ધોરાજીમાં રહેતા વેપારી સાથે કોમ્પ્યુટરના ભેજાબાજોએ રૂ.૪૦ હજારની ઓનલાઈન છેતરપીંડી થઈ હોવાની સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં વેપારીના અમદાવાદમાં રહેલો ફ્લેટ ભાડે આપવાની ઓનલાઈન જાહેરાત કર્યા બાદ ભેજાબાજોએ વેપારીને ડિપોઝિટ આપવાના બહાને ગૂગલ પે ડાઉનલોડ કરાવી ખાતામાંથી પૈસાની ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીમાં જેમનાવડ રોડ તક્ષશિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને વેપાર કરતા જગદીપસિંઘ રણવીરસિંઘ પટેલે ધોરાજી સાયબરસેલમાં પોતાના ખાતામાંથી ઓનલાઈન રૂ.૪૦ હજારની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
આ અંગે વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાના અમદાવાદ ખાતે રહેલા ફ્લેટને ભાડે આપવાની જાહેરાત ઓનલાઈન મેજિકબ્રિક્સ વેબસાઈટમાં કરી હતી. જે જાહેરાત જોઈને કોઈ અમિત કુમાર નામના વ્યક્તિએ વેપારીને ફોન કરી પોતે આર્મીમાં હોવાની ઓળખ આપી અને અમદાવાદ બદલી થઈ હોય જેથી વેપારીનો ફ્લેટ ભાડે રાખવાની વાત કરી હતી. જેથી ધોરાજીના વેપારીએ અમિત કુમાર પાસે ડિપોઝિટ પેટે રૂ.૬૦ હજાર ખાતામાં જમા કરાવવા કહ્યું હતું.
જેથી અમિત કુમારે પોતાના કેપ્ટન અનિલ શર્મા ડિપોઝિટ ચૂકવી આપશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ અનિલ શર્માએ વેપારી જગદીપસિંઘને કોલ કરી ગુગલ પે ઈન્સ્ટોલ કરાવી તેમાંથી ઓટીપી કોડ મેળવી વેપારીના ખાતામાંથી રૂ.૪૦ હજારની ઉઠાંતરી કરી હતી. આ અંગે વેપારીએ સાયબરસેલમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.