અબતક- રાજકોટ
રાજકોટમાં ૯૦ દિવસના લાંબા ગાળા બાદ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતા તંત્ર ફરી એલર્ટ મોડ પર આવી ગયું છે. ધોરાજીના ૫૬ વર્ષીય પ્રૌઢએ કોરોના વેક્સિન લેવાનો ઇન્કાર કર્યો હતો. જેઓએ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી ખાતે કોવિડ પોઝિટિવ દર્દીનું મોત થયું છે. ગત તારીખ ૨૬ નવેમ્બરના રોજ પોઝિટિવ જાહેર થયેલા ૫૬ વર્ષીય પુરુષનું આજે ધોરાજી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
૯૦ જેટલા દિવસ બાદ કોરોનાથી કોઈ દર્દીનું મોત:
રાજકોટ સિવિલમાં સારવારમાં દમ તોડ્યો: તંત્ર એલર્ટ મોડ પર
વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક પુરુષે કોરોના વેક્સિનનો એક પણ ડોઝ લીધેલો ન હોવાનું આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીએ જણાવ્યું હતું. મૃતક દર્દી કોઇ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. પરંતુ, તેઓ કોડીનાર ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હોવાથી કોવિડ પોઝિટિવ આવ્યા હોવાની શક્યતા સેવાઇ રહી છે. આ સાથે તેમના કોન્ટેક ટ્રેસીંગ દરમિયાન તેમના સંપર્કમાં આવેલા કોઈના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા નથી. પરિવારજનોએ કોરોના વેક્સિનના તમામ ફોઝ લીધા હતા જ્યારે મૃતક પ્રૌઢએ રસી લેવાની મનાઈ ફરમાવી હતી.
ત્યારે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થોડા દિવસોથી કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. પોઝિટિવ કેસની સાથે હવે ૯૦ દિવસ બાદ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોઈ કોરોના અંતર્ગત દર્દીનું મોત થયું છે. જેથી તંત્ર દ્વારા ફરી એકવાર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.