળ હાલતમાં મૃતદેહ મળી આવતાં જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મહંત દયારામજી છેલ્લા દસ વર્ષથી ધાંગધ્રા નજીક આવેલા બાલા હનુમાન મંદિર ખાતે સેવા કરે છે. આજરોજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ મંદિરના પરિસરમાં જ પાચ શખ્સોએ તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી મહંતને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે ઘટનાના પગલે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યારાઓ મહંતને રહેશી નાખી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે મહંતની હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે દિશામાં ચક્રોગતિમાન હાથ ધરવામાં આવ્યા છે.
તો બીજી તરફ બાલા હનુમાન મંદિરના મહંત દયારામજીની હત્યાના પગલે ભક્તજનોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ધાંગધ્રામાં એક સપ્તાહમાં જ બીજી હત્યા થતા ચકચાર મચી ગઇ છે.